ટાગોરની લખેલી આ નવલકથા, સો વર્ષ પછી આજે જેટલી સમય સંબદ્ધ છે એટલી ક્યારેય નહોતી. વાત એના વિષયવસ્તુ ની કરવી છે અને એ અપરાજેય સત્ય ની કરવી છે જે સદીઓ વીંધીને જીવે છે.
નવલકથામાં બે પાત્રો છે. નીખીલ અને સંદીપ. બંને જુદી વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને પરસ્પર થી તદન વિરોધાભાસી છે.
નીખીલ- નીખીલ તાર્કિક, બૌધ્ધિક અને સમજણનો માણસ છે. એનું વિશ્વ સંવાદ અને સામાન્ય સમજના નિયમો પર રચાયેલું છે. એ ધાર્મિક નથી, દેશદાઝમાં ઉશ્કેરાઈને સ્વદેશીની ચળવળમાં કપડા બાળવા નીકળતો નથી, અંગ્રેજોને ધિક્કારતો નથી કેમકે મનુષ્યને મનુષ્ય તરીકે જોઈ શકે છે. નીખીલના પાત્રમાં ટાગોરે પોતાની જ છબી ઉભી કરી છે. ટાગોર પોતે વિશ્વમાનવી હતા. એકવાર એમણે સુરેન્દ્રનાથ દાસગુપ્તને કહેલું “ અંતે તો દેશભાવ પણ એક સંકુચિત વિભાવના છે, પ્રેમ તો સીમાહીન હોવાનો”.
સંદીપ- સંદીપ હૃદયઆવેગો થી પ્રેરિત, સાહસ અને ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એ લાગણી અને શ્રધ્ધા થી દોરવાય છે. એ દેશને માતૃશક્તિ સ્વરૂપે પૂજે છે અને સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર છે. એક મહા આશ્ચર્ય ની વાત એ છે કે આ પાત્ર ની પ્રેરણા ગાંધીજી અને સ્વાતંત્રસેનાનીઓમાં થી લેવાયેલી. ટાગોર માનતા હતા કે ગાંધીજી એ આ દેશના યુવાનોને દેશપ્રેમની ઉત્કટ લાગણી આપી છે, એ જો તર્ક ન હોય તો નશા જેવી નુકસાનકારક બની શકે. સંદીપ આવેશપૂર્ણ રાષ્ટ્ર ભાવનાનું મૂર્તિમંત રૂપ છે. એ રાષ્ટ્રગાન ગાય તો એની આંખમાં પાણી આવે છે અને એનો ચહેરો ગર્વ થી ઉજળો બની જાય છે.
હવે મારે મૂળ વાત કરવી છે. નવલકથામાં નાયિકા વિમલા બે નાયકો પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને કોનું સત્ય વધુ ઉજળું છે એ નક્કી કરી શકતી નથી. અત્યારે ટાગોરની આ નવલકથા આ દેશમાં ભજવાઈ રહી છે અને દરેક વ્યક્તિ ત્રણ માં થી કોઈ એક પાત્ર ભજવી રહી છે. મુશ્કેલી એ છે કે દરેક પાત્ર પોતાની જગ્યાએ સાચું હોવા છતાં એમના સત્યો પરસ્પરને છેદીને પસાર થાય છે અને પસંદગી આવશ્યક છે.
હું મારી વાત કરુ તો હું પોતે બહુ તર્કબદ્ધ વ્યક્તિ નથી. દરેક વાતને ફક્ત બુદ્ધિના માપદંડ થી સમજવાને બદલે શ્રધ્ધા મને વધુ સમજાય છે. ગીરીશ કર્નાડ ( હાઉ આઈરોનીક) નો એક સંવાદ હું સ્ટેજ પર બોલતી, એમાં હું માનું છુ “ જબ હમ કહેતે હેં કી હમ હમેશા સુખી રહે તો બહોત સારી બાતો કો માન કર ચલના પડતા હે, મન મેં ઉઠને વાલી શંકાઓ કો તકિયે કે નીચે દબાકર વિશ્વાસ કર લેના પડતા હે..” તો આ હિસાબે હું રાષ્ટ્રવાદમાં માનું છુ. ભારત મેચ જીતે, ઓલમ્પીક્સમાં મેડલ લાવે કે પરમાણુ પરિક્ષણ કરે …મને આનંદ થાય છે. જ્યારે વિશ્વના અન્ય રાષ્ટ્રો ન્યાયધીશની ભૂમિકામાં આવીને આ દેશના લોકોનો ન્યાય તોળવા બેસી જાય છે ત્યારે હું ડીફેન્સીવ મોડમાં આવી જાઉં છું. આ દેશની પાર્લામેન્ટ પર હુમલો કરનાર માણસના સમર્થનમાં કન્હૈયા કુમાર સભા બોલાવે તો હું એને માફ નથી કરી શકતી . અને હું જાણું છું કે ઘણા બધા લોકો આવું અનુભવે છે અને વિચારે છે. તો એમ કહી શકાય કે સંદીપની વિચારધારા વધુ સત્ય છે?
હવે આ જ વાતનું બીજું પાસું જોઈએ. એક શિક્ષિત અને સ્વતંત્ર વિચારો ધરાવતી વ્યક્તિ તરીકે તમને અન્યાય અને હિંસા નથી ગમતા. તમે ઊંડી માનવીય સમજ ધરાવો છો કે કોઇપણ ભૂમિની સરહદ કે કોઇપણ ધર્મ, જીવન કરતા વધુ અગત્યનો નથી. જીવનનો હેતુ છે નિર્બંધ વહન અને અનેક પ્રવાહો સાથેનું અનુકુલન. એ હિસાબે જ્યારે હું સમાચાર માં કોઈ વ્યક્તિને રાષ્ટ્રવાદના નામે માર પડ્યાનું સાંભળું છું તો ચોંકી જવાય છે. આસીફા અને ટ્વિન્કલ સાથે થયેલા જઘન્ય અપરાધોને કેટેગરાઈઝ કરવાની જરૂર જ ક્યાં છે એવો પ્રશ્ન થાય છે. માણસોના મરણને ‘રામ’ ના નામ સાથે સાંકળીને વ્યંગ થાય કે બાબરી મસ્જીદ પર બીભત્સ મજાક થાય એ બંને બિનજરૂરી છે અને અંતિમવાદી છે એવું લાગે છે. ફિલ્મોની રીલીઝ પર, લેખકોના લખાણ પર, આંતરધર્મીય પ્રેમ લગ્નો પર વિરોધ થાય તો મને સ્વતંત્રતા પર તરાપ લાગે છે. તો શું નીખીલની સંપૂર્ણ તર્કની વિચારધારા સાચી છે?
કદાચ આ પ્રશ્નોના જવાબ દરેક વ્યક્તિએ પોતે પોતાના માટે શોધવાના છે. કદાચ સત્ય આ બે વિચારધારા ની વચ્ચે રહેલું છે. હું માનું છું કે સંપૂર્ણ તાર્કિક જીવન શક્ય નથી હોતું, ક્યાંક.. કશુક તો છે જે સમજણ ની પેલે પાર ભાવનાત્મક સ્તર પર જીવાય છે. નહીતર તો સંબંધો, મિત્રો, સત્યો બધું જ માની લીધેલું જ છે…સાબિત થયેલું નહિ. પણ બસ એટલું જો સ્વીકારી શકાય કે અન્યને હાની ન કરવી ( બંને પક્ષે ) તો કદાચ આ સ્થિતિનો કોઈ ઉકેલ આવી શકે.
તકલીફ એક જ છે કે જે લોકો તર્કબદ્ધ સુમેળ અને સહજીવનનું મુલ્ય સમજે છે એ પણ લાચાર છે કેમકે દરેક વિચારનો અમલ તો જ થઇ શકે જો બે પક્ષીય હોય. એક પક્ષ પોતાની રસ્સી તો જ છોડે જો બીજી બાજુ થી ઢીલી મુકાય. આ સતત ચર્ચાઓ, દલીલો અને દાવાઓ……ક્યાં જવાનું છે?
So god bless you vimla…may you make the right choice.