આશ્ચર્યની વાત છે કે કોઈ વાર્તા એમ શરુ નથી થતી કે “ એક રાણી હતી અને એને બે રાજા હતા…માનીતો અને અણમાનીતો”
“History is a Greek word which means, literally, just investigation.”- Arnold Toynbee
નીચે જે ફોટો મુકેલો છે તે કવિ કલાપીના રાણી રમાબા એટલે કે રાજબાનો એકમાત્ર ઉપલબ્ધ ફોટો છે. એમને કલાપીના જીવનમાં ભજવેલી નકારાત્મક ભૂમિકા માટે ઈતિહાસ વધુ ઓળખે છે એટલે એમનો બહુ વધુ પરિચય કે બીજો કોઈ ફોટોગ્રાફ્ પણ મળતો નથી. આજે પણ એમના પતિની વાત વિના, એમની વાત નહિ જ કરી શકાય ….કેવું કહેવાય? એક આખું માણસ જ બીજાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું.
રમાબા, કવિ કલાપીના ( સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના) પત્ની હતા. ગુજરાતી સાહિત્યમાં અમુલ્ય પ્રદાન કરનાર કલાપી ફક્ત ૨૬ વર્ષની વયે મૃત્યુ પામ્યા અને એવું મનાય છે કે એમને રમાબા દ્વારા વિષપાન કરાવવામાં આવેલું. કલાપીના મિત્રો અને એ સમયના અનેક માનનીય લોકોએ આ બાબતે અનેક અભિપ્રાય આપેલા અને એ આધારે નીચે મુજબનું એક ચિત્ર ઉભું થાય છે.
“ કલાપીને નાની વયે પોતાનાથી મોટા એવા રમાબા સાથે પરણાવાયેલા. કલાપી કવિહૃદયના અલગારી જીવ હતા જ્યારે રમાબા સતા અને વહીવટી ખટપટમાં રચેલા-પચેલા રહેતા હતા. શરૂઆતના કેટલાક વર્ષો ભાવસંબંધ રહ્યા પછી બંને વચ્ચે હૃદયના તાર તૂટી ગયા. અંતે કલાપીને મોંઘી નામની એક સામાન્ય દાસી સાથે પ્રેમ થયો જે આ બધી રાજકીય લાલસાઓ થી દૂર એમની પ્રેરણામૂર્તિ હતી. કલાપી મોંઘીને, રમાબાની ઈચ્છા વિરુદ્ધ પરણ્યા અને થોડા સમયમાં જ એક રાત્રે એમનું મૃત્યુ થયું. ખોરાકમાં વિષ આવ્યું હોય એવી અસર જણાતી હતી જેની શંકા રમાબા પર હતી.”
ઉપરનું ચિત્ર એક સદી થી સ્વીકારાયેલું છે પણ એમાં કેટલાક ખૂટતા રંગો વિષે મને પ્રશ્નો છે.
- કલાપી ૧૫ વર્ષની ઉંમરે ૨૨ વર્ષના રમાબાને પરણ્યા, એ ફક્ત કલાપી માટે જ દુખ કહેવાય? એમાં રમાબા તરફી કોઈ અન્યાય છે કે નથી? સહાનુભુતિ તો થાય જ પણ બંને માટે ન થવી જોઈએ?
- કલાપી એકસાથે બે રાણીઓને પરણેલા. રમાબા (૨૨ વર્ષ) આનંદીબા (૧૭ વર્ષ). અહીં એક જ પતિને પરણીને આવતી બે વધુઓ ની મન:સ્થિતિ ન્યાય-અન્યાયના પરિઘમાં આવે છે?
- કલાપીએ લગ્નના પ્રારંભિક વર્ષમાં પોતે રાજકુમાર કોલેજમાં ભણતા હતા ત્યાંથી રમાબાને ૬૬ પત્રો લખેલા જે ઉત્કટ અને પ્રબળ ભાવાવેગના છે. તો “પત્ની સાથે હૃદયના તાર ન મળી શક્યા” એ વાક્ય લોકોનું ફક્ત મિથ્યા આત્યંતિક વિધાન લાગે છે.
- કલાપી અને રમાબાના લગ્ન થયેલા ૧૮૮૯ ડીસેમ્બરમાં અને રમાબાની પહેલી પુત્રીનો જન્મ થયો ૧૮૯૦- ઓગસ્ટમાં. (૯ મહીને) આ પછીના દોઢ વર્ષમાં રમાબાને એક દીકરી અને એક દીકરો જ્યારે આનંદીબાને એક દીકરો જન્મે છે.
- એ સમયમાં આ બધું એટલું સામાન્ય હતું કે વાતની વિચિત્રતાની કદાચ નોંધ પણ ન લેવાય પણ એકસાથે બે પત્ની સાથે કન્ઝ્યુંમેટ થતા મેરેજ અને અધિકારોની અસુરક્ષિતતા આજના સમયમાં સમજવી અઘરી નથી. ( “કલાપી ન્યાયી હતા એટલે ત્રણેય પત્ની સાથે સમય સરખા ભાગે વહેંચીને પસાર કરતા” આ વાક્યને કઈરીતે મુલવીશું?)
- કલાપી લાઠીના રાજવી હતા. ગાદીપતિ હતા. જો રાજવી વહીવટ ન સંભાળે તો બ્રિટીશ સતાના એ સમયમાં અનેક જોખમો હતા. એ સંજોગોમાં એક પત્ની માટે રાજ્યની ધુરા સંભાળવી, વહીવટી નિર્ણયો લેવા એ જરૂરી નથી બની જતું? રાજકીય કટોકટીમાં કડક બનવું એ પ્રિવિલેજ છે કે મજબૂરી? ( કલાપીના મૃત્યુ સમયે રાજ્ય પર ૭૫૦૦૦ નું દેવું હતું–૧૯૦૦ માં)
- મહાકાવીઓની પત્નીએ પણ ગેસનો બોટલ ખૂટે તો નોંધાવવો પડે છે અને પતિને ચોખા લેવા મોકલવો પડે છે જેથી ખીચડી બને. કવિતા ઇતિહાસો ભલે બદલી શકે પણ ખાઈ શકાતી નથી.
- મોંઘી એ રમાબાની દાસી હતી જે છ વર્ષની ઉંમરે એમની સાથે લગ્નમાં આવેલી. એની સાથે જો સમય જતા કલાપી ત્રીજા લગ્ન કરવા વિચારે તો રમાબાને વાંધો ન હોવો જોઈએ? એમાં એ સમયના લખાણોમાં વપરાયેલ “ રમાબા કલાપીને સમજી ન શક્યા” એવું વાક્ય વાપરી શકાય?
- માની લો કે રમાબાને બે પતિ હોત અને ત્રીજી વ્યક્તિ માટે ભાવ થયો હોત તો આપણે એને “લાગણીની શોધ” કે “સ્નેહની ઝંખના” ગણત?
- કલાપી અને મોંઘીના પ્રેમસંબંધો શરુ થયા લગભગ ૧૮૯૪ માં. બંનેના વિવાહ થયા ૧૮૯૮ ના સપ્ટેમ્બર મહિનામાં. કલાપીનું મૃત્યુ થયું ૧૯૦૦ ના જુનમાં. જો રમાબા કલાપીને ઇર્ષાભાવને લીધે ઝેર આપે તો એમાં આટલું મોડું કરવાનું કોઈ કારણ ખરું? માની લો કે રમાબા મોંઘીને સંતાન ન થાય એવું ઇચ્છતા હોય, તો દોઢ વર્ષ રાહ જોવી તાર્કિક જ નથી.
- સૌથી અગત્યની વાત- મોંઘી સાથે લગ્નના ૧ જ વર્ષ પછી કલાપીનો એનામાં થી રસ ઉડી ગયો હતો. વાજસુર વાળા પાસે કલાપીએ કબૂલ કરેલું કે “ ભાઈ મેં ભૂલ કરી”. વાસ્તવમાં શરૂઆતનું તીવ્ર આકર્ષણ ઓસરી જતા રોજિંદુ સામાન્ય વાસ્તવ પાછું આવી ગયું હતું. પણ અહીં પણ કવિ જે શબ્દો વાપરે છે તે છે ડ્રાઈડનની પંક્તિઓ “ He raised a mortal to the skies, she drew an angel down” . પોતે ફીરશ્તા છે અને મોંઘી તો મર્ત્ય માનવ નીકળી…..રમાબા અને આનંદીબાની જેમ જ.
- કલાપીને ભાંગની આદત હતી. દાતણ સીધું ઉભું રહે એવી ઘાટી ભાંગ એ રોજ એક ટમલર ભરીને પીતા. બીડી,તમાકુ, વ્હીસ્કી, બીઅર આ બધું જ એ સમયના રાજવીઓ ની જીવનશૈલીની જેમ એમના જીવનમાં પણ હતું. એમના મૃત્યુ સમયે એમને કોલેરા કે ફૂડ પોઈઝનીંગના લક્ષણો હતા એવું લાગેલું. ભાવનગરમાં એ સમયે કોલેરા ફેલાયેલો હતો અને લાઠીમાં બરફ ભાવનગર થી મંગાવાયેલ. એ જ રાત્રે લાઠીમાં કોલેરાના ત્રણ કેસ થયેલા.
- કલાપીના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરનાર એકપણ મિત્ર વાસ્તવમાં એમની મૃત્યુશૈયા પર હાજર નહોતા. હાજર હતા કામદાર તાત્યાસાહેબ, પ્રભુલાલ શાસ્ત્રી અને ડો.દિનશા બરજોરજી. એ ત્રણમાં થી એકપણ વ્યક્તિએ ઝેરની લોકવાયકામાં વજૂદ હોવાનો સંભવ સ્વીકાર્યો નહોતો.
- ડો. ઇન્દ્રવદન દવે એ નોંધ્યું છે કે “ ભરોસાપાત્ર મુલાકાતો થી જાણવા મળ્યું છે કે રમાએ કલાપીના મૃત્યુ સમયે પોતાની ચુંદડી શોભનાને (મોંઘી) ઓઢાડીને ચુડીકર્મ કરાવ્યું હતું” આ ઉપરાંત કલાપીના અવસાન પછી દાયકાઓ સુધી રમાબા અને શોભના વચ્ચે સંબંધો જળવાઈ રહ્યા હતા. રમાબાની છેલ્લી માંદગીમાં શોભના એ જ એમની સેવા કરેલી.
- રમાબા જે ૨૨ વર્ષની ઉંમરે એક ૧૫ વર્ષના કિશોરને પરણીને લાઠી આવેલા એ આજીવન એકલા રહ્યા. ( મને પાક્કી ખાતરી નથી પણ કદાચ આનંદીબા અને મોંઘી પણ)
આ બધું લખવાનો અર્થ કલાપીની મહાનતાના અસ્વીકારનો નથી, હોઈ જ ન શકે. એવી પાત્રતા પણ નથી. વાત માત્ર એટલી છે કે કોઈ ક્રિએટીવ જીનીયસ વ્યક્તિ એના અંગત જીવનમાં અઘરી હોઈ શકે છે. વાત એ છે કે ઈતિહાસ ઘણીવાર ભૂલ કરી બેસે છે અને એકને મહાન બનાવવામાં બીજાને વિલન ચીતરી મુકે છે. ખાસ કરીને સ્ત્રીને ખોટી ચીતરવી અત્યંત સહેલી હોય છે. માની લેવા માટે એક આખો સમુદાય તૈયાર છે , તમે બસ કારણ આપો અને એ ઈતિહાસ બની જશે.
રમાબા દુષ્ટ હોઈ શકે, એમણે ઝેર આપ્યું હોઈ શકે ….but the equal probability is કે એવું ન પણ હોય. મારી એક ટૂંકી વાર્તાના અંતમાં મુકેલું વિધાન અહીં પણ મુકીશ “ જે લોકોની આત્મકથાઓ નથી લખાતી, એમની પણ કથાઓ હોય છે”.