દેશાંતર

દેશાંતર

“ Don’t tell me, how educated you are…..just tell me how much you have traveled, and I will know your wisdom.”

દ્રુમા દાંતે દિલ્લીના એક ઉચ્ચ મધ્યમવર્ગના ગુજરાતી ઘરની દીકરી છે. દિલ્લી યુનીવર્સીટીમાં સમાજશાસ્ત્રમાં માસ્ટર્સ કરનારા દ્રુમાબેનના ૧૯૯૨ માં એક મહારાષ્ટ્રીયન સાથે લગ્ન થયા…..અને એ પછીની એમની ૨૫ વર્ષની યાત્રાને એક જ નામ આપી શકાય……દેશાંતર. એમના પોતાના શબ્દોમાં મુકું તો “ મારા પતિની જોબ એ પ્રકારની હતી કે અમને દર ત્રણ કે ચાર વર્ષે જુદા-જુદા દેશોમાં પોસ્ટીંગ મળતું. નવા દેશમાં એની ભાષા, સંસ્કૃતિ, જીવનરીતિ…હજી તો માંડ શીખ્યા હોઈએ, અને વળી કોઈ નવી જમીન પર જીવન નવેસર થી શરુ કરવાનું થાય. પહેલા આ સતત પરિવર્તનો અકળાવતા….પણ સમય સાથે મને મારું સદભાગ્ય સમજાયું. કેટલા લોકોને તેમના જીવનકાળમાં આટલા બધા આકાશ અને સમુદ્રો જોવાની તક મળતી હશે? મારા સંજોગો એ મને વિશાળ જીવનવ્યાપ આપ્યો છે……..અને હું ઋણી છું મારા સંજોગો ની .”

દ્રુમાબેનની સફર શરુ થયેલી જાપાન થી. જાપાનના NIIGATA PREFECTURE માં આવેલા નાગૌકા શહેરમાં એમનું રહેઠાણ હતું. ત્યાની સૌથી મોટી તકલીફ હતી ભાષાની. સ્થાનિક પ્રજા તમામ રોજીંદા વ્યવહારોમાં લગભગ લોકલ ભાષા જ વાપરે. ચાલો આપણે બહુ મિત્રો ન બનાવીએ….પણ કરીયાણા માટે, શાકભાજી માટે, ડોક્ટર પાસે…..બધે જ સમજાવવું તો પડે ને? વળી ઇન્ડિયન સ્ટોર પણ આજ થી બે દાયકા પહેલા નહોતા. તો જાપાનીઝને લાપશીના ફાડા કઈરીતે સમજાવાય? ડોક્ટરને કઈરીતે કહેવું કે આજે જરા લમણા પકડાયા છે? વાસ્તવમાં ભાષા ફક્ત શબ્દોની નહી પણ એક આખી પરંપરાની વાહક હોય છે, અને તદન જુદા, હજારો જોજન દુર આવેલા દેશમાં જે તમે નથી સમજાવી શકતા એ ફક્ત ભાષા નહી પણ તમારી સંસ્કૃતિ હોય છે. જેમકે આપણે જયારે વેજીટેરીયન ફૂડ કહીએ છીએ ત્યારે અન્ય દેશોમાં એનો અર્થ આપણી સમજ કરતા જુદો હોય છે. મોટાભાગના દેશો ઈંડાને અને અનેક દેશો સી ફૂડને વેજીટેરીયન ગણે છે. ફક્ત ભાત મંગાવો તો પણ એ માંસના પાણીમાં ચડાવેલો હોઈ શકે. હવે એ પ્રજાને ફરાળી કાંજી કે જૈન પાવભાજી કેમ સમજાવાય? ટોક્યોમાં વેજીટેરીયન રેસ્ટોરાં જોઇને દ્રુમાબેનને એવરેસ્ટ ચડ્યા હોય એવો આનંદ થયેલો. આ બધું અહીં જેટલી હળવાશ થી લખાયું છે એટલું સહેલું નહોતું પણ દ્રુમા બહેન એક જ નિયમને વળગી રહેલા ‘સહેજ પ્રયત્ન દરેક અનુકુલન માટે જરૂરી છે’. એ નવા નવા શબ્દો શીખતા, એકલા ત્યાની ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ફરવા જતા….. થોડા જ સમય માં એડજેસ્ટ થઇ ગયા ત્યાં ફરી નવી જગ્યાનું કહેણ આવ્યું.

જાપાન પછી દ્રુમાબેનનું નવું રહેઠાણ હતું સાઉથ કોરીયાનું બુસાન. વર્ષ ૨૦૦૦ પહેલા આ શહેર પુસાન તરીકે ઓળખાતું હતું જે સાઉથ કોરીયાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. એશિયન ગેમ્સ અને ફીફા વર્લ્ડ કપ નું હોસ્ટ રહી ચૂકેલું બુસાન એક વિકસિત શહેર છે. બુસાનના વિશાળ સમુદ્ર્કીનારાઓ અને તેના કાંઠે નાના-નાના સુંદર કાફે હજી આજે પણ દ્રુમાબેનને યાદ છે. લગભગ ૯૨% શહેરીકરણ અને સમગ્ર એશિયામાં હાઈએસ્ટ હાઉસહોલ્ડ ઇન્કમ ધરાવતા સાઉથ કોરિયામાં બૌધીઝમ અનેક લોકોએ સ્વીકાર્યું છે. ભાત,નુડલ, ટોફું અને વેજીટેબલ્સ તથા ફીશ અહીનો મુખ્ય ખોરાક છે. દ્રુમાબેન ઘણીવાર એક પોકેટ ડીક્ષનરી લઈને નીકળી જતા અને ત્યાના બજારો, સ્થળો એક્સ્પ્લોર કરતા. કોરિયન ડાન્સ, ત્યાના હેરીટેજ પ્લેસીસને એમણે માણ્યા છે અને સાવ અજાણ્યા લોકોને મિત્રો બનાવ્યા છે. એ કહે છે “ જો તમે મિત્રતાનો હાથ લંબાવો છો….તો કોઈ પણ દેશની પ્રજા તમને અપનાવે છે. Acceptance એ એવી આવડત છે જે ગમે ત્યાં તમને તમારું ઘર , તમારું નાનકડું વિશ્વ ઉભું કરવામાં મદદ કરે છે. I am lucky that I met beautiful people around the world and made friends.” કોરિયા પછીના દેશો હતા તાઇવાન અને ફિલીપીન્સ.

તાઇવાનના તાઈપેઈ અને ફિલીપીન્સના મકાતી શહેરમાં પણ દૃમાંબેન લગભગ બે વર્ષ રહ્યા. અને પછી તેમની ટ્રાન્સફર થઇ યુનાઈટેડ કિંગડમમાં. ફિલીપીન્સ અને યુ.કે. માં જીવન પ્રમાણમાં સરળ હતું. વળી આટલા વર્ષોના અનુભવે એક સર્વાઇવ થવાની તાકાત પણ આપી હતી. દ્રુમાબેન હસતા હસતા કહે છે “હવે તો હું એટલી એક્ષ્પર્ટ બની ગઈ છું કે આફ્રિકાના કોન્ગોમાં અને યુ.એસ.એ.ના લાસ વેગાસમાં એકસરખી ખુશી થી રહી શકું.” સાચી વાત છે….અંતે તો ખુશ રહેવું એ બાહ્ય પરિબળો પર ઓછું અને આંતરિક પ્રવાહો પર વધુ આધારિત હોય છે. યુ.કે. ના ઇસ્ટ ક્રોયડોન નામના ટાઉનનું કન્ટ્રીસાઈડ હોમ , ત્યાની સ્વચ્છતા, વિન્ટરનો સ્નોફોલ અને ક્રિસમસની રોશની દ્રુમાબેનના બાળકોની પણ સ્મૃતિમાં વણાયેલી છે.

બાળકો હજી ગ્રોઈંગ પીરીયડ માં હતા અને નવા દેશમાં જવાનું થયું. રિપબ્લિક ઓફ અઝાર્બેજન….ઉતરમાં રશિયા, પૂર્વમાં કાસ્પિયન સમુદ્ર અને દક્ષિણમાં ઈરાન છે એવો અઝાર્બેજન ટર્કી સાથે સરહદ શેર કરે છે. આથી જ મૂળભૂત રીતે મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં અહી રશિયા, ટર્કી, પર્શિયા…વગેરે અનેક દેશોની સંસ્કૃતિનો પ્રભાવ છે. આ દેશને સમગ્ર ઇસ્લામિક જગતના સૌથી સેક્યુલર દેશનો દરજ્જો મળેલો છે. દ્રુમાબેનના બાળકો આ વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવતા દેશમાં કેટલાક વર્ષો ભણ્યા . ત્યાના કેપિટલ સીટી બાકુને વિશ્વના સૌથી નીચાણ વાળા શહેર તરીકે ઓળખવામાં આવે છે કેમકે તે સમુદ્રની સપાટી થી ૯૨ ફીટ નીચેના લેવલ પર વસેલું છે. city of wind તરીકે ઓળખાતું એ સમુદ્રી શહેર આજે ય આ કુટુંબના આલ્બમોમાં સમાયેલું છે.

અત્યારે કેટલાક વર્ષો થી દ્રુમાબેનનો પરિવાર ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માં સ્થાયી છે. બાળકો મોટા થઇ ગયા છે અને પ્રથમ વિશ્વના દેશમાં રહેવાના આનંદ ને માણી રહ્યા છે. મેલબોર્ન પાસે કુદરતી વૈભવ અને મલ્ટી કલ્ચરલ વાતાવરણ છે જે દરેક વ્યક્તિની સીમાઓને વિસ્તારવામાં મદદ કરે છે. જવાબદારીઓ ઓછી થવાની સાથે દ્રુમાબેને ASRC માં જોબ શરુ કરી છે. એ રેફ્યુજી અને માઈગ્રેટ થયેલા લોકોના પુનઃ વસવાટ માટે કામ કરે છે. રોજ કઈ કેટલાય લોકો આવે છે જે પોતાના મૂળથી ઉખડી ગયા છે ,જે નવા જીવન ને, નવી તકો ને શોધી રહ્યા છે……અને દ્રુમાબેન થી વધુ એ કોણ જાણે છે કે નવી શરૂઆત સહેલી નથી પણ શક્ય તો છે જ.
આટલી બધી વાતો શેર કર્યા પછી મેં એમને પૂછ્યું ‘ઇન્ડિયાને મિસ કરો છો?’ એમણે કહ્યું “ભારત એટલે માં-પપ્પા , ભારત એટલે દિલ્લી યુનીવર્સીટીની કેન્ટીન, ભારત એટલે ધૂળેટી ના રંગ અને યુવાનીની સેપિયા યાદો. બધું યાદ છે……પણ મારે માટે દેશાંતર ફક્ત ભારત છોડવું એ જ નહોતું. જાપાનના રંગબેરંગી વસ્ત્રો, કોરિયન ગીતો, ફિલીપીન્સના બજારો, તાઇવાનના ચાઇનીઝ ટેમ્પલ , યુ.કે. ના વાદળિયા વરસાદી દિવસો અને અઝાર્બેજનના અઝાન ના અવાજ……બધું જ મારે માટે દેશાંતર છે. so my nostalgia is different. I left many lands and many homes.”

કદાચ વર્ષો પછી પ્રજાઓ કોઈ એક જમીનની વાહક નહી હોય, પણ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓની સંતાન હશે. અને ત્યારે કોઈ પણ વાડાઓ માં બંધાયા વિના લોકો એકમેક નો આદર ફક્ત મનુષ્ય તરીકે જ કરશે તેવી આશા સહ………lots of love દ્રુમાબેન….

Leave a Comment