સાઉદી ડાયરીઝ
‘ ગાંધીનગરમાં તો અમે બેનપણીઓ રાત્રે ૧૧ વાગે પાઉભાજી ખાવા ઉપડી જતી. કોઇપણ કામ હોય તો ટુવ્હીલર મારી મુકતી……અને અહી જેવા ઘરની બહાર નીકળો કે બુરખો પહેરી લેવાનો…..જાતે ડ્રાઈવ કરીને ક્યાંય જઈ ન શકાય……ખુલ્લા વાળ રાખીને બહાર ન નીકળી શકાય.જાણે કોઈ જુદા જ સમયમાં આવી ગયા હોઈએ એવું લાગે.’
નમ્રતા મૂળ ગાંધીનગરમાં મોટી થયેલી….પપ્પા ગવર્ન્મેન્ટમાં ઊંચી પોસ્ટ પર અને મમ્મી સંગીત અને સાહિત્યની શોખીન…..શિક્ષણનો ખુબ મહિમા હોય તેવા ઘરમાં નમ્રતા ઉછરી.ઈંગ્લીશ લિટરેચરમાં માસ્ટર્સ ડીગ્રી પછી ૨૦૧૦ માં તેના લગ્ન વિરાટ પાઠક સાથે થયા જે સાઉદી અરેબિયા માં સ્થાયી હતા. વર્ષ ૨૦૧૨ ની શરૂઆત માં નમ્રતા પણ સાઉદીના અલ-જુબૈઇલ માં પહોંચી ગઈ.
અલ-જુબૈઇલ સાઉદીના પોર્વીય પ્રાંતમાં આવેલું શહેર છે. તે જુના અને નવા શહેર માં વહેચાયેલું છે. ૧૮ અને ૧૯ મી સદીમાં એક નાનકડા માછીમારો ના ગામ તરીકે અસ્તિત્વ ધરાવતું અલ –જુબૈઇલ અત્યારે વિશ્વના સૌથી વધુ ઓઈલ એક્સપોર્ટ કરતા શહેરો માં સ્થાન ધરાવે છે. વિશાળ રણપ્રદેશ ધરાવતા સાઉદીમાં ક્લાઈમેટ બન્ને બાજુ એક્સ્ટ્રીમ હોય છે.ડીસેમ્બરમાં ૧૦ ડીગ્રીથી નીચે ઠંડી અને એપ્રિલમાં ૪૫ ડીગ્રી થી વધુ ગરમી પડે છે……ફુંકાતા તોફાની પવન ને લીધે અલ-જુબૈઇલ ને પવનો નું શહેર પણ કહે છે.
સૌથી પહેલા નમ્રતાને જે પ્રશ્ન થયો એ હતો કમ્યુનીકેશનનો….મહદ અંશે અરબ વસ્તી વાળા આ પ્રદેશમાં ત્રણ પ્રકારની ભાષા મુખ્યત્વે બોલાય છે. હેજાઝી અરેબીક, નઝદી અરેબીક અને ગલ્ફ અરેબીક……લગભગ ૯૦% સુન્ની ઇસ્લામ પંથના ફોલોઅર્સ વાળા આ દેશની ઓફીશીયલ ભાષા જ અરેબીક હોવાથી ક્યારેક તકલીફ પડતી….પણ નમ્રતા કહે છે કે આરબો જેટલા નમ્ર માણસો ભાગ્યે જ જોવા મળે….ખુબ નમ્રતા થી વાત કરવી, સ્ત્રીઓને દરેક જગ્યા એ તકલીફ ન પડે એ માટે પ્રાધાન્ય આપવું, અને દરેક વ્યક્તિને વાતચીતમાં આદર આપવો ….એ એમની તેહઝીબ નો ભાગ છે. ભારતમાં સ્ત્રીઓ સાથે લાઈનમાં આગળ વધવા ઝગડતા કે બસમાં લેડીઝ સીટ પર બેસી જતા પુરુષોની તો ત્યાં કલ્પના પણ ન થઇ શકે……Women are treated like royalty….
પણ આ જ બાબતનું એક જુદું પાસું પણ છે….સાઉદીમાં સ્ત્રીઓને બહાર જતી વખતે…..તે ગમે તે દેશ કે ધર્મની હોય …બુરખા જેવો સમગ્ર શરીર ઢાંકે તેવો પોષાક પહેરવો ફરજીયાત છે. શિક્ષણ અને નર્સિંગ આ બે વ્યવસાયો ને બાદ કરતા સ્ત્રીઓ બહુ ઓછા ક્ષેત્રમાં કામ કરે છે…….સાઉદીમાં ૨૪ ક્ષેત્રોમાં સ્ત્રી કર્મચારી પર પ્રતિબંધ છે. નમ્રતા પાઠક શિક્ષણ ક્ષેત્ર માં પણ કામ ન કરી શકી કેમકે શરીયા લો પ્રમાણે દરેક સ્તરના શિક્ષણમાં ઇસ્લામિક વિચારધારા ભણાવાય છે…..ઘણીવાર વેસ્ટર્ન કન્ટ્રીઝ દ્વારા એવો આરોપ પણ મુકાય છે કે સાઉદીની એજ્યુકેશન સીસ્ટમ વહાબી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.
સાઉદીમાં કેટલાક નિયમો આપણને સખત આઘાત લાગે એવા છે…..
૧- જો કોઈ સ્ત્રી દેશ બહાર પ્રવાસ કરે છે તો તેના પાસપોર્ટ સાથે તેણે ઘરના કોઈ પુરુષ સદસ્ય ની મંજુરી સબમિટ કરવી પડે છે.
૨- મહદઅંશે સ્ત્રીઓ ડ્રાઈવ કરતી નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી નથી….આથી દરેક વખતે સાવ નાની બાબત માટે પણ બીજા પર નિર્ભર રહે છે. જો કે ૨૦૧૧ પછી અનેક સ્ત્રીઓ એ જાહેરમાં ડ્રાઈવ કરવાનું શરુ કરી આ વ્યવસ્થા ને પડકારી છે.
૩- લગભગ તમામ જાહેર સ્થળો….બાગ બગીચા, શોપિંગ મોલ, ઓફીસ અને કેટલાક ઘરો માં પણ સ્ત્રી પુરુષો માટે જુદું પ્રવેશદ્વાર હોય છે….એટલે કે કમ્યુનીકેશન બીટવીન ટુ જેન્ડર્સ મર્યાદિત છે.
આ અને આવું કેટલુય એવું છે જે આપણને ના પચે…અમદાવાદ ની દરેક સોસાયટી માં ઓટલે બેઠેલી ટોળાટપ્પા કરતી લેડીઝ ટોળકી , ભરચક ટ્રાફિકમાં સ્કર્ટ પહેરીને કાર ચલાવતી યુવતીઓ, કંપની ની મેનેજીંગ ડીરેક્ટર ની પોસ્ટ પર બેઠેલી અને અને સો જણા ના સ્ટાફ ને ખખડાવતી બોસ એ આપણે માટે રોજબરોજ નું દ્રશ્ય છે….પણ કલ્પના કરો કે કોઈ દિવસ તમારા વસ્ત્રો અને વ્યવહાર પણ કોઈ સતા નિયંત્રિત કરવા લાગે તો?
નમ્રતા ને થોડો અફસોસ છે…કે એ બહારના ક્ષેત્ર માં કામ ન કરી શકી…..પણ ગયેલા વર્ષોમાં એ આ જુદી સંસ્કૃતિ ની હકારાત્મક બાબતો પણ સમજી છે. એના જ શબ્દો માં મુકું તો “ દીદી….અહી ખુબ કડક કાયદાઓ અને કેપિટલ પનીશમેન્ટ ને લીધે ક્રાઈમ રેટ સાવ નીચો છે. સ્ત્રીઓ સાથે ઉચા અવાજે વાત પણ કોઈ ન કરી શકે…..કોઈ માણસ ને ખોટું કરવું હોય તો સો વાર વિચાર કરે અને સજાના નામ થી ધ્રુજે એવા ભયાનક નિયમો છે અહી દારૂ પર પ્રતિબંધ, ચોરી કરે તો હાથ કાપી નાખે અને છેડતી કરે તો સ્ટોન ડેથ કોની હિંમત છે કે ખોટું કરે?…..દરેક દેશમાં આવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી કાયદો મજાક ન બની જાય.”
નમ્રતા અને એના હસબન્ડ વિરાટ છેલ્લા પાંચ વર્ષમાં આ તદન જુદા વિશ્વના ,જુદી સંસ્કૃતિ ના દેશ માં સરસ સ્થાયી થઇ ગયા છે…ત્યાં એમણે કેટલાક ઇન્ડિયન ગ્રુપ્સ માં જવાનું શરુ કર્યું છે….પોતાના પેરન્ટસ ને પણ અનેકવાર રહેવા બોલાવ્યા છે અને નમ્રતા હવે ત્યાના લોકો સાથે કમ્યુનીકેશન સાવ સહજ રીતે કરી લે છે. ડોમેસ્ટિક હેલ્પ મળી રહે છે, ચીજવસ્તુ જોઈતી હોય તે દુકાનદારો ઘેર મૂકી જાય છે, બહારના કામોની જવાબદારીઓ ફક્ત વિરાટ ની હોય છે…..એટલે આમ જુઓ તો નમ્રતા કિંગસાઈઝ લાઈફ જીવી રહી છે. શુક્રવાર( જુમ્મા) કે જે આ દેશ માટે જાહેર રજાનો દિવસ છે…ત્યારે બંને પતિ-પત્ની ત્યાના અલ-નખીલ કે પામ બીચ પર ફરવા જાય છે કે ત્યાના વિશાળ શોપિંગ મોલ્સ માં જાય છે. રણ અને સમુદ્રનું ડાયવર્સ કોમ્બીનેશન ધરાવતો આ પ્રદેશ હવે નમ્રતાનું ઘર છે. બીમારીમાં , એકલતા માં પહેલા જેટલું ભારત યાદ આવતું ,તેટલું હવે નથી આવતું….કેમકે ત્યાના લોકો પણ મિત્રો બન્યા છે, સુખ-દુખ માં સાથે ઉભા રહે છે. નવરાત્રીમાં સીક્રેટલી થોડું સેલિબ્રેશન આપડા ઇન્ડિયન્સ કરે છે….અને નવા વર્ષના દિવસે ખુબ બધા ફોન પણ આવે છે.
પણ…..બેસતા વર્ષે સબરસ નો અવાજ સંભળાતો નથી, ધૂળેટી ના ટોળાઓ અને ઉડતા રંગ હવે જોવા મળતા નથી……દેશમાં કઝીન ની સગાઇ થાય ત્યારે બધા ભેગા થઈને કેવા તોફાન કરશે એની કલ્પના કરીને સેજ દુખ થાય છે. ને છતાય વિશ્વના સૌથી મોટા ઇસ્લામિક સેન્ટર મક્કા મદીના ના દેશમાં જ્યાં નમ્રતા અઝાનના અવાજ થી ઉઠે છે ત્યાં પણ નવું કામ શરુ કરતી વખતે નમ્રતા બોલે છે….”વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ…”
આ સહઅસ્તિત્વ , સમાયોજન અને એકમેક ની સંસ્કૃતિ માં ભળીને પણ પોતાની પરમ્પરા ટકાવવી એ જ કદાચ ભારત ની મુલગત વિચારધારા છે. So cheers to you namrata and cheers to all Indian women who made their home in far homelands….