ગુજરાતી સાહિત્યની સાસુઓ

સાસુ અગત્યની વ્યક્તિ છે, એ માર્ગદર્શન આપે છે … નવું શીખવે છે અને આપણે એને ચાહીએ પણ છીએ. પણ….(આ ‘પણ’ લાખ રૂપિયાનું છે) કેટલીકવાર એમની સતત અનરીઝ્નેબલ કટકટ આપણે માટે કંટાળાનું કારણ બની જાય છે. સાસુ ફક્ત આપણે જ નથી હોતી… સાહિત્યને પણ હોય છે. તો આજે આ સાસુઓ સમક્ષ આપણી વ્યથાકથા રજુ કરીએ. 

ટીકા-૧- પાડોશીની વહુ જેટલી સુશીલ, આજ્ઞાકારી અને કામગરી છે એટલી મારી વહુ નથી. જો જરાક બીજાને અને કૈક શીખ. ( ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી સાહિત્ય જેવી વ્યાપક અપીલ નથી. બંગાળી કે મરાઠી જેવા લેખકો નથી.)

ઉતર- અંગ્રેજી ભાષા એ ગ્લોબલ ભાષા છે અને આથી જ એની અપીલને રીજનલ ભાષાની અપીલ સાથે ન સરખાવી શકાય. ( ૧.૫ બિલીયન લોકો અંગ્રેજી બોલે છે જ્યારે ૫૫ મીલીયન ગુજરાતી. હવે આ ટેકનિકલ મુશ્કેલી છે ,એને ગુણવતા સાથે કોઈ લેવાદેવા નથી.) અંગ્રેજીમાં પણ તદન રદી પુસ્તકો છે જ. મરાઠીમાં વી.સ.ખાંડેકર ની ક્રોચવધ કે બંગાળીમાં શરદબાબુની ચરિત્રહીન કરતા ગુજરાતીની સરસ્વતીચંદ્ર, પૃથ્વીવલ્લભ ,અમૃતા, કુંતી , સાત પગલા આકાશમાં, છિન્નપત્ર, મીરા યાગ્નિકની ડાયરી, મારે પણ એક ઘર હોય, પેરેલીસીસ ,વડવાનલ, મળેલા જીવ, ભદ્ર્મભદ્ર, પ્રિયજન , સૌરાષ્ટ્રની રસધાર, ઓથાર….. આ બધી ઊતરતી કૃતિ છે ? કામરૂ, કોઇપણ એક ફૂલનું નામ કહો કે ચાણક્ય ઓછા સાહિત્યિક નાટકો છે ? બોટાદકરના કાવ્યો, આલા ખાચરની કવિતાઓ, કલાપીની રચનાઓ કે મરીઝની રચનાઓ ઓછી ગુણવતાની છે ? ના … કોઈ હિસાબે નહીં. મૂળ તો સાહિત્યમાં અભ્યાસ કે સર્જન માટે તુલના થાય એ યોગ્ય છે પણ બાકી એકની લાઈન લાંબી કરવા બીજાની ટુંકી કરવી એ વ્યર્થ છે. ( આપણી વહુ જ આપણું ભવિષ્ય છે. બીજાની વખાણવામાં આપણી હોય એની કદર ન કરીએ એવું ન કરાય) 

ટીકા- ૨- બાજુવાળાને ઘેર તો એવી ધમધમાટ રસોઈ બને કે આંગળા ચાટતા રહી જઈએ. આપણી બાઈને તો બધું ફિક્કું જ પીરસવાની ટેવ છે. ( મંટો જેવું વાસ્તવવાદી લખવાવાળા ગુજરાતી સાહિત્યમાં છે જ નહીં. બધા લલિત લેખન કરે છે… ખરબચડું સત્ય ક્યાં છે?)

ઉતર- વાસ્તવવાદી લેખન એટલે શું? બધાનું વાસ્તવ સરખું હોય ? મંટો વેશ્યાઓ વિષે લખે એ એનું વાસ્તવ હોય પણ કુન્દનિકાબહેન ગૃહિણીની વેદના લખે તો એ પણ વાસ્તવ ન કહેવાય? દલાલો, રમખાણો, દારુ, શારીરિક આવેગ અને કોઠાઓ વિષે લખીએ તો જ એને સત્ય કહેવાય ? અને જો બધા સરખું જ લખે તો સાહિત્યની ડાઈવર્સીટી નું શું? અને સૌથી અગત્યનું એ છે કે આક્રમક લેખન હમેશા વધુ આકર્ષક હોય છે …પણ એથી કરીને સંવાદી-સહ્જ શબ્દનું મુલ્ય ભૂલી જઈએ એ ન ચાલે. ‘ખોલ દો’ ની પીડા જેટલી જ પીડા “ મારી આંખે કંકુના સુરજ આથમ્યા’ માં છે. જે વાગે છે , ઉઘાડું છે …એ પ્રતીકાત્મક લેખન કરતા વધુ સારું છે એ ભ્રમ છે. વિશ્વસાહિત્યમાં પ્રતીકનું, ઈંગિતનું મુલ્ય ઉચું અંકાય છે. શોભા ડે ને મારે વર્ષા અડલજા કે ઉષા શેઠ કરતા વધુ સારા લેખિકા ગણવા? કેમકે એ બોલ્ડ લખે છે? અને હા… બક્ષીની ‘કુત્તી’, હરીશ નાગ્રેચાની ‘કેટવોક’, સરોજ પાઠકની વાર્તાઓ, કાજલબહેનની ‘જાનવર’ કે ‘મધ્યબિંદુ’ આ બધા જ ખરબચડા લેખનના દ્રષ્ટાંતો આપણે ત્યાં પણ છે. ( રોજ તીખું અને ધમધમતું ખાવાથી અલ્સર થાય સાસુમાં… ભલે ટકોર કરો પણ ઘરની સાત્વિક રસોઈને ય જરા પ્રોત્સાહન તો આપો. જુદા-જુદા સ્વાદ તો જ જળવાશે રસોઈમાં)

ટીકા- ૩- અમારા જમાનામાં જે રંધાતું …. આહાહા … એવું રાંધતા તો આજકાલની પેઢીને આવડતું જ નથી. એ સ્વાદ જ નથી રહ્યો હવે. (પહેલા ગુજરાતી સાહિત્યમાં જે લખાયું એ જ લેખન હતું. આજના લોકોને લખતા આવડતું જ નથી.) 

ઉતર – એક ‘ ગોલ્ડન એરા સિન્ડ્રોમ’ નામનો ભાવ હોય છે. જે વીતી ગયું છે એ આપણા મનમાં ગ્લોરીફાય થઇ જાય છે. મિડનાઈટ ઇન પેરીસ નામની ફિલ્મમાં એક પ્રાઈઝલેસ ક્વોટ છે “ golden age thinking is romantic imagination that different time period was better. Present is always unsatisfying because u actually have to deal with it.”  જુના સાહિત્યકારો નિશંકપણે મહાન છે પણ એમના પોતાના સમયમાં એમની પણ પારાવાર ટીકાઓ થયેલી. ત્યારે પણ રાજકારણ, ટાટીયાખેંચ હશે. કહેવાય છે કે ટાગોરને નોબેલ પ્રાઈઝ મળ્યું એ પછી ભારતમાં જે સન્માન સમારંભ રખાયો એમાં એમણે પોતાના દુર્ભાગી દેશની કદર ન કરી શકવાની વ્યથા સહેજ કડવા થઇને કહી હતી. તો આજના લોકો જે લખે છે એ બધું જ સત્વહીન નથી. કેટલુક લખાણ નબળું હશે પણ એ તો દરેક સમયમાં હોય. ( સાસુમા… વહુઓ સગડી પર રોટલા પહેલા જેવા નથી બનાવતી પણ પિત્ઝા અને પાસ્તા બનાવે છે. એને કૈક વધારાનું ય આવડે છે જે તમને નહોતું આવડતું.) 

ટીકા-૪- આપણે ત્યાં પૂજામાં તાંબાના વાસણ જ વપરાય છે. સ્ટીલના કેમ વાપર્યા ? સહેજ ધડો તો રાખ. આપણે તુવેરદાળમાં આંબલી જ નાખીએ છીએ… ટમેટું કેમ નાખ્યું? કામની એક રીત હોય. ( ગુજરાતી લખવામાં અંગ્રેજી શબ્દો કેમ વાપરવાના? એનાથી જ આપણી ભાષા ભ્રષ્ટ થઇ ગઈ છે. આ રીતે તો માતૃભાષા જીવશે જ નહીં.) 

ઉતર- ભાષા એ ફલો કન્સેપ્ટ છે … સ્ટેટિક નથી. એટલે કે વહેતી નદીમાં જેમ પાણી સતત બદલાતું રહે છે એમ ભાષાઓ પણ બદલાય છે… જૂનું ખરી પડે છે અને નવું ઉમેરાય છે. જે ભાષા આજથી બસ્સો વર્ષ પહેલા લખાતી એવી આજે નહીં જ લખાય. લેખનશૈલી અને શબ્દો બધું જ બદલાશે. અને ભાષામાં જેટલું લચીલાપણું હશે એટલી જ એ વધુ જીવશે. જ્યાં સુધી હાલરડાં છે, લગ્નગીતો છે , માં બાળકને ‘ મારા રોયા’ કહીને વઢે છે , ગૃહિણીઓ ‘તમારા ભાઈ’ બોલે છે …અને સાસુઓ ઓટલા પર વહુઓની કુથલી કરે છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કઈ થવાનું નથી. મારી માતૃભાષા કઈ બોડી-બામણીનું ખેતર નથી કે ચાર-પાંચ અંગ્રેજી શબ્દો થી એનું અસ્તિત્વ ભયમાં આવી જાય. ભાષા ફક્ત સંવાદ નથી …સંસ્કાર છે . અને એ સલામત છે. ( બા.. પણ નવા જમાનામાં થોડું મારા પ્રમાણે ય બદલાવું પડે. મૂળ તમે એ જુઓ કે હું પૂજા કરું છું , દાળ પીરસાય છે. રીત પર ધ્યાન દેવામાં તમે મારો મૂળ પ્રયત્ન જ ભૂલી જાઓ છો.)

ટીકા- ૫- હરબાળાબેનની વહુ હોમસાયન્સ ભણી છે. ક્યાં શાકમાં કેટલું પોષકતત્વ હોય એ જાણે છે. મસાલા માપીને નાખે ગ્રામમાં … એટલે પરફેક્ટ સ્વાદ અને પોષકતત્વો જળવાય. તું આમ મુઠ્ઠીમાં લઈને નાખે છે તે ક્યારેક ભૂલ પડે છે. આ બાબતમાં જ્ઞાન હોવું જોઈએ. ( હર્સ્વ ઈ અને દીર્ઘ ઈ ની ખબર ન પડતી હોય એને લેખક થવાનો હક જ નથી. ભાષાશાસ્ત્રના જ્ઞાન વિના સર્જન શક્ય જ નથી) 

ઉતર- કોઇપણ જ્ઞાન એ ઇચ્છનીય છે પણ દરેક વખતે એકેડમિક સમજ કે ટેક્નીકાલીટી સર્જનને શ્રેષ્ઠ નથી બનાવતી. ભાષાશાસ્ત્રના જાણકારો ઘણીવાર સંવેદનહીન શુષ્ક લખાણ લખે છે. આનાથી વિપરીત કેટલુક લખાણ સહજ કલ્પન કે ભાવવિશ્વમાં થી જન્મ લેતું હોય છે. બંનેની પોતાની અગત્યતા છે. લીન્ગ્વીસ્ટીક સ્કોલર કરતા ચાર ચોપડી ભણેલા કોઈ સર્જકનું લેખન વધુ વ્યાપક બની જાય એવું પણ બને છે. વિવેચકો કોઇપણ ભાષાને વધુ સબળ બનાવવાના હેતુથી કામ કરે છે … એમના શબ્દો રુક્ષ હોઈ શકે પણ જ્યારે આશય રુક્ષ બને , સેડીસ્ટીક પ્લેઝરનો બને ત્યારે મુશ્કેલી સર્જાય છે. આપણી તળપદી ભાષાઓ , લોકગીતો , ફટાણાઓ આ બધું જ ભાવવહન છે … અભ્યાસવારસો નથી. ટીકા થવી જોઈએ કે જેથી લેખકો જોડણી પ્રત્યે જાગૃત રહે … પણ ટીકા એ માત્ર પોતાના જ્ઞાનનું પ્રદર્શન ન હોવું જોઈએ. જો કે ન્યાય ખાતર મારે કહેવું જોઈએ કે વહુઓએ જે નથી આવડતું એમાં એરોગ્ન્સ ન બતાવવું જોઈએ. (વહુબટા…. ‘શીખી જઈશ’ એમ કહેવાનું ભૂંડી …) 

હમણાં એક ભાઈ તો એ હદે પહોચી ગયેલા કે ગાલીબનો એક શેર આખા ગુજરાતી સાહિત્ય પર ભારે પડે, એક વડીલે કહ્યું “ ગુજરાતી લેખન કૌવતહીન છે.” … હે મહામાનવો…. “હર એક બાત પે કહેતે હો તુમ કી તુ ક્યા હૈ , તુમ્હી કહો કી યે અંદાઝે ગુફ્તગુ ક્યા હૈ?”  

તો હે અમારા જીવનની દીવાદાંડી સમી માતાઓ … માર્ગદર્શન આપો … ટપારો… પણ જે કામ કરવા પ્રયત્ન કરે છે એને કરવા દો. કદાચ થોડી ભૂલચૂક થાય , એની રીત જુદી હોય, બીજાના ઘર કરતા એ જુદી હોય … પણ એ સર્જન કરવા પ્રયત્ન કરે છે. મહેનત કરે છે. એ જ તમારું ભવિષ્ય છે. આ સાહિત્ય નર્મદનો વારસો છે અને નર્મદ નિર્વંશ નથી ગયો. 

Leave a Comment