લોસ એન્જલસમાં મીની ગુજરાત
૧૯૭૫ માં હું અમેરિકા આવી એ વાતને આજે એકતાલીસ વર્ષ થયા.આટલા વર્ષોમાં તો કેટલા બધા પરિવર્તનો આવ્યા હોય.આજે તો આજ મારું ઘર છે.અહી જ મારું સર્કલ છે……અને છતાં આજે ય ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન….તુઝપે દિલ કુરબાન’ સાંભળવામાં આવે ત્યારે આંખના ખૂણા ભીના થઇ જ જાય છે. Yes….i feel nostalgic.”
૬૩ વર્ષના પારુલ દેસાઈ એ આ લખીને મોકલ્યું છે. ચાર દાયકા પહેલા અમેરિકામાં સ્થાયી થયેલા પારૂલબહેન લગ્ન કરીને ત્યાં ગયેલા.એમના પતિ ત્યાં પહેલેથી જ સેટલ થયેલા હતા એટલે શરૂઆતના તબક્કામાં એમને અનુકુલનના બહુ મોટા પ્રશ્નો નહોતા થયા. વસાવેલું ઘર, નિયમિત આવક અને પતિનું પોતાનું સર્કલ……એને લીધે નવા વાતાવરણમાં ગોઠવાવું સહેલું બની રહેલું. પણ એ તો થઇ બાહ્ય જગતની વાત. એક વાતાવરણ માણસની અંદર જીવતું હોય છે….પોતાની ગર્ભભૂમિનું. સવારમાં સંભળાતી આરતી, રેડિયો પર વાગતા હિન્દી ગીતો, કાન પર અથડાતી પોતાની ભાષા, ચામડી પર પડતો ધોધમાર તડકો, બાજુના ઘરમાં બનતી લાપશીની સુગંધ ……આ બધું જ બદલાઈ જાય ત્યારે માણસને અડવું અડવું લાગે એ સાહજિક છે. પારૂલબહેનને પણ એવું જ થયેલું. વળી આજથી ચાલીસ વર્ષ પહેલા તો ન મોબાઈલ હતા કે ન સોશીયલ નેટવર્કિંગ સાઈટસ. પારૂલબહેન ડ્રાઈવીંગ પણ નહોતા જાણતા…એટલે આવડા મોટા શહેરમાં ક્યાંય પણ જવું હોય તોય તકલીફ થતી. પશ્ચિમના દેશોમાં ડ્રાઈવીંગ લાયસન્સના નિયમો પણ કડક છે…..સહેલાઇ થી મળે પણ નહી.
જોકે આ તો બધી બહુ જુના દિવસોની વાત છે.જીવનના સાતમાં દાયકામાં પ્રવેશેલા, સેલ્ફડ્રાઈવ કરીને ઓફીસ જતા પારૂલબહેનને આજે એ બધું બહુ યાદ પણ નથી. મેં જયારે એમને પૂછ્યું કે “ત્યાં તમારો કોઈ ખરાબ અનુભવ?” ત્યારે એમનો જવાબ હતો….. “કોઈ ખરાબ અનુભવ યાદ આવતો નથી કેમકે હું પોઝીટીવ રહેવામાં, સારું યાદ રાખવામાં માનું છું. હોય….જીવન છે,ચાલ્યા કરે..પણ કોઈ કડવી બાબત ને ગળે બાંધવામાં હું નથી માનતી. .” કદાચ અનેક સંસ્કૃતિઓ , અનેક ભાષાઓ અને અનેક લોકોના પરિચયમાં આવવાનો આ જ ફાયદો છે. એનાથી જીવનદ્રષ્ટિ વધુ વિસ્તૃત બની જાય છે. અને એમાય પારૂલબહેન જે શહેર માં રહે છે…તે પોતાના સાંસ્કૃતિક વૈવિધ્ય માટે જગવિખ્યાત છે.
લોસ એન્જલસ, અમેરિકાનું ન્યુયોર્ક પછીનું સૌથી મોટું શહેર છે. યુ.એસ. ના એન્ટરટેઈન્મેન્ટ કેપિટલ તરીકે ઓળખાતા આ શહેરમાં લગભગ ૧૪૦ દેશોના લોકો માઈગ્રેટ થઈને આવી વસ્યા છે અને આશરે ૨૪૪ જેટલી વિવિધ ભાષાઓ અહી બોલાય છે. એલ.એ. ના કેટલાક વિસ્તારોના નામ પરથી જ આ ડાયવર્સિટી ને સમજી શકાય…… જેમ કે કોરિયા ટાઉન, લીટલ બાંગ્લાદેશ , લીટલ આર્મેનિયા , ચાઈના ટાઉન વગેરે. ૩૦% જેટલી વસ્તી વ્હાઈટ છે એ સિવાય આફ્રો અમેરિકન્સ , મિડલ ઇસ્ટર્ન , એશિયન, ફિલિપિનો આવા જુદીજુદી રાષ્ટ્રીયતા ધરાવતા લોકો એલ.એ. ને એક બહુરૂપી સંસ્કૃતિ પ્રદાન કરે છે. કદાચ આ વૈવિધ્યપૂર્ણ પ્રવાહોને લીધે જ હોલીવુડના અનેક મહાન સેલ્યુલોઇડ સર્જનો શક્ય બન્યા છે. અમેરિકાના ત્રણ સૌથી મોટા ફિલ્મ સ્ટુડીઓઝ પેરામાઉન્ટ પિક્ચર્સ , 20th સેન્ચ્યુરી ફોકસ અને યુનિવર્સલ પિક્ચર્સ એલ.એ.માં આવેલા છે. ટોકિયો અને ન્યુયોર્ક પછીનું વિશ્વનું સૌથી મોટું આર્થિક મથક એવું એલ.એ. ૨૦૧૫ માં ૮૬૬ બિલિયન ડોલરની G.M.P.(gross metropolitan product) ધરાવતું હતું. ત્યાની નાઈટ લાઈફ, રંગબેરંગી યુથ, મોંઘીદાટ ગાડીઓ અને સતત ભાગતું જીવન……
આવા લોસ એન્જલસમાં વસતા પારૂલબહેન મનથી પાક્કા ગુજરાતી રહી શક્યા છે. એની સાબિતી આપતા એમણે કહ્યું…. “મારા દીકરાની વહુ ગુજરાતી જ છે.અને મારી બંને ગ્રાન્ડડોટર હિન્દી ફિલ્મ સબટાઈટલ વિના જોઈ શકે છે.” કેટલી મોટી વાત છે આ? જે બાળકોની છેલ્લી ત્રણ પેઢી અમેરિકામાં જ રહી છે, જેમના માં-બાપ સુધ્દ્ધા ત્યાં જ જન્મ્યા છે….એ નાનકડી દીકરીઓ ગુજરાતી ચણીયા ચોળી પહેરીને ગરબા ગાઈ શકે, કે ‘જન ગણ મન’ સાંભળીને ઉભી થઇ જાય એ વાત સાબિતી છે કે માણસ પોતાના મૂળ થી જોડાયેલો જ રહે છે……વર્ષો પછી પણ,પેઢીઓ પછી પણ.
જો કે આ પરમ્પરાની જાળવણી એ જ પારૂલબહેનની ઓળખાણ નથી. એ દેશ વિદેશ ફર્યા છે, પોતાની દીકરી મહારાષ્ટ્રીયન યુવાન સાથે ઉત્સાહ થી પરણાવવાના છે અને આજે ૬૩ વર્ષની ઉંમરે એક કંપનીમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ સંભાળે છે. આપણે ભારતમાં તો આ ઉંમરે ઢીચણનો દુખાવો, વહુ સાથે કચક્ચ અને મંદિર જ રહ્યા હોય છે, પણ પારૂલબહેન માને છે કે પ્રવૃત્તિ જ માણસનું જીવનબળ છે.એક સરખી ફ્લ્યુંઅન્સી થી ગુજરાતી અને ઈંગ્લીશ બોલતા પારૂલબેન આઈ ફોન થી ઈમેઈલ કરે છે અને જીન્સ તથા સાડી બંનેમાં કમ્ફર્ટેબલ છે.
લોસ એન્જલસમાં મોટા ભાગની વસ્તી ક્રીશચન હોવા છતાં ત્યાં ઘણો મોટો ગુજરાતી સમાજ પણ છે. આપણા તહેવારો ત્યાં પણ આ નાના સમૂહો ધામધૂમ થી ઉજવે છે….જો કે તહેવાર, તિથી પ્રમાણે નહી પણ વિકેન્ડ પ્રમાણે ઉજવવામાં આવે છે. ઇન્ડિયન રેસ્ટોરાંમાં આપણી ટીપીકલ વાનગીઓ પણ મળી જાય છે અને ભારતીય નૃત્યો, નાટકો અને ગઝલના પ્રોગ્રામ્સ પણ સતત થતા હોય છે. આજ થી ૪૧ વર્ષ પહેલા ત્યાં જીવન જેટલું જુદું હતું , ડીસ્ટંટ હતું….એટલું આજે રહ્યું નથી. ટેકનોલોજીની ક્રાંતિએ ડાયસ્પોરા પ્રજાઓને પોતાની જન્મભૂમી થી જોડી દીધી છે. સમય વીતશે….નવા બાળકો આવશે….એ લોકો અહીંથી લાખો કિલોમીટર દુર જીવશે…..પણ પારૂલબહેન જેવી અનેક સ્ત્રીઓ, માતાઓ પોતાના સંતાનને હાલરડાંમાં, રામાયણની વાર્તામાં અને ઉની ઉની રોટલીમાં પોતાની સંસ્કૃતિ શીખવતી રહેશે.
“ A country is not a place on the map, but it is a land that survives in your mind. It is something you dream about and sing about. It is a story you remember till the end….and you wish to pass even after your end…..”