બીપ્લોવબાબુ ચેટર્જી પોતાના નામને બહુ નાનપણ થી જ ગંભીરતા થી લેતા. સહેજ સમજણા થયા પછી એમણે ખાદીના કપડા પહેરવા શરુ કરેલા. એમની માને એમના સિદ્ધાંતો માટે અહોભાવ હોય એવું લાગતું નહી. એ આવા જાડા કાપડને ધોવામાં રોજ સાબુ બગડતો અને હાથ દુખતા એટલે બુમો પાડતી. ક્યારેક કોઈક ઉકળાટભરી સાંજે બીપ્લોવબાબુ અગાસીમાં બેસીને સમાજના પુનરુત્થાન વિષે વિચારતા હોય ત્યારે મા આવીને “આજકાલ પેટ સાફ નથી થતું” એની ઢંગધડા વગરની વાત કરવા લાગતી. વાસ્તવમાં એક જ ઘરમાં રહેતા એ બન્ને જીવોનો એકબીજા સાથે કોઈ મેળ નહોતો, આટલા વર્ષે મેળ પડે એવી સંભાવના પણ નહોતી.
બીપ્લોવબાબુ જયારે વીસેક વર્ષના હતા ત્યારે મા એ એક રીતસરનું વહુશોધ આંદોલન આરંભ્યું હતું. દર ત્રીજા દિવસે એ જરા સારી સાડી પહેરીને પાડોશણ સાથે કોઈ ઘેર છોકરી જોવા ઉપડતી. આટલે થી ન અટકતા એ બજારમાં જઈને શંખની ચૂડીમાં સોનું જડવાનો ભાવ પણ જાણી લાવી હતી. અંતે એકદિવસ જયારે બીપ્લોવબાબુ ઘેર આવ્યા અને માને દરજી સાથે તડાકા મારતા જોઈ ત્યારે એમની ધીરજ ખૂટી હતી.. એમણે ડોકી વાંકી કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો “હું વિવાહ કરવાનો નથી, મારે યુગચેતના જગાડવા લેખક બનવું છે”. એ પછી થયેલા કકળાટનું વર્ણન અહીં જરાય આવશ્યક નથી કેમકે માનવીની કોઈકના ઘરમાં થયેલા કકળાટ વિષે કલ્પનાશકતી સતેજ હોય છે.
એ બધું બન્યું એ વાતને આજે છ વર્ષ થયા. આ વર્ષોમાં મા ઉંમરને લીધે કે પછી એકલતાના લીધે થોડી વધુ ઘરડી થઇ ગઈ છે. હા, ઘડપણમાં ય એ બીપ્લોવબાબુને પોતાનાથી બનતો ત્રાસ કરવાનું ચૂકતી નથી. ક્યારેક એ એમની લખવાની પેનો ફેંકી દે છે, તો ક્યારેક ચશ્માં સંતાડી દે છે. જો બીપ્લોવબાબુ ફરિયાદ કરે તો એનો જવાબ હાજર જ હોય છે “ બાબા..વહુ હોય તો બધું સાચવે”. ખબર નહી કેમ પણ મા ના મનમાં બીપ્લોવબાબુ માટે ભારોભાર ખુન્નસ છે. એમણે કુંવારા રહીને એને દાદી બનવાનુ સુખ નથી લેવા દીધું એટલે, લાખ મનાવવા છતાં પેલી ઓફીસ ક્લાર્કની નોકરી નથી કરતા એટલે કે પછી એમની ધડ-માથા વગરની વાતો માને કેમે કરી સમજાતી નથી એટલે……કોઇપણ કારણ હોય પણ એ દિવસમાં ત્રણ ઝગડા નિયમિત કરી જ નાખે છે. બાબાને મોઢામાં ચાંદા પડ્યા હોય તો એ માછ્માં વધુ મરચું નાખી દે છે. બાબો સુતો હોય તો જોર-જોરથી શંખ ફૂંકે છે …હદ તો ત્યાં થાય છે કે ટેબલ પર પડેલા બાબાના લખેલા કાગળોને મા ડોળા કાઢીને એકલી એકલી વઢે છે.
આ બધા વિઘ્નોની વચ્ચે પણ છેલ્લા છ વર્ષથી બીપ્લોવબાબુનું એકધારું તપ એટલે કે લેખન ચાલુ છે. એમણે લગભગ પાંચસો પાનાનું લખાણ કર્યું છે. એના માટે કઈ કેટલાય પુસ્તકો વાચ્યા છે અને દિવસોના દિવસો માથા પર આંગળી મુકીને વિચાર્યું છે. એમનું પુસ્તક પ્રકાશિત થાય એટલે સમગ્ર દેશમાં લોકો સન્માર્ગ પર જવા લાઈનમાં ઉભા રહી જવાના છે એમાં એમને કોઈ શંકા નથી. એમની દુખતી આંગળીઓ અને ચશ્માના વધેલા નંબર એ એમની દેશસેવાની સાબિતી છે.
તો એ દિવસે સવારમાં બીપ્લોવબાબુ ઉઠ્યા અને તૈયાર થઇ ગયા. દિવસોથી વધેલી દાઢી કાઢી અને નહાઈને એક નવા કપડાની જોડ પહેરી. રસોડામાં વાસણ પછાડતી પછાડતી મા કતરાઈને આ બધું જોતી હતી. ટેબલ પર પડેલા કાગળોને ફાઈલમાં મુકતા બીપ્લોવબાબુની આંખ સહેજ ભીની થઇ આવી. રાતોની રાત એમણે લખ્યું હતું. પોતાની ઉંમરના લોકો પરણીને બાપ બની ગયા, રજાઓમાં શેઠ બનીને ફરવા ગયા, સોનાના બટન વાળા કુર્તા પહેરીને રોફ કરવા લાગ્યા…..પણ પોતે કોઈ લાલચને વશ થયા વગર એ જ કર્યું હતું જે સાચું હતું. કોઈકે તો જીવનની દિશા દેખાડવાની હતી. એમને પોતાના ત્યાગ પર ગર્વ હતો.
ટેબલના ડ્રોઅરમાં અનેક ચોપડીઓની વચ્ચે એક કવરમાંથી એમણે ત્રીસ હજાર રૂપિયા કાઢ્યા. પ્રકાશક શશીકાંત મુખર્જીને પુસ્તક છાપવા માટે આ રકમ આપવાની હતી. શશીકાંતે કહેલું “મહાશય આ પુસ્તકની બે હજાર કોપી તો પહેલા દિવસે વેચાઈ જવાની. ઓછામાં ઓછી ત્રણ હજાર કોપી તો છાપવી જ પડે. આપ બસ થોડી મદદ કરો બાકી બે લાખ જેટલા તો હું મારા જ નાખી દેવાનો છું. આ તો જ્ઞાનની સેવા છે” શશીકાંત મુખર્જી અને એમની પ્રકાશન ટીમ બીપ્લોવ બાબુને બહુ ઉપયોગી થયા હતા. વિવેચકને બોલાવીને પ્રસ્તાવના પણ લખાવી આપી હતી. વિવેચક પણ પુસ્તક વાંચીને આભા બની ગયા હતા. બીપ્લોવબાબુના બે હાથ પકડીને એમણે ચૂમી લીધા હતા. આ પ્રશંસા, આ પ્રોત્સાહનને લીધે જ એ ટક્યા હતા.
ત્રીસ હજાર એમના માટે નાની રકમ નહોતી. મા એ વહુ માટે રાખી મુકેલા ઘરેણા કાઢીને આ પૈસા ઉભા કરાયા હતા. બે દિવસ ઘરમાં ખાવાનું નહોતું બન્યું અને આખી શેરીને મફતનું કુરુક્ષેત્ર જોવા મળ્યું હતું. મા ના શ્રાપ, સહપાઠીઓની મશ્કરી, અભાવો….આ બધું પસાર કરીને આજે આ પુસ્તક છપાતા બીપ્લોવબાબુને મોક્ષ મળવાનો હતો. એમનું સાચું જીવન, એમનું યશકાર્ય તો હવે શરુ થવાનું હતું.
રૂપિયા અને લખાણ આપીને, પ્રશંસાના હુફાળા આવરણથી ઘેરાયેલા બીપ્લોવબાબુ નીકળ્યા એની બરાબર સાત મિનીટ પછી એમને ખ્યાલ આવ્યો હતો કે એમના ચશ્માં તો ત્યાં જ ભૂલી ગયા. એ ઉતાવળે પગલે પ્રકાશન ઓફીસ પહોચ્યા અને એમણે એ સાંભળ્યું હતું જે એમના સાંભળવા માટે નહોતું. વિવેચક અટ્ટહાસ્ય કરીને કહેતા હતા “ગધેડો છે. ફાલતું લખે છે અને એને મહાન બની જવું છે. કોણ વાંચે આવું વેદીયું, ચવાયેલું લખાણ?” શશીકાંતનો અવાજ આવ્યો હતો “ તમે તમારું કરો…તમને દસ હજાર મળી ગયા ને? હું એની પચાસ કોપી છાપીશ અને સરકારી લાયબ્રેરીમાં મોકલી આપીશ. સાલું આજકાલ વાંચે છે કોણ? કબાટમાં ધૂળ જ ખાવાની ને ?” એનો મેનેજર થોડા પાનાં ઉચા કરીને પાન ચાવતો ચાવતો બોલેલો “ સાહેબ, એક કોપી મને આપજો …ભારે છે તે છોકરા ધીબેડવા કામ લાગશે.” પછી ઠઠ્ઠા-મશ્કરી અને હો-હા…..
બીપ્લોવબાબુ તીવ્ર વેગે ત્યાંથી નીકળી ગયેલા. એ અંદર જઈ શક્યા હોત, ઝગડી શક્યા હોત…પણ એક ઊંડી શરમ, ચીતરી ચડે એવી ધ્રુણા જાણે એમને ઘેરી વળી. કદાચ એ કોઈ બીજાને નહી પણ પોતાને પણ મળવાની હિંમત ગુમાવી બેઠા હોય એમ એમના પગ ધ્રુજતા હતા. એ પરસેવે રેબઝેબ ચાલતા રહ્યા…જેને ક્યાંય ન જવાનું હોય એ ચાલે એમ.
ખાસ્સી મોડી સાંજે બીપ્લોવબાબુ ઘેર આવ્યા ત્યારે ઘરનું બારણું અધખુલ્લું હતું. અંદર ચોકમાં ખાટલો નાખીને મા આડી પડી હતી. આખા દિવસના ગરમીના ઉકળાટ પછી રાતે સહેજ ઠંડક થતા એની આંખ મળી ગઈ હતી. આજુબાજુના મકાનોમાંથી આવતા કામકાજી અવાજો સિવાય બીપ્લોવબાબુના ઘરમાં સુનકાર હતો. આજે વર્ષો પછી એમણે ચશ્માં વિનાની આંખે ઘરને અને માને ધ્યાન થી જોયા. દીવાલોનું ઉખડેલું પ્લાસ્ટર, ભેજની ગંધ…અને એમાં સુતેલી એમની ઝગડાળું મા. એ ખાટલા પાસે ગયા અને હળવે થી બેઠા. મા ના પાતળા સુક્કી ચામડી વાળા પગમાં ચીરા પડેલા હતા અને એણે હળદરના લેપ જેવું કંઈ લગાવ્યું હતું. સાડીનો એક છેડો જરા ઝળી ગયો હતો.
કોઈક અવાજ થી મા જાગી ત્યારે બીપ્લોવબાબુને બેઠેલા જોઇને સહેજ નવાઈ પામી. પછી એમનો ચહેરો જોઇને મોઢું કટાણું કરીને પૂછ્યું “ખોઈ નાખ્યા ચશ્માં? કરી આવ્યો નુકસાન?” બીપ્લોવબાબુએ આંખો ઊંચી કરીને માને કહ્યું “ હવે લખવાના ચશ્માંની જરૂર નથી….કાલથી નીરજ્દાની દુકાને બેસવાનો છું”
થોડી ક્ષણો શાંતિ પથરાઈ ગઈ….અને પછી મા ભારે અવાજે બોલી “બાબા, તેં સરસ લખ્યું છે. મેં વાંચ્યું. મને બહુ ગમ્યું ભાઈ”