બાબુલ મોરા નૈહર છૂટો હી જાય ….

બાબુલ મોરા નૈહર છૂટો હી જાય ….

“સંગીત મારો શોખ નથી. મારું સમગ્ર જીવન જ સંગીત અને શબ્દ છે. એ ગર્ભસંસ્કારની માફક વારસામાં મળ્યું છે અને જીવનના દરેક તબક્કે કોઈ ને કોઈ સ્વરૂપે અખંડ સાથી, જીવનબળ બની રહ્યું છે.”

આરાધના ભટ્ટ નવસારીના એક શિક્ષિત પરિવારમાં મોટા થયા. માતા પ્રાધ્યાપિકા અને પિતા ડોક્ટર …પણ બન્ને સાહિત્ય,સંગીત ના ચાહક. અને આથી જ ઈંગ્લીશ લીટરેચરમાં ગોલ્ડમેડલ સાથે એમ.એ., એમ.ફિલ. કર્યા પછી પણ આરાધનાબહેનનો પ્રથમ પ્રેમ સંગીત જ હતો.શાસ્ત્રીય સંગીત માં અલંકાર ની ડીગ્રીમાં તેઓ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યા હતા અને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. આ વાત આજ થી ત્રણ દસકા પહેલાની છે…જયારે આટલો ઉચ્ચ અભ્યાસ સહેલાઇ થી એક ઉજ્જવળ ભવિષ્ય નો રસ્તો બની શકતો.કલાના ક્ષેત્રે પણ હજી આટલી બધી વ્યવસાયિકતા કે ઘોંઘાટ નહોતા…..સંગીતસાધના નો રસ્તો પણ સરળ હતો.પણ જીવનમાં બીનઆયોજિત વહેણ ન હોય તો મજા ક્યાં રહી?

૧૯૮૫ માં આરાધનાબહેનના લગ્ન થયા અને ૧૯૮૬ માં એ કાયમ માટે ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા.કાયમ એટલે….વારંવાર આવવાનું તો થાય જ…….પણ બેગ લઈને , પાછા જવાનું છે એ વિચાર સાથે. વિદેશ ગયેલી દરેક દીકરી જયારે એક કે બે વર્ષે ઘેર આવે છે ત્યારે ઘણુબધું બદલાઈ ગયું હોય છે.ઘણા પ્રસંગો ઉજવાઈ ગયા હોય છે,ઘણા ચહેરાઓ ફોટાઓ માં યાદગીરી બની ગયા હોય છે, ઘરના બાળકો મોટા થઇ ગયા હોય છે, ગામના રસ્તાઓ અને મકાનો ઓળખાતા નથી…..અઘરું છે આ ઘર, ગામ અને સંબંધોને તબક્કા વાર બદલાતા જોવા.

આરાધનાબહેનના પતિ ભરત ભટ્ટ સિડનીમાં વ્યવસાયે ડોક્ટર હોવાથી અત્યંત વ્યસ્ત રહે.શરૂના વર્ષોમાં એકલા બાળકો ઉછેરવા, સંસાર ઉભો કરવો, અને ત્યાની એકલતા ને પચાવવી સહેલી તો નહી જ હોય.વળી એ વર્ષો માં તો ન ઈન્ટરનેટ હતું કે ન મોબાઈલ. અત્યાર જેવા ગુજરાતી સમાજો પણ નહોતા કે તહેવારો માં જાણીતું વાતાવરણ મળી રહે. સૌથી વધુ જે વાત સાલતી હતી એ હતી સારા ગુજરાતી પુસ્તકોની અને સંગીતની ખોટ.એ સંદર્ભે આરાધનાબહેને એક મજાની વાત કહી.” હું કલાપ્રેમી પરિવાર માં થી આવેલી.મારા પિયરમાં સાહિત્યનો પણ ખુબ મહિમા.અને મારા સાસરાપક્ષે પતિ સહીત બધા જ લગભગ ડોક્ટર. એમની વાતોમાં અને અભિગમમાં સંપૂર્ણ વિજ્ઞાનનું જ વર્ચસ્વ……શરૂના વર્ષો માં બે તદન જુદી વેવલેન્થ ધરાવતા માણસો એ એકબીજા સાથે એડજેસ્ટમેન્ટ પણ કરવાનું હોય છે.અમે બન્ને અનાયાસે મળ્યા હતા અમારા વાંચનશોખમાં થી જ. તેમ છતાં…… તમે સાહિત્યની, કોઈ રાગ કે ગીતની વાત કરવા ઝંખો એ અભાવ કઈ બધાને નથી સમજાવી શકાતો.”

પણ એ બધી આજથી ત્રીસ વર્ષ પહેલાની વાતો આરાધનાબહેનના આજ ના વાસ્તવ સાથે સરખાવી શકાય તેવી નથી.બાળકો મોટા થયા ત્યાં સુધી એમને સમય આપવા બીજી પ્રવૃતિઓ ન કરનારા આરાધનાબહેને છેલ્લા દસ વર્ષ થી સિડનીમાં ‘સુર-સંવાદ રેડિયો’ ની સ્થાપના કરી છે.તેના પર સંગીત અને સાહિત્યની નામાંકિત હસ્તીઓ સાથે તેઓ વાર્તાલાપ કરે છે અને ભારતીય સંસ્કૃતિ, ભાષા ના પ્રવાહો થી ત્યાં હજારો જોજનો દુર પણ અનેક લોકોને જોડાયેલા રાખે છે. નરેન્દ્ર મોદી, મોરારી બાપુ, ડો.ઇલાબેન ભટ્ટ ,ફાધર વાલેસ, લોર્ડ ભીખુ પારેખ,ભીખુદાન ગઢવી, સુભાષ ભટ્ટ, રઘુવીર ચોધરી, કુમુદિની લખિયા, સોલી કાપડિયા , ટીકુ તલસાણીયા,કાજલ ઓઝા વૈદ્ય અને મલ્લિકા સારાભાઇ સુર-સંવાદ માં આવ્યા અને ત્યાના ગુજરાતીઓએ એમને માણ્યા….એનો સંપૂર્ણ યશ આરાધનાબહેનના આ ઓનેસ્ટ ઈનીશીએટીવ ને જ આપવો પડે. એમણે આ વાર્તાલાપો ને સમાવતા બે પુસ્તકો “સુરીલો સંવાદ-૧ અને ૨ ” અને એ ઉપરાંત દેશાંતર કરનારી નારીઓના સંવેદનો આલેખતું પુસ્તક “પ્રવાસીની” લખ્યું છે જે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રગટ કરાયું છે. ભારત થી સાત સમુદ્ર પાર આરાધના ભટ્ટ પોતાનું એક નાનકડું ભારત રચી શક્યા છે એ કેટલા આનંદ ની વાત છે. મેં ક્યાંક વાચેલું વાક્ય એમના માટે વાપરી શકાય. “she was a woman of a distant land but she carried her homeland on her back….so she never missed it.”

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડની માં વસતા આરાધનાબહેન ત્યાના વર્કકલ્ચર, ચોખ્ખાઈ અને અનુશાસન ના વખાણ કરે છે. સહજ પણ છે…કેમકે ઓસ્ટ્રેલિયા સમગ્ર જગતમાં બીજા નંબર નો હાઈએસ્ટ માનવ વિકાસ આંક(H.D.I.) ધરાવે છે. વિકસિત રાષ્ટ્રો માં અગ્રસર આ દેશ Purchasing power parity (P.P.P.) પ્રમાણે માથાદીઠ આવક માં ૧૭ માં ક્રમે છે. દેશના સૌથી મોટા ક્ષેત્રો બેન્કિંગ, ટુરીઝમ અને એજ્યુકેશન છે. અનેક વસ્તુઓની નિકાસ કરતુ આ અર્થતંત્ર જગતનું ચોથું સૌથી મોટું વાઈન એક્ષ્પોર્ટર છે. પણ આ આકડાઓ કે ઉચી આવકો માત્ર અગત્યના નથી. અગત્યનો છે….માનવીય આદરનો અભિગમ, એક જાગૃત સમાજ અને સ્વતંત્ર મુક્ત વિકાસ ની તક આપતું વાતાવરણ. આઈરીશ, ઇટાલિયન, ઇન્ડિયન, સ્કોટીશ, ચાઇનીઝ…..આવા અનેક માઈગ્રેટ થયેલા લોકોએ આ દેશને એક વૈવિધ્યપૂર્ણ, નોન જજમેન્ટલ વાતાવરણ પ્રદાન કર્યું છે. એ હદે કે ઓસ્ટ્રેલિયન બંધારણના આર્ટીકલ ૧૧૬ પ્રમાણે અહી કોઈ ધર્મને રાષ્ટ્રીય ધર્મનો દરજ્જો અપાયો નથી. દરેક વ્યક્તિ પોતાની જીવનરીતિ આગવી રીતે શોધી શકે એ જ તો વિકાસ છે. નોબેલ વિજેતા પેટ્રિક વ્હાઈટ, બેન્જો પેટરસન, મેલ ગીબ્સન….આ કલાની દુનિયા ના નામો આ ભૂમિ પરથી આવ્યા છે.

જીવનના પાંચમાં દસકા માં પ્રવેશેલા આરાધના ભટ્ટ પોતાને ગમતી પ્રવૃત્તિ કરે છે અને પતિના કલીનીક માં મદદરૂપ થાય છે.તેમની દીકરી રૂચી એમ્પ્લોયમેન્ટ લોયર તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે અને દીકરો વિવેક યુરોપમાં પી.એચ.ડી નો અભ્યાસ કરે છે.બંન્ને શાસ્ત્રીય સંગીત શીખ્યા છે.રૂચી વાયોલીન વાદક છે અને વિવેક અદભુત પિયાનો વગાડે છે.. બન્ને સરસ ગુજરાતી બોલે છે. મેં જયારે આરાધનાબહેન ને પૂછ્યું કે આટલા વર્ષોમાં કોઈ બાબતનો અફસોસ છે ? ત્યારે એમણે કહ્યું…”ના, ભારત માં હોત તો જીવન જુદું ઘડાયું હોત પણ એથી કઈ જે છે એની સાર્થકતા ઓછી નથી. અંતે તો આપણે આપણા સંજોગો સાથે અનુકુલન સાધી ને સુખી થઈએ એ જ ભારતે શીખવ્યું છે. હા….એટલું જરૂર કે ફરી જન્મ લેવાનું થાય તો ભારતમાં જ આવવું ગમશે. એ જ સાંકડી શેરીઓ અને તહેવારોની ધમાલ, વરસાદ માં બનતા ભજીયાની સુગંધ અને સવારના મંદિરમાં વાગતું શિવમહિમ્ન સ્તોત્ર…….” આરાધનાબહેનના મનમાં સચવાયેલું ભારત પણ આજે ઘણું બદલાઈ ગયું છે. આધુનિકતા અહી પણ સારા ખરાબ પાસાઓ લઈને આવી છે……ને તોય એમનામાં એ નોસ્ટાલજિયાનો, એ જુના દિવસોનો દેશ જ જીવે છે.

સાચી વાત છે આરાધના બહેન…..આપણે પરસ્પર ને ઓળખતા નથી, ઉંમર, સ્થળકાળ અને અનુભવ જગત ની દ્રષ્ટીએ આપણે તદન જુદા મનુષ્યો છીએ, જુદા આકાશ નીચે જીવતા બે અપરિચિત છીએ ….અને છતાં “ અબકે બરસ ભેજ ભૈયા કો બાબુલ, લે મોહે નૈહર બુલાય રે. લોટે રે જબ મેરે બચપન કી સખીયા, દીજો સંદેસા ભેજાય રે…” સાંભળીને લાખો જોજનો દુર આપણા બન્નેની આંખ ભીની થાય છે….એ છે એક માટીના સંતાન હોવું. એક ભાષા અને એક સંવેદન વારસાના વાહક હોવું. આ જ વારસો આવનારી પેઢીઓ ને પણ મળશે એ આશા સહ…..Good luck. Lots of love.

Leave a Comment