દૂર-સુદૂર એક ઝાંખું પાંખું ગામ, એની કાચી-પાકી કેડી ઉપર જીર્ણ થયેલું મંદિર, એમાં માણસનો બોલાશ હજી મારામાં જીવે
આગળ જાતા ધૂળી શી નિશાળ, ને છોરા કરતા હો તોફાન, રેંકડી પર વેચાતા કોઠા-કેરી-સંચળની ખારાશ હજી મારામાં જીવે
રંગબેરંગી બાંધણીયુની લાજ્યું કાઢી, ખીખીયાટા કરતા બૈરા, ભાયડાઓની ટીખળ કરે ને પાંચ હાથના મૂછડ બેઠા લાજી મરે
શાકભાજીની લારીવાળા રાગડા તાણે, ઘરાક બરકે, ને રીંગણ,દુધી કંકોડાના એકેક રૂપિયા હાટુ હાળું ગામ લારીએ બાઝી મરે
વહેલી-વહેલી હાંજ પડે, ધણ વળે , ને ચુલા ધગે ત્યાં લહલહતી પીરસાતી ઓલી ખીચડીની લાલાશ હજી મારામાં જીવે
હાંકડ-મુકડ શેરી, ઈમાં ગાયોનું રમખાણ ને ઓટલે બેહી છીંકણી હુંઘે લાભુડોશી , જાણે બાપદાદાએ લખી દીધું હોય ગામ
નળિયાવાળા ગાર કરેલા ઘર, ચોકમાં વેરાયેલી જાર ને ઉંચી અભરાઈયુ પર તડકો પડતા ઝગમગતા કાહાં- પીતળના ઠામ
એક ઘરે દીકરો પયણે ત્યાં ગામ આખાને હરખ ચડે ને ફળફળતા કંસારમાં પડતા ઘી ની ઘેરી વાસ હજી મારામાં જીવે