કનૈયાલાલ મુનશીનું નામ ગુજરાતી સાહિત્યના ભાવકો માટે સર્વકાલીન મહાન નામોમાંનું એક છે. મુનશીએ વિપુલ સર્જન કર્યું પણ ‘પાટણની પ્રભુતા- ગુજરાતનો નાથ –રાજાધિરાજ’ એમની ઓળખ સમી કૃતિઓ બની રહી. ‘ગુજરાતનો નાથ’ ના એક પ્રવાહના નાયક-નાયિકા છે કાક અને મંજરી.
મહદઅંશે લોકો કાક-મંજરીની ગાથાને પ્રેમકથા તરીકે પર્સીવ કરે છે, છે પણ ખરી… પણ આ બંને પાત્રોની કથાને મુનશીએ બે પાણીદાર, તેજસ્વી જીવોના વૈચારિક-સંઘર્ષ તરીકે પણ ઉપસાવી છે. બે વ્યક્તિઓ જે તીવ્ર બુદ્ધિશાળી છે…..પણ એમની બુદ્ધિનો પ્રકાર જુદો છે અને એથીજ પરસ્પરને માપવામાં ભૂલ ખાઈ જાય છે.
થીયરી ઓફ મલ્ટીપલ ઈન્ટેલીજન્સ આપણે બધાજ જાણીએ છીએ, પણ અહીં એની વાત નથી. વાત છે અનુભવભેદ અને અભિગમભેદની. તો વાત કાક અને મંજરીની ….
મંજરી વિદુષી છે, બાળવયથી પિતા પાસે સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પામી છે, શુદ્ધ રણકે એવી ભાષા બોલે છે અને આદર્શો તથા સ્વપ્નોનું વિશ્વ તેનું વાસ્તવ છે. મંજરીનું સૌદર્ય તો તેને લક્ષ્મીસ્વરૂપા બનાવે જ છે, પણ તેની ટટાર ડોક, તેજભરી આંખો અને કોઈ આદર્શલોકની મનુષ્ય હોય તેવું ગૌરવ તેને ભભક આપે છે. એ પૃથ્વીથી જાણે બે ડગ અધ્ધર હવામાં ચાલે છે અને જાગતી આંખે સ્વપ્નલોકમાં જીવે છે .
અને આથી જ નબાપી અને નિરાધાર હોવા છતાં, પાછળ નરાધામો પડ્યા હોવા છતાં, સાવ અસહાય સ્થિતિમાં હોવા છતા એ ઠસ્સાથી પોતાને બચાવનાર કાકને પરણવા ના પાડી દે છે.. અને કારણ આપે છે “ હું તમારા કાળની નથી , ત્રિભુવન ગજવનારા મહાકવિઓના કાળની છું. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને ખોળામાં છુપાવવાની હોંશ ધારતી અનસુયા છું. મારો નાથ મહાકવી કાલિદાસ બની શકે. અમે ગગન વિહરતા મેઘને સાદ કરીએ અને શકુંતલા,પુરુરવા અને માલવિકા અમારી આંખ સામે કેલી કરે. મારો નાથ તો ત્રીપુરારીનો અવતાર પરશુરામ બની શકે, જમદગ્નીનો પુત્ર, અવનીને કંપાવનાર મહર્ષિ. હું એ અમર્ત્યોને વરેલી છું ….. કૈલાસમીવ દુર્ઘ્શ; કાલાગ્નીમીવ દુ;સહમ. તમારા જેવા વેંતિયા વીરનું વરણ કરવું એ મૃત્યુ છે.” આ રૂપગર્વ નથી, જાતીગર્વ નથી … જ્ઞાનગર્વ છે ….ઉચ્ચ આદર્શનો ગર્વ છે. મંજરી વિદ્વાન છે પણ એની વિદ્વત્તાનું ક્ષેત્ર શાસ્ત્રો, પુરાણો ,ભાષા અને ઉચ્ચ મુલ્યો છે.
આની સામે કાક, જેને માટે મંજરી ‘વેંતીયો વીર’ એવો શબ્દ વાપરે છે, એ કોણ છે? કાક એ સમયની રાજકીય ચોપાટમાં એક અત્યંત અગત્યનું સ્થાન ધરાવતો બાહોશ ખેલંદો છે. લાટના દંડનાયકથી લઈને પાટણના મહામંત્રી સુધી તેની પહોંચ છે. એ કુટિલ રાજનીતિજ્ઞ છે, વીર યોદ્ધો છે અને સ્મશાનમાં જઈને ભૈરવને સાધી શકે તેવો નીડર છે. એ આ બધું જ છે, અને તેથી જ તેને શાસ્ત્રો કે સંસ્કૃત શીખવાનો સમય નથી મળ્યો. વળી જીવનના વર્ષો યુધ્ધો કે રાજ્યોના દાવપેચમાં કાઢનાર કાક આદર્શવાદી પણ નથી. આદર્શો કે સ્વપ્નો તેને પોસાય એમ નથી આથી એ વાસ્તવવાદી છે. તે કૈલાસ અને કાલાગ્ની સમ દુર્ભેદ્ય છે જ પણ એ વાત શબ્દોમાં મુકવા માટે તે ખરબચડો માણસ છે. પોતાની સામે ઉભેલી નિરાધાર સ્ત્રી વિવાહનો પ્રસ્તાવ નકારતા જ્યારે પુરાણકાળના પાત્રો સાથે પ્રેમ હોવાનું કહે છે ત્યારે કાક આભો બની જાય છે. થોડી ક્ષણો તો એને એ સમજવામાં થાય છે કે ‘કાલિદાસ, માલવિકા વગેરે છે કોણ ?’ એને મન મંજરી બાલીશ કે ભ્રમિત છે. મંજરીને મન કાક ગમાર કે અસંસ્કારી છે.
બંને પાત્રોની સમગ્ર જર્નીમાં મુનશીએ આ ભેદ ઉપસાવ્યો છે. વ્યવહારમાં બાહોશ કાક અને સ્વપ્નવાદી મંજરી એકમેકને સમજવામાં વારંવાર થાપ ખાય છે. લગ્નની પહેલી રાત્રે કાકને લાગે છે કે “ વિવાહ પછી તો મંજરીનું મન પીગળ્યું જ હશે”. એ પોતાનો પ્રેમ દર્શાવવા એની પાસે જઈને ચુંબન કરે છે. કોઈ સ્નેહની વાત કહેતા કે ભવ્ય રીતે રજૂઆત કરતા એને આવડતું નથી. અને જ્ઞાનગર્વિતા મંજરી આ ચેષ્ઠાને છીછરી ગણીને અટ્ટહાસ્ય કરે છે “ શાબાશ ભૃગુપુત્ર, શો તમારો સંયમ અને શા તમારા સંસ્કાર. આ આચરણથી મંજરીના સ્વામી થવું છે? પોતાની શ્વાનતા સિદ્ધ કરીને?” કાક ઘવાઈ જાય છે અને મંજરીની સામે ન જોવું એવો નિર્ણય લે છે.
આગળ જતા મંજરી ખરેખર કાકનું મુલ્ય સમજે છે, એને ચાહવા લાગે છે, મોઘમ ઈશારા કરે છે ….પણ એ સૂક્ષ્મ ઈંગિતને સ્ટ્રેટફોરવર્ડ કાક સમજી જ નથી શકતો. કેવી કરુણતા …..બે વ્યક્તિ, બંનેને પ્રેમ છે, બંને પ્રખર તેજસ્વી છે પણ એકબીજાને કળી શકતા નથી.
હવે આ બે જુદા પ્રકારના જ્ઞાન કે બુદ્ધિની વાતને આજના રેફરન્સમાં જોઈએ. આજેપણ આ બે પ્રકારના લોકો છે અને પરસ્પરને મુર્ખ સમજે છે. સામાન્ય રીતે આટલું લખાણ વાંચીને મોટાભાગના ( નહિ નહિ તો ૬૦%) લોકોને લાગશે કે મંજરી જેવા લોકો બાઘા જ ગણાય વળી. વ્યવહારુ જીવનમાં આવા ધડમાથા વગરના સ્વપ્નો લઈને કે આદર્શલોકની પરિકલ્પના લઈને કઈરીતે જીવાય? પણ આ વાત સાચી છે? કેમકે બુદ્ધિ એટલે માહિતી અને એનો ઉપયોગ નહિ માત્ર. બુદ્ધિ એટલે ઈમેજીનેશન અને ધારણા પણ ખરી. દરેક સંશોધન મૂળભૂત રીતે હાયપોથીસીસ પર રચાય છે. દરેક વૈજ્ઞાનિક શોધ એના પ્રથમ ચરણમાં ધડમાથા વગરની કલ્પના જ હતી. યુટોપિયન વિશ્વની કલ્પનાએ અનેક સર્જનને જન્મ આપ્યો છે. તો ના….મંજરી કે એના જેવા લોકો મુર્ખ નથી હોતા. એ જ રીતે કાક જેવા લોકો …જે જીવનમાં ઘડાયા છે, નક્કર વર્તમાનમાં જીવે છે અને કર્મપ્રધાન જીવો છે એ પણ બુદ્ધિશાળી હોય છે. ભેદ માત્ર એટલો છે કે એમના અભિગમ વચ્ચે કોમ્યુનીકેશન ગેપ એટલો મોટો હોય છે કે એમની સમઝણ પરસ્પર સુધી પહોંચી જ નથી શકતી.
એલીઝાબેથ ગીલ્બરટની નોવેલ “ ધી સિગ્નેચર ઓફ ઓલ થિંગ્સ” માં એલ્માં નામની નાયિકા પ્રખ્યાત વૈજ્ઞાનિક છે. આજીવન એણે બોટનીના ફિલ્ડમાં કામ કર્યું છે. એ એમ્બ્રોસ નામના પેઈન્ટરના પ્રેમમાં પડે છે પણ એકદિવસ અચાનક એને પોતાના જીવનમાં થી ધકેલી દે છે, કારણકે એમ્બ્રોસ કહે છે “ મેં ઈશ્વરને અનુભવ્યા છે.” એલ્માંનું વાક્ય મુકાયું છે “ we believed in different universes. He in divine, I in actual ….no communication was possible.”
આ વાતને રોજ્બરોજના જીવનમાં આપણે ક્યારેક ને ક્યારેક અનુભવી જ છે. અને જજમેન્ટ આપ્યું છે મનોમન. જે દેખાય છે એ વાસ્તવ અને જે ફક્ત અનુભવાય છે એ અદ્રશ્ય વચ્ચે સદીઓથી સંઘર્ષ ચાલતો રહ્યો છે. જુદા-જુદા લોકો પોતાનું સત્ય એમાં શોધતા હોય છે. બુદ્ધિ કે જ્ઞાન એ બહુ મલ્ટીડાયમેન્શનલ શબ્દ છે….એને એકજ પરિમાણ થી માપી ન શકાય.
અંતે નાટક ‘સમય સાક્ષી છે’ નો સંવાદ . આદિત્ય અને વાસવી છુટા પડી ગયેલા પતિ-પત્ની છે. વીસ વર્ષ પછી કોઈ એક સાંજે બંને મળે છે. આદિત્ય કલાકાર છે, વાસવી શિક્ષિકા.
આદિત્ય – ઘણીવાર તું ખુબ યાદ આવી છે વાસવી. વરસાદી રાતે કોઈ ગમગીન ગઝલ સાંભળી ત્યારે, કોઈ સુંદર છોકરીને હસતા જોઈ ત્યારે, ફૂલબજાર પાસેથી નીકળતા રાતરાણીની સુગંધ આવી ત્યારે ….. હું તને ક્યારેય યાદ ન આવ્યો?
વાસવી- રાશનની લાઈનમાં ચાર કલાક ઉભી રહી ત્યારે, રડતા સેતુને મુકીને ઢગલો વાસણ ઉટક્યા ત્યારે, પૈસાની તકલીફમાં ભોંઠપભર્યા અવાજે કોઈને ફોન કર્યો ત્યારે. તારી તો તકલીફોમાં ય સૌદર્ય છે દોસ્ત….તને માથામાં વાગે તો લોહી નીકળે એવી વાસ્તવિકતા ખબર છે?