મહામાનવો સાથે જીવવું

” એક સુરજ ઉગાડવા માટે કેટલા બધા જણે રાત પાડવી પડે છે…”

જો હું ભૂલ ન કરતી હોઉ તો ઉપરની અદ્ભુત પંક્તિ રમેશ પારેખની કોઈ કવિતામાં મુકાયેલી છે. આજે મારે એ જ રાતોની વાત કરવી છે જે સૂર્યોદયના આનંદ પાછળ ભૂલાયેલા વિષાદ સમી ઉભી છે.

કેટલાક જીવન ધ્રુવતારા સમા હોય છે. એનું કાર્ય વિશ્વને માર્ગ દેખાડવાનું હોય છે. આ ધ્રુવતારા એટલા ઉજ્જવળ હોય છે કે એ કોઈ ઘરના આંગણાને પ્રકાશિત કરનાર કોડિયું ન બની શકે. જો એને ગૃહદીપ બનાવવાનો પ્રયત્ન થાય તો એ પોતાના અતિપ્રકાશ થી ઘરને સળગાવી મુકે. મહામાનવોનું પણ એવું જ છે. અલગારી કલાકારો, ધૂની સંશોધકો, જીનીયસ લેખકો, પ્રખર રાજકારણીઓ કે ક્રાંતિકારીઓ…. એમનું જીવનકાર્ય એટલું વૈશ્વિક, એટલું ગતિશીલ હોય છે કે એ પોતાના ઘરના કે માળખાગત સંબંધોના નથી હોતા. સ્થિરતા એમના માટે શક્ય જ નથી હોતી કેમકે એમની અંદર સતત એક ઝંઝાવાતની ભૂખ હોય છે. મેં આજ સુધી સર્જેલા પાત્રોમાં મારું સૌથી પ્રિય પાત્ર અખેત કહે છે “ હું એનાર્કીનો, કેયોસનો માણસ છું ડાર્લિંગ. હું ઈચ્છામાં કે સહજ સંવેગમાં માનું છું. પણ તારા પ્રેમના વાહિયાત ખ્યાલમાં નથી માનતો. એક્ચ્યુલી કોઈ ફોર્મેટમાં જ નથી માનતો.” આ પ્રકારની અસ્થિરતા, અરાજકતા એક સ્થિર જીવન માટે હાનીકારક હોય છે, બાળકને સુરક્ષિત જીવન આપી શકે તેમ નથી હોતી, સમાજમાં સ્વીકૃત નથી હોતી …..અને એટલે જ મહામાનવો સાથે જીવવું એ સુખનો અનુભવ નથી હોતો.

અમૃતા પ્રીતમ નિર્વિવાદપણે લેખનના વિશ્વમાં પ્રતિષ્ઠિત નામ છે. સાહિત્ય અકાદમી અવોર્ડ, પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ થી સમ્માનિત અમ્રિતા વીસમી સદીના લેખનનું એક અગત્યનું પાનું છે.આજના સમયમાં એમના ક્રાંતિકારી વલણને, એમના અનેક પ્રેમને લોકો પોઝીટીવલી ચર્ચે છે. પણ જ્યારે હું એમના પતિ પ્રીતમસિંગ વિષે વિચારું છું કે ઈમરોઝ વિષે વિચારું છું તો મને લાગે છે કે ગમે તેટલી બૌધ્ધિક ઉચ્ચ્તાની કક્ષાએ પણ એમના માટે અમૃતા સાથે જીવવું સહેલું તો નહિ જ હોય. પચીસ વર્ષના પ્રીતમસિંગ સાથેના લગ્નજીવન પછી સાહિરના પ્રેમમાં (તેમના શબ્દો અને ભાવનાત્મક ઊંડાણના) પડેલા અમૃતા પોતાના પતિથી જુદા થઇ ગયા. એકતરફ એમની ધોધ જેવી વહેતી લાગણી અને બીજી તરફ અલગારી સાહિર…..વાત આગળ ન વધી શકી. અમૃતા જીવનના ચાલીસ વર્ષ ઈમરોઝ સાથે જીવ્યા પણ એ હમેશા સાહિરને જ પોતાના સોલમેટનું સ્થાન આપતા રહ્યા. ઈમરોઝ ચાર દાયકા સુધી લગ્ન વિના એમની સાથે રહ્યા….એ સ્વીકારીને કે અમૃતાના જીવનમાં જે સૌથી ઊંડી તૃષ્ણા છે એ પોતાના માટે નથી. એ હદ સુધી કે અમૃતાએ સાહિરને અર્પણ કરેલું પુસ્તક ઈમરોઝ પોતે એમને આપવા ગયેલા. હા…આ કોઈ રેગ્યુલર પરમ્પરાગત લોકો નહોતા પણ તોય…માણસ તરીકે પણ કેટલીક બાબતો સહેલી નથી જ હોતી. અમૃતા એ લખ્યું છે “ જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે સમઝ લેના વહીં મેરા ઘર હૈ” પણ એ ઘર બનવા ઇમરોઝે અનેક તોફાનો ઝીલ્યા હશે.

૨૪ વખત એકેડમી અવોર્ડ માટે નોમીનેશન મેળવનાર અને ચાર વખત ઓસ્કાર વિજેતા બનનાર વુડી એલન હોલીવુડના સર્વકાલીન પ્રતિષ્ઠિત નામોમાં એક છે. એની હોલ, મેનહટન અને મિડનાઈટ ઇન પેરીસ જેવી ફિલ્મો સાથે સંકળાયેલું આ નામ એની આસપાસના લોકો માટે જીરવવું કે જાળવવું સહેલું નહિ જ રહ્યું હોય. ત્રણ લગ્ન કરી ચુકેલા વુડી એલનના છેલ્લા લગ્ન જે યુવતી સાથે થયા છે એ વાસ્તવમાં તેમની ગર્લફ્રેન્ડ ( કે લીવ-ઇન-પાર્ટનર)ની દતક દીકરી છે. અનેક લગ્ન બાહ્ય સંબંધો જાહેર કરી ચુકેલા વુડી સામે સેકસ્યુઅલ અબ્યુઝના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. પોતાના બાળકોની કસ્ટડી માટે એક પારસ્પરિક આરોપોની ગંદી લડાઈ પણ એ લડી ચુક્યા છે. એમનું પોતાનું જ એક વાક્ય મુકું તો “ my only regret in life is that I am not someone else.” આ વાક્ય એ માણસ કહી રહ્યો છે જેણે દસ BAFTA અવોર્ડસ, બે ગોલ્ડન ગ્લોબ અને ચાર એકેડમી અવોર્ડ જીત્યા છે. જેની નેટ વર્થ ૮૦ મિલિયન ડોલર્સની છે …પણ આ બધું જ જે સર્જનાત્મકતાનું પરિણામ છે, એ જ સર્જનાત્મકતાનું બીજું પાસું હોય છે મુક્તિનો, ધૂનનો નશો. એક એવું કશુંક જે અસ્તિત્વની અંદર સતત લપકતી જ્યોતની જેમ ફરકે છે અને આસપાસની સ્થિરતા હણી લે છે.  

ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કર્યું કે સ્ત્રીઓ ને જે જાહેર જીવન તરફ વાળી એ ઋણ ભરપાઈ ન થઇ શકે તેવું છે. પણ એ પોતાના સૌથી મોટા પુત્રના જીવનને ઘડવામાં નિષ્ફળ ગયા હતા. આદર્શો હોવા એ સારી વાત છે પણ એ બીજા પર થોપી બેસાડવા એ યોગ્ય નથી. ગાંધીજી પોતે લંડનમાં ભણીને આવ્યા હતા પણ દીકરાને તીવ્ર ઈચ્છા હોવા છતાં એને વિદેશ ન મોકલ્યો ( એમના મતે વિદેશી ભણતર યોગ્ય નહોતું જ્યારે ભારતના સ્વાતંત્ર્યની લડત ચાલતી હોય). આજે આપણે સામાન્ય માં-બાપો ને કહીએ છીએ કે તમારા બાળકો એ તમારી અપેક્ષા પુરી કરવા નથી જન્મ્યા, એમનું પોતાનું જીવન છે. આ જ વાત આપણા રાષ્ટ્રપિતા સુધી એમનો દીકરો નહોતો પહોચાડી શક્યો. આ ઉપરાંત ગાંધીજીએ ૩૭ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત લીધુ. કસ્તુરબાએ પતિના વ્રતને માથે ચડાવી લીધુ…પણ ૧૯૦૬માં  (જ્યારે ભારતમાં રેડીઓ બ્રોડકાસ્ટ શરુ નહોતું થયું)  એક ગૃહિણી માટે આદર્શના ઉચ્ચ આસને બેઠેલા પતિનો વિરોધ કરવાનો વિચાર જ બહુ અસ્વભાવિક લાગે છે. ( ૨૦૧૯ માં ય પોતાની ઇચ્છાઓના અધિકાર માટે વિરોધ કરતી સ્ત્રીઓ ઓછી છે, જે છે એ અન્યાય સામે લડે છે.)

અને હવે છેલ્લે, મારા એક નાટકમાં અમે એક પ્રસંગ વણી લીધેલો એની વાત. ચૌદ વર્ષના વનવાસ પછી માતા સીતા અયોધ્યા પાછા ફરે છે. ઝળાહળા મહેલમાં પ્રવેશતા જ એક કૃશકાય વૃધ્ધા એમને સામે મળે છે અને કહે છે “ આપનું તેજ આ વનવાસમાં હણાયું નથી”. સીતા હસીને કહે છે “ વનવાસ તો ચૌદ વર્ષનો હતો પણ એ સંધર્ષ થી જે આદર્શ સ્થપાયો એ અનંત કાળ જીવશે. પ્રભુ રામનું વચનપાલન, મારો પતિપ્રેમ, લક્ષ્મણની સેવા ઇતિહાસમાં જીવશે….આ તેજ એના ગૌરવનું છે દાસી”. પેલી સ્ત્રી થોડી ક્ષણો જોઈ રહે છે અને કહે છે “ વૈદેહી…હું દાસી નથી. હું ઉર્મિલા. ચૌદ વર્ષ થી મારું સ્થાન શોધી રહી છું. ન મારા પતિ સાથે એ વન માં હતું, કે ન ઇતિહાસમાં છે. તારા સૂર્યએ મારા કોડિયાનો અજવાસ ઢાંકી દીધો છે જાનકી…જરા તેજ ઓછું કર”

અસ્તુ-

Devangi bhatt

Leave a Comment