‘હોમ ઓફ પીસ —તાન્ઝાનિયા’

“ અમારા રૂટ્સ આ દેશમાં બહુ જુના છે…..મારા દાદાજી એમની યંગ એજમાં અહીં આવીને સ્થાયી થયેલા ….હા સમયાંતરે વડીલો થોડા થોડા વર્ષો ઇન્ડીયામાં પણ રહ્યા, પણ મૂળભૂત રીતે હવે તાન્ઝાનિયા જ અમારું ઘર છે. અહીં જ અમારા સંબંધો અને સ્મૃતિઓ છે.”

સારિકા દવે છેલ્લી ત્રણ પેઢીથી તાન્ઝાનિયાના દારે-એ-સલામમાં સ્થાયી થયેલા છે, એમનો જન્મ અને ઉછેર પણ ત્યાં જ થયો છે……એટલે ઇન્ડિયન હોવા છતાં એમને માઈગ્રન્ટ ન કહી શકાય.સ્વાહિલી ભાષા કડકડાટ બોલતા અને તાન્ઝાનિયાની તમામ ખામી ખૂબી થી પરિચિત સારિકા તાન્ઝાનિયાને વતન જ માને છે…..પણ પેઢી દર પેઢી પાસ થયેલું પેલું ભારતીયપણું એમનામાં જીવંત છે. ક્યારેક સાડી પહેરી લેવી, કોઈ ગુજરાતી ડીશ બનાવવી…કે પછી સવારમાં દીવો કરવો આ બધું સાવ સહજ રીતે જ થઇ જાય છે. વડીલો એ જે સંસ્કૃતિ પૂર્વ આફ્રિકાના એ શહેરમાં જીવતી રાખી તેને સારિકા પોતાના દીકરાને પણ શીખવી રહ્યા છે. ભલે દીકરો ગુજરાતી સાહિત્ય ન વાંચે….પણ આપણા તહેવારો અને વાનગીઓ તો જાણે જ છે.

બીજા વિશ્વયુદ્ધ પછી જયારે દાર-એ-સલામ નો ઝડપી વિકાસ શરુ થયો એ અરસામાં સારિકાના ગ્રાન્ડપેરન્ટસ ત્યાં સ્થાયી થયેલા. કેટલાક દસકાઓ ત્યાં વિતાવીને નિવૃત્તિના વર્ષોમાં એ પાછા ભારત આવેલા. પણ સારિકાના પેરન્ટસ ત્યાં જ રહેલા. અને આમ હિન્દ મહાસાગરને કિનારે આવેલા પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામાં દાર-એ-સલામમાં જ સારિકા દવે મોટા થયા. અરેબીક ભાષામાં દાર-એ-સલામ નો અર્થ થાય છે ‘ હોમ ઓફ પીસ’. વસ્તીની દ્રષ્ટીએ  આ શહેર તાન્ઝાનિયામાં સૌથી મોટું છે. ખુબ ગરમી અને હેવી રેઇન ફોલ જેવું અંતિમ તાપમાન ધરાવતા આ શહેરમાં બે ચોમાસા હોય છે. એપ્રિલ થી મેં ‘લોંગ રેઇન’ અને નવેમ્બર થી ડીસેમ્બર ‘શોર્ટ રેઇન’. વિશ્વના કેટલાક અગત્યના દરિયાઈ માર્ગો દાર-એ-સલામ ના સમુદ્ર કાંઠા થી પસાર થાય છે…..આથી આ શહેર વિકસિત અને ગ્લોબલ બન્યું છે. અરેબીક, આફ્રિકન અને ઇન્ડિયન ઇન્ફ્લુંસ અહીં લગભગ બધે જોવા મળે છે. યુનીવર્સીટી ઓફ ડોડોમાં અને યુનીવર્સીટી ઓફ દાર-એ-સલામ અહીની સૌથી જૂની અને મોટી શિક્ષણ સંસ્થાઓ છે. ૧૯૬૭ થી સરકાર દ્વારા અધિકૃત માહિતી નથી અપાઈ પણ અહી ક્રીશચ્યાનીટી અને ઇસ્લામ લગભગ સમાન વેઇટેજ ધરાવે છે. આ ઉપરાંત બુદ્ધિઝમ, હિંદુ ધર્મ અને સીખ ધર્મ ના ફોલોઅર્સ પણ છે. ઇન-ફેક્ટ આ શહેરમાં સ્વામિનારાયણ મંદિરની આરતી ,ચર્ચ ના કેરલ્સ અને મસ્જિદની અઝાન ભારતની જેમ જ સહ અસ્તિત્વ ધરાવે છે. દરેક કમ્યુનીટી પોતાના તહેવારો પણ ઉજવે છે….જેમકે દિવાળી કે નવરાત્રીનું આયોજન જોરશોર થી થાય છે.

સારિકા તેમના પિતા અને ટીનએજર દીકરા સાથે રહે છે, ઓટોમોબાઇલ ગેરેજમાં એકાઉન્ટ સંભાળે છે….સિંગલ મધર હોવાથી તેમની જવાબદારીઓ પણ મોટી છે. જો કે તેમની બંને બહેનો પણ ત્યાં જ હોવાથી તેમને સપોર્ટ સીસ્ટમના પ્રશ્નો નથી. મેં તેમને કોઈ કડવો અનુભવ એમ પૂછ્યું ત્યારે એમણે કહ્યું “ આ શહેર વિકાસમાન છે પણ મૂળભૂત રીતે તાન્ઝાનિયા ઓછી આવક ધરાવતો દેશ છે. અહી હજી કેટલાક પ્રશ્નો છે…જેમકે મેડીકલ ફેસીલીટી. કોઈ પણ લાંબી કે ક્રીટીકલ ટ્રીટમેન્ટ સરળતાથી અવેલેબલ નથી અને અથવા અત્યંત ખર્ચાળ છે. મારા મધર આવી જ બીમારીમાં સાચા નિદાન અને સારવારના અભાવે મૃત્યુ પામ્યા…..એ સમય ખુબ પીડાદાયક હતો. “ સારિકાની વાત સમજાય એવી છે. દરેક દેશની  પોતાની સમસ્યાઓ છે. તાન્ઝાનિયામાં પણ ગરીબી, ગુનાખોરી અને પર્યાવરણના પ્રશ્નો મોટા પાયે છે. આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે તાન્ઝાનિયાની લગભગ ૭૦% વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. પણ સમસ્યાઓ તો ક્યાં નથી? જે જમીન તમને અનાજ આપે, પાણી આપે , જ્યાં ના દરીયાકિનારાઓ અને સુર્યાસ્તો જીવનબળ આપે ત્યાં નાની મોટી નારાજ્ગીઓ પણ મળતી જ હોય છે. પણ  અગત્યનું એ છે કે ત્યાના લોકો સીધાસાદા અને અન્ય પ્રજાને પ્રેમથી સ્વીકાર આપનારા છે. વધુ કોમ્પ્લીકેશન વિના જીવનને માણનારા છે. ઈદ-ઉલ –ફિત્ર હોય, ક્રિસમસ હોય કે સાબા-સાબા ડે…..રંગબેરંગી વસ્ત્રો પહેરીને લોકો પોતાના ઘરો રોશનીથી ઝળાહળા કરી દે છે.

સારિકા દવે પણ મોજથી જીવે છે. એમને કોમિક્સ વાંચવાનું  અને કાર્ટુન જોવાનું ગમે છે. સ્વીમીંગ અને કુકિંગના શોખીન છે. દીકરાને લઈને વાઈલ્ડ લાઈફ સફારીમાં કે બીચ પર ઉપડી જાય છે. છેલ્લે ૨૦૧૫ માં એ ભારત પોતાના પપ્પા અને દીકરા સાથે આવેલા. ખુબ ફર્યા અને મજા કરી. સારિકા કહે છે.. ‘આઈ હેવ નો રિગ્રેટસ ઇન લાઈફ ….જ્યાં શક્ય હતું ત્યાં જીવ્યા, જે સંજોગો આવ્યા એમાં સંઘર્ષ કરીને આગળ આવ્યા અને દિવસોને માણ્યા…..વધુ શું જોઈએ? પણ બસ એક ઈચ્છા છે કે રીટાયર્ડ લાઈફ ઇન્ડિયામાં જીવવી છે. અમારા ગામ મોરબીમાં નાનું ઘર લઈને હિચકો ખાતા ખાતા આદુ વાળી ચા પીવાની અને પાડોશીઓ સાથે વાતો કરવાની.’

I really wish કે એવું જ થાય સારીકાબેન. જુદા જુદા દેશોમાં પોતાના અસ્તિત્વ માટે, પોતાના કુટુંબ અને ઘર માટે સંઘર્ષ કરતી દરેક સ્ત્રીને એના મનમાં ઈચ્છેલી ક્ષણો મળવી જ જોઈએ. પછી એ આફ્રિકાના કોઈ દરિયાઈ શહેરનું આકાશ હોય કે ભારતના કોઈ નાનકડા નગરની પોળ……

ટેક મી બાય ધી હાર્ટ , ટેક મી બાય ધી હેન્ડ…

લીડ મી ટુ અ વેરી ડીસ્ટન્ટ લેન્ડ

અ લેન્ડ વ્હેર વિ વિલ નેવર ગ્રો ઓલ્ડ….અ લેન્ડ વિચ હેસ સનરાઈઝ ઓફ ગોલ્ડ…

અ લેન્ડ ધેટ ઓન્લી એક્ઝિસ્ટસ ઇન અસ……અ સિક્રેટ પ્લેસ ધેટ નો વન કેન ટચ ….

Leave a Comment