આ કથા છે કલકતામાં રહેતી એક ગૃહિણી પોલોમા ચટ્ટોપાધ્યાયની જે એક અકલ્પ્ય અનુભવમાંથી પસાર થાય છે અને ચાર જુદા-જુદા જીવનની અનુભૂતિ કરે છે.
પણ વાસ્તવમાં આ ફક્ત પોલોમાની કથા નથી. આ એ દરેક વ્યક્તિની વાત છે જેણે “હું કોઈ બીજા સમય કે સ્થળમાં જીવી શકું તો?” એવું વિચાર્યું છે. વાસાંસિ જીર્ણાનિ એક અલૌકિક અજ્ઞાતની વાત છે પણ તમારા અનુભૂતિ જગતમાં તમે એનાથી પરિચિત છો. આ વાંચીને જો કોઈને લાગે કે “આવું મેં પણ ક્યારેક અનુભવ્યું છે” તો આ કથા સાર્થક છે.
To order this book –
Kishorbhai Bhatt
You have created a new trend of writing . Just wonderful , mind blowing
નીલેશ રૂપાપરા
તમે લેખક છો? તો તમારે Devangi Bhattની વાસાંસિ જીર્ણાનિ નામની નવલકથા વાંચવી જ જોઈએ. તમે વાચક કે ભાવક છો? તો ખાસ વાંચવી જોઈએ. તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો કે માનવમનની અંધારી વાવનો અભ્યાસ કરવામાં તમને રસ છે? તો આ નવલકથા વાંચ્યા વિના તમારો છૂટકો જ નથી. તમને જીવનની અરાજકતા નામની કાળુ માછલીની છીપમાં સર્જાતાં પર્લ્સ ઑફ વિઝડમમાં રસ છે? તો આ વાચન તમને બહુ ઉપયોગી થશે.
ઉપરોક્ત ફકરો પ્રમોશન જેવો લખાઈ ગયો. બટ બિલીવ મી, એ પ્રમોશન નહીં, ભાવાવેશ છે; વાસાંસિ જીર્ણાનિ વાંચ્યા પછી ચિત્તના પાર્ટિકલ ઍક્સેલરેટરમાં થયેલી ભાવોર્મિઓ અને વિચારતરંગોની અથડામણ છે. આ અથડામણે ડહાપણ અને ગાંડપણના સંયોજનનો એક એવો ભાવપિંડ સર્જ્યો છે, જે આનંદરૂપે ચિત્તને આંદોલિત કરી રહ્યો છે. હોપ કે તમારા ચિત્તમાં પણ આ આંદોલન થાય.
એવું તે શું છે આ નવલકથામાં? આપણી બૌદ્ધિકતા અને તર્કસંગતતાનું માન જાળવીને આ નવલકથા આપણને માનવમનના એવા ભંડકિયામાં લઈ જાય છે, જેમાં ઈચ્છાઓનું સમાંતર બ્રહ્માંડ ધબકી રહ્યું છે. આ ભંડકિયું છે પોલોમા નામની પચાસેક વર્ષની સામાન્ય બંગાળી સ્ત્રીનું. પોલોમાનો સંસાર ખાસ કોઈ તડકીછાંયડી વિનાનો કે ઊથલપાથલ વિનાનો છે. સુખી અને સ્થિર.
પોલોમાના કોલકાત્તાના ઘરના ભંડકિયામાં જમીનમાં ધાન ભરવાની કોઠીઓ દાટેલી છે. એક દિવસ એ કોઠીઓ વેચવાનો પ્રસ્તાવ મુકાય છે એટલે પોલોમાને એ જમાનાજૂની અવાવરુ કોઠીઓમાં ડોકિયું કરવાની ઈચ્છા થાય છે. પોલોમા એ કોઠીમાં ઊતરે છે. કહો કે એના મનના કોઈ અજાણ ભોંયરામાં ઊતરે છે અને પહોંચી જાય છે કોઈ અગોચર પ્રદેશમાં.
હવે પોલોમા ઓગળે છે અને અવતરે છે ઓરોરા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના ગાળામાં જર્મનીમાં રહેતી આ સ્ત્રી એના અભાવો બદલ હિટલરની જેમ યહુદીઓને ધિક્કારે છે. ઓરોરાની નકારાત્મક લાગણી પછી પોલોમાની ભીતર પિંડ બંધાય છે પ્રેમની પૅશનેટ લાગણીનો. હવે અવતરે છે રાજકુમારી રાબિયા. ઈજિપ્તના વૈભવી મહાલયોમાં રહેતી અને નિષેધોમાં જીવેલી રાબિયા જીવનની વાસ્તવિકતાથી અનભિજ્ઞ છે, પણ પ્રેમ એને પોતાનું સત્ય ને પોતાની ઓળખ આપે છે. પોલોમાની ત્રીજી ને છેલ્લી સફર છે કાઠિયાવાડની, જ્યાં મોંઘી નામની અભણ સ્ત્રી મૃત્યુમાં મુક્તિનો અવસર જુએ છે.
આ ત્રણેય સ્ત્રીમાં પોલોમા ક્યાંય દેખાતી નથી, છતાં એ ત્રણેય પોલોમાના મનોજગતની જ નિવાસી છે. ત્રણેય હકીકતમાં પોલોમાએ જીવવા ઈચ્છેલી, પણ ન જીવી શકાયેલી જિંદગીનાં આભાસી સ્વરૂપો છે; પોલોમાની અધૂરી રહેલી ઈચ્છાઓનું પર્સોનિફિકેશન છે. પોલોમા જ પોલોમા પાસે લટકા કરી રહી છે. એની સ્થિતિ કદાચ નરસિંહ મહેતાના પદથી વર્ણવી શકાયઃ “જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે…” પોલોમાને પણ અટપટા ભોગ ભાસે છે, પણ એ માયા એણે પોતે નથી રચી. એ તો એના અચેતન મનમાં ધરબાયેલી ઝંખનાઓએ રચી છે.
આમ, ત્રણ જુદા જુદા કાલખંડમાં અવતરતી ઓરોરા, રાબિયા અને મોંઘીના મિષે અહીં પોલોમાની કથા કહેવાઈ છે અને અદ્ભુત રીતે કહેવાઈ છે. સંકુલ મનોભાવો, પાત્રો અને લેખિકા દ્વારા પમાતાં સત્યો, નિરીક્ષણો, વર્ણનો, સંવાદો, કથનની રીત અને કલાનું વાસ્તવ અચંબિત થઈ જવાય એ રીતે શબ્દોમાં મુકાયાં છે. એ શબ્દોની સરળતા અને સહજતા એટલી છેતરામણી છે કે એમના અવતરણમાં અનુભૂતિઓ અને વિચારોનું કેટલુંક વલોણું થયું હશે એનો અંદાજ પહેલી નજરે આવી નથી શકતો.
હવે કથાકથનની એકાદ-બે ખામીની વાત. પોલોમા વાસ્તવ અને ભ્રમણા વચ્ચે ઝૂલતી થઈ ગઈ એની પાછળનાં કારણો કે પરિસ્થિતિનું નિરૂપણ નવલકથામાં ખાસ થયું નથી. હા, વાચકોને માહિતી અપાતી હોય એમ ત્રણ વાત કહી દેવાય છેઃ એક, પોલોમાનું જીવન સ્થિર, સુખી તથા લગભગ ઘટનાહીન હતું. બીજું, એનામાં જીવનરસ હતો. ત્રીજું, એને લાગતું હતું કે જીવન આટલું સીધી લીટીમાં ન ચાલવું જોઈએ, એમાં વળાંકો હોવા જોઈએ. આટલી માહિતી પરથી અને ઓરોરા, રાબિયા તથા મોંઘીનાં પાત્રો પરથી વાચકોએ ધારી લેવાનું રહે છે કે પોલોમાના મનના ઊંડાણમાં ક્યાંક વેર, પ્રેમ અને મુક્તિની ઈચ્છાઓ દટાયેલી હશે.
ખરેખર તો પ્રારંભિક પ્રકરણમાં જો પોલોમાના શાંત જીવનનું નિરૂપણ કરતી વખતે એના વ્યક્તિત્વમાં કોઈક રીતે ઓરોરા, રાબિયા અને મોંઘીની આછેરી ઝલક દેખાડાઈ હોત તો વાત ઓર સંગીન બની શકત. અત્યારે એવું લાગે છે કે પચાસ વર્ષની ઉંમરે અચાનક પોલોમાનાં મનોસંચલનો ટ્રિગર થયાં. રાતોરાત આવું બનવું શક્ય નથી, કેમ કે એ તો પોલોમાના જીવનમાં સતત ચાલેલી પ્રક્રિયા હોય. બીજું કે ઓરોરા, રાબિયા અને મોંઘીની કોઈક વાતો-ક્રિયાઓમાં પણ પોલોમાની સાવ આછેરી ઝલક દેખાઈ હોત તો કથાતંતુ સંધાયેલો રહેત. મનોવિજ્ઞાન આ બાબતે જે કહે તે, કલાનું વાસ્તવ જુદું હોય છે. હોવું જોઈએ.
આવા નાનામોટા ખટકા છતાં આ નવલકથા પ્રભાવશાળી છે. એનો એક છેડો ક્લાસને અડે છે ને બીજો માસને. છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાતીમાં આવું બળકટ લખાણ મેં બહુ ઓછું વાંચ્યું છે. જો કોઈ જાદુ થઈ શકતો હોત તો એના વડે આ નવલકથા હું મારા નામે કરાવી લેત. બદલામાં મારું રાજપાટ (અફકોર્સ, જાદુથી જ ઊભું કરેલું ) આપી દેત.
Raam Mori
આપણી અંદર આ એક જિંદગી સિવાય પણ બીજી કંઈકેટલીય જિંદગી જાણ્યે અજાણ્યે જીવાતી હોય છે એવું તમે ક્યારેય અનુભવ્યું છે ખરું ? ઈતિહાસના પાનાઓ ફંફોસતા ફંફોસતા તમને એવું ક્યારેય લાગ્યું છે કે આ હું હતી કે આ હું હતો. જૂના સમયની કે ગયા ભવના કથાનકો વાંચીએ ત્યારે અચાનક કોઈ કિરદારમાં, કોઈ કથામાં કે કોઈ ઘટનામાં તમને તમારો પડછાયો નહીં પણ તમને તમારું પ્રતિબિંબ જડી ગયું હોય એવું તમારી સાથે ક્યારેય બન્યું છે ખરું ? પેઢીઓ જૂની કોઈ લાગણી, કોઈ અધૂરપ કે કોઈ ફરિયાદ તમારી છાતીમાં ચસોચસ ગોઠવાઈ જાય અને તમને થાય કે આજે પણ આ વાત અને આ જાત મારી પોતાની લાગે છે એવું ક્યારેય અનુભવ્યું છે ખરું ? પ્રથમ દ્રષ્ટિએ કદાચ થોડી ગાંડા જેવી કે હાથપગ વગરની લાગતી આ વાતમાં એક ગહન સત્ય છે, વજૂદ છે. જો આ લાગણીને ભારોભાર સમજવી હોય, જીવાઈ ચૂકેલા સમયને જરા જૂદી રીતે તપાસી અંતરાત્માના પડળોને નિરાંતે બેસી ચકાસવા હોય તો આ નવલકથા તમારા માટે છે; દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત ‘વાસાંસિ જીર્ણાનિ’
નવભારત દ્વારા પ્રકાશિત થયેલી આ નવલકથા લોકડાઉનમાં વાંચી ત્યારથી મારા મનમાં રીતસરની ચોંટી ગઈ છે. એના કિરદારો પોલોમા ચટ્ટોપાધ્યાય, ઓરોરા, રાબિયા અને મોંઘી મને એકમદ મારા પોતિકા લાગ્યા છે. મારે એનાથી છૂટવું છે પણ હાથ પકડીને આ કિરદારો વારંવાર કહે કે ‘’ ઘડીક બેસને, વાત કરને અમારી સાથે; ડરી કેમ જાય છે ? કઈ વાતથી દૂર ભાગે છે ? અમે લોકો તને ઓળખી ગયા છીએ એ વાતથી આટલો બધો કેમ ઝંખવાઈ ગયો છે તું ? ‘’ દેવાંગી, તારી આ નવલકથા સિવાય છેલ્લે કઈ કૃતિના કિરદારો મારા મનમાં આમ ઘર કરીને બેસી ગયા હતા એ મને યાદ નથી !
ઈ.સ. 2016 ના કોલકતાની પોલોમા ચટ્ટોપાઘ્યાયથી લેખિકા દેવાંગી ભટ્ટ કથાની માંડણી કરે છે અને કથાનો એક છેડો ઈ.સ 1925 માં જર્મનીના હેનોવરમાં જઈને ખૂલે છે. પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધ વચ્ચે સમયને ગુંથતી અરોરા અને ત્યાંથી કથા ઈ.સ. 1950 માં ઈજિપ્તના કૈરોની રાજકુમારી રાબિયા પાસે જઈને કથા બીજો છેડો ખુલ્લો કરે છે. ઉંચા આરસપહાણની દીવાલોમાં સમય નીરસ નીતરતો જોતી આ રાબિયા પાસેથી કથા સીધી ઈ.સ. 1955 માં સૌરાષ્ટ્રના વેલસર ગામે મોંઘીના પાણિયારે ઠરે છે. અહીં મહાપ્રલયની શક્યતાઓ વચ્ચે છાતીના ખાવણી દસ્તા વચ્ચે અકળાતી ઈચ્છાઓને ખાંડતી મોંઘી તો બાપ રે બાપ….મોંઘી એટલે મોંઘી ! આ ચારેય નાયિકાઓ એક છે કે જૂદી જૂદી ? આ બધી એક જ સ્ત્રીના પૂર્વ જન્મની કથાઓ તો નથીને ? આ ચારેય એકબીજા સાથે જોડાયેલી છે ? એના માટે આ કૃતિ વાંચો. સૌથી મજ્જાની વાત એ છે કે અહીં ભાવકે ભાવકે ઉપરના ત્રણેય પ્રશ્નોના જવાબ વાચકોને પોતપોતાની મન:સ્થિતિ આધારે મળશે; આ લેખિકાનો કસબ છે.
નવલકથાની પ્રસ્તાવનામાં જાણીતા સર્જક મિહિર ભૂતાએ લખેલી વજનદાર વાતમાંથી કહું તો
મૂળે તો આ કથા પ્રતિશોધ, મૈથુન અને સ્વતંત્રતાની છે. દેવાંગી ભટ્ટને તો અનેકવાર કહી ચૂક્યો છું કે મને એના ગદ્યની, એની માંડણીની અને એના કથાચયનની હંમેશા ઈર્ષા રહી છે અને કદાચ કાયમ રહેશે. દેવાંગી ભટ્ટની બે સુંદર મજાની નવી નવલકથાઓ પણ આવી ચૂકી છે. ‘અશેષ’ અને ‘સમાંતર’ એ વાંચીને એના વિશે પણ જણાવીશ. ગુજરાતી ફિક્શન સાહિત્યમાં દેવાંગી ભટ્ટ જેવું એક ખમતીધર નામ ઉમરાયું છે અને વિશેષ વધાવાયું છે એનો અંગત હરખ કરી લઉં છું. દેવાંગી ભટ્ટ, તને બહુ બધું લવ યુ છે.
દેવાંગી ભટ્ટ દ્વારા લિખિત ‘વાંસાસિ જીર્ણાનિ’ નવભારત દ્વારા પ્રકાશિત થઈ છે. બુકપ્રથા પરથી આપ દેવાંગી ભટ્ટની નવલકથાઓ પ્રાપ્ત કરી શકો છો. લીંક પહેલી કમેન્ટમાં પોસ્ટ કરી રહ્યો છું. ખરેખર કશુંક ફ્રેશ વાંચવું છે તો આ કૃતિ તમારા માટે છે.