હવે જયારે આ વિશ્વના તમામ સળગતા પ્રશ્નો પર ચર્ચા ચાલી જ રહી છે ત્યારે મને લાગે છે કે આપણને તમામને સ્પર્શતા આ મુદ્દા પર પણ ચર્ચા થઇ જ જવી જોઈએ. મિત્રોમાં સેડીસ્ટીક પ્લેઝરની કે પરપીડનની વૃતિ શા માટે હોય છે? તમે ગડથોલિયું ખાઈ જાઓ ત્યારે આસપાસના અજાણ્યા લોકો દોડી આવે છે પણ તમારો ભાઈબંધ હસતો હસતો આળોટી પડે છે….આવું કેમ? તમારા જીવનની મોટાભાગની સમસ્યાઓ એની ખોટી સલાહ માનવાને લીધે ઉદ્ભવી હોય છે…..એવું કેમ? તમને એના ઈરાદાઓ પર વિશ્વાસ હોય છે પણ તોય એકદિવસ એના જ લીધે તમે ભરાઈ જવાના છો એવું તમને લાગ્યા કરે છે ….એવું કેમ?
આજથી દાયકાઓ પહેલા ગાલિબે આ રચના આવા કમીના, નઠારા અને દુષ્ટ દોસ્તો માટે જ કરી હશે.
‘યે ફિત્ના આદમી કી ખાના વીરાની કો ક્યા કમ હે,
હુએ તુમ દોસ્ત જિસકે દુશ્મન ઉસકા આસમાં કયું હો?’
તો ઈતિહાસ સાક્ષી છે કે આપણા લંગોટિયા કે જીન્સીયા યારોએ જ આપણું ધનોતપનોત વાળ્યું હોય છે. મારો અનુભવ પણ માનવ ઈતિહાસ થી જુદો હોવાનું કોઈ કારણ નથી.
વર્ષો પહેલા વિદ્યાનગરની એક ગર્લ્સ હોસ્ટેલમાં અમે રહેતા હતા ત્યારે ત્યાં સાત વાગ્યા પછી ગેટની અંદર આવી જવાનો નિયમ હતો. એક દિવસ મારી એક ફ્રેન્ડ પાંચ મિનીટ મોડી પડી અને એને રેકટરે ખુબ ધમકાવી. એ દિવસે રાતના આઠ થી બાર વાગ્યા સુધી એ મારી પાસે બેસીને આ સૃષ્ટીના અન્યાય, છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવ અને બળવાની જરૂરીયાત વિષે વાત કરતી રહી. અસહ્ય બળાપો ઠાલવ્યા પછી એણે નિર્ણય લીધો કે “મેં આજ બાલ્કની સે ઉતર કે હોસ્ટેલ સે બહાર ચલી જાઉંગી. કલ સુબહ આકે ઉસ રેક્ટર કો બોલુંગી કે દેખો…તુમ્હે કુછ પતા ભી ન ચલે અગર હમ કુછ ગલત કરના ચાહે તો. હમ સીધે ચલતે હે તો તુમ પરેશાન મત કરો.” મને આ વિચાર ભયંકર લાગ્યો. મેં એને ખુબ સમજાવી …. બરાબર એક કલાક પછી અમે બંને બાલ્કનીમાં નીચે ઉતરવા માટે તૈયાર ઉભા હતા. ફર્સ્ટ ફ્લોરની બાલ્કની ની જાળી પકડીને ગ્રાઉન્ડ ફ્લોરની બાલ્કનીની પાળી પર ઉતરવાનું હતું. બીકના લીધે ,ઠંડીના લીધે, અનિચ્છા અને અણઆવડતને લીધે અનેક પ્રયત્નો પછી હું નીચે ઉતરી…એ હજી ઉપર હતી. મેં એની તરફ જોઇને નીચે આવવા ઈશારો કર્યો….અને એક મિનીટ ગંભીર વિચાર કર્યા પછી એ ધીમા અવાજે બોલી ‘યાર હમ ગલત કર રહે હે, નહિ કરતે હે’. એ પછી જે થયું એની વાત કરવા જેવી નથી પણ એ દિવસ થી મારો કોઇપણ પ્રકારના બળવા પર અને મિત્રો પર વિશ્વાસ ઉઠી ગયો છે.
આવા અનુભવો બધાને થયા હશે કેમકે ગ્લોબલ વોર્મિંગ કે રાજકારણ ની જેમ દુષ્ટ મિત્રો પણ બધાને સ્પર્શતો પ્રશ્ન છે. હિન્દી ફિલ્મી ગીતો “દોસ્ત દોસ્ત ના રહા” થી માંડીને “હર એક ફ્રેન્ડ કમીના હોતા હે” સુધી , ગુજરાતી કવિતાની પંક્તિ “હું હોત વ્રુક્ષ તો એ દોસ્ત તું કુહાડી હોત?” થી માંડીને “મને દોસ્તો ના અનુભવ ન પૂછો, હવે દુશ્મનો પર ભરોસો કરું છું” સુધી બધે જ આ પરપીડન ની સાબિતીઓ ફેલાયેલી છે.
મિત્રોની એક બીજી લાક્ષણિકતા એ છે કે જો પાંચ માં થી કોઇપણ એક ન હોય તો બાકીના ચાર એને ગાળો આપી શકે છે. ઇન ફેક્ટ….ના હોય ત્યારે જ નહિ હાજરી માં પણ કોઈ એકને ગાળો આપવી એ એમની ફરજ હોય છે. આમાં કોઈ નિશ્ચિત ક્રમ નથી હોતો…ગમે ત્યારે ગમે તેનો વારો આવી શકે. બે વર્ષ પહેલા અમારા થીયેટર ગ્રુપના બે સભ્યોએ ત્રીજા પર ચડી જઈને એની અડધી મુછ કાઢી નાખેલી, અને બાકીની ન કાઢે એ માટે હાથ બાંધી દીધેલા. આ હિંસક વર્તન પાછળ કોઈ તર્ક ન હોય…બસ પરપીડનનો આનંદ. કદાચ આને જ ઉપનિષદ સત-ચિત- આનંદની સ્થિતિ કહે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ફળની આશા વિના કર્મ કરવાનું કહે છે. આવા કર્મોમાં ફળની આશા નથી જ હોતી પણ મળે છે અવશ્ય. ક્યારેક એ લોકો ઉઠે ત્યારે ચહેરા પર ટુથપેસ્ટ લાગેલી હોય છે, ક્યારેક સોશિયલ મીડિયા માં એમના ભંગાર ફોટોઝ મુકાઈ જાય છે, ક્યારેક એમના ઘરમાં ન પહોંચવી જોઈએ એવી માહિતી પહોંચી જાય છે.
આ બધો ઉપદ્રવ કરવામાં સમય અને શક્તિ વેડફાતા હોય તોય એ લોકો મંડ્યા રહે છે…આખરે નિસ્વાર્થ મિત્રો કોને કહેવાય? હજી થોડા સમય પહેલા અમારા ગ્રુપના એક સભ્ય એ અથાગ મહેનત કરેલી એ સાબિત કરવા કે એક બીજો સભ્ય સિગરેટ પીવે છે. એ માટે એણે રીતસર સાબિતીઓ ભેગી કરેલી અને બોફોર્સના કૌભાંડની જેમ વાતને રજુ કરેલી. સિગરેટ એ મુદ્દો નથી પણ સળી કરવાની લાલસા તો જુઓ?
મેં પોત્તે પેપર તપાસવાના આવે ત્યારે મારી કલીગની પેન અનેકવાર સંતાડી દીધી છે જેથી એના પેપર મારી પહેલા પુરા ન થઇ જાય. ઘણીવાર એને ન તપાસવા સાસુના સમ પણ આપ્યા છે (by the way it doesn’t work). આને આપણી ગુજરાતી કહેવતમાં “હું મરું પણ તને ……. કરું” કહે છે. FRIENDS માં ચેન્ડ્લર બિંગ કહે છે એમ “if I am going down, I am taking you all down with me”
આ રાઈટ-અપ કમલ, કેયુર, મીતા,અમી,સોનલ,મિહિર,ટીનો,પાર્થ અને અનેક દુષ્ટોને અર્પણ…