વોર્મ હાર્ટ ઓફ આફ્રિકા

વોર્મ હાર્ટ ઓફ આફ્રિકા

ભારતમાં હું કોલેજના છ વર્ષ હોસ્ટેલમાં રહેલી, અને લગ્ન પછી ૧ જ મહિનામાં પારકા દેશમાં ઘર વસાવવાનું આવ્યું. એક તો ઘર માટે શું સામાન જોઈએ એ ખબર નહી ને પાછું દેશી વસ્તુઓનું અંગ્રેજી નામ ન આવડે……સાણસી, લોઢી,ધોકો….એને english માં શું કહેવાય?”

પ્રીયાંગી પુજારા આફ્રિકાના દક્ષિણપૂર્વમાં આવેલા મલાવી નામના ટચુકડા દેશમાં છેલ્લા બારેક વર્ષ થી રહે છે. ચોથા વિશ્વના ( અલ્પવિકસિત ) દેશોમાંનો એક મલાવી અતિ વિકાસના સારા અને ખરાબ બન્ને પાસા થી થોડો વણસ્પર્શ્યો રહેલો પ્રદેશ છે. Warm heart of Africa નાં નામથી ઓળખાતા મલાવીમાં આર્થિક પ્રગતિ ઓછી પણ હરિયાળી અને કુદરતી સૌન્દર્ય ભારોભાર છે. ઊંચા વ્રુક્ષો, ચાના બગીચા, પહાડો….અને કોઈ હિલસ્ટેશન જેવી ખુશનુમા હવા. વરસાદ પણ ધોધમાર વરસે છે. લગ્ન પછી તરત જ અહી આવેલી પ્રીયાંગી વાતાવરણ ને જોઈ ખુબ ખુશ થયેલી.પણ નવી જગ્યાના સંઘર્ષ પણ નવા હોય છે. મૂળ થી ઉખડીને બીજે રોપાવું એ કોઈ સહેલી પ્રક્રિયા નથી.

પોતાનું નવું ઘર ઉભું કરવાની મથામણમાં પડેલી પ્રીયાંગી માટે શરૂઆતમાં જ એક મોટી મુસીબત ઉભી થઇ. લગ્નના એક જ અઠવાડિયા પહેલા તેના પતિને ulcerative colitis ની બીમારી થઇ. આ આંતરડાને લગતી ગંભીર બીમારી ખુબ લાંબી અને ધીરજપૂર્વકની સારવાર માંગી લે છે. મલાવીમાં તબીબી સેવાઓ ભારત જેટલી વિકસિત કે વિશ્વાસપાત્ર નથી. પરિણામે ત્રણ વર્ષ સુધી તેમને ભારત થી સારવાર અંગે સૂચનો અને દવાઓ મંગાવવા પડતા. એ સમગ્ર સમય કે જયારે તેના પતી બીમાર હતા….પ્રીયાંગીને સતત ગભરામણ રહેતી. મેટ્રો સીટીમાં થી પરણીને કોઈ અંતરિયાળ ગામમાં સાસરે ગઈ હોય એવું લાગતું એને. વળી બે માણસ સિવાય કોઈ પોતાનું નહિ.

આવો જ બીજો સમય હતો તેની દીકરીના જન્મ પછીનો. ખુબ જ કાળજી માંગી લેતું demanding બચ્ચું, રાતોના ઉજાગરા, ઘરની જવાબદારીઓ અને એકલતા. પ્રીયાંગીને એવા દિવસો પણ યાદ છે જ્યારે એ બાથરૂમમાં કે ટોયલેટમાં દીકરીને ખોળામાં રાખીને ગઈ હોય. માતૃત્વના એ શરૂઆતના વર્ષો હજી આજેય યાદ આવે તો એ ધ્રુજી જાય છે. પણ સમય વીત્યો અને બાળક મોટું થવાની સાથે તેના સંજોગો પણ બદલાયા. આજે જ્યારે તેની દીકરીને ભારતીય-આફ્રિકન-પાકિસ્તાની જુદા-જુદા રંગ અને ભાષાના બાળકો સાથે તે રમતી જોવે છે ત્યારે તે અનુભવે છે “ we are all different children of one god.”

મલાવીની ભાતીગળ પ્રજા માટે આ સાચું પણ છે. આફ્રિકા ખંડના આ નાનકડા દેશનો મૂળ ધર્મ ક્રિશ્ચ્યાનીટી છે. એક અંદાજ પ્રમાણે લગભગ ૬૫% લોકો ક્રીશચન છે. એ પછી આવે છે ૨૫% જેટલા મુસ્લીમ્સ અને બાકી અન્ય ધર્મોની વસ્તી છે. અનેક તહેવારો ઉજવતા આ દેશનો એક અગત્યનો ઉત્સવ છે ‘લેક ઓફ સ્ટાર ફેસ્ટીવલ’. એ સમયે લેક મલાવીના કિનારા પર અનેક દેશોના મ્યુઝીક બેન્ડ્સ અને પરફોર્મરસ આવે છે અને રાતો ઝળાહળા રોશની થી રંગીન બની જાય છે. આ ઉત્સવ સપ્ટેંબર ૨૫ થી ૨૭ ઉજવવામાં આવે છે. દેશ વિદેશ થી પ્રવાસીઓ આ દિવસોમાં અહી આવે છે. આ જ રીતે નવા વર્ષને પણ પુરા જોશ થી વધાવવામાં આવે છે. ૬ જુલાઈ મલાવીનો સ્વતંત્રતા દિવસ છે જેની જોરશોર થી ઉજવણી થાય છે. આ તો થયા સ્થાનિક ઉત્સવો ,પણ આપણા ભારતીયો પણ દિવાળી, નવરાત્રી, રક્ષાબંધન જેવા પ્રસંગે સામુહિક ઉજવણીઓ કરે જ છે. ઘણા કુટુંબો તો અનેક પેઢીઓ થી ત્યાં વસેલા છે અને મલાવી જ તેમનું ઘર છે.

મલાવીમાં અહીંથી માઈગ્રેટ થયેલા, શિક્ષિત અને કેળવાયેલા લોકો સંપન્ન જીવન જીવે છે. કંપની તરફથી ફર્નિશ્ડ ઘર, કાર અને અનેક બેનીફીટ્સ મળે છે. શ્રમ સસ્તો હોવાથી મેઈડ , કુક, નેની, માળી, ડ્રાઈવર…….વગેરેની સગવડ મળી રહે છે. પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓને ભાગે શરૂઆતમાં જે હાડમારી આવે છે, તેવું અહી નથી. ઉલટું they live a king size life. એમની આટલી બધી સગવડો ને લીધે ત્યાંની સ્થાનિક પ્રજા ઘણીવાર અન્યાય અનુભવે છે.

માઈગ્રન્ટસનું જીવન સુવીધાભર્યું છે …….અને એટલે જ અમુક અંશે અસુરક્ષિત છે. મલાવીના સ્થાનિક લોકો મોટા ભાગે વધુ ભણેલા કે સક્ષમ નથી. માઈગ્રેટ થયેલા લોકોને વધુ તકો હોવાથી તેમના પ્રત્યે એક દબાયેલો આક્રોશ કે અણગમો છે. ક્યારેક છૂટીછવાઈ હુમલાની ઘટના પણ બની છે જે અજંપા નું કારણ છે. આવી જ કોઈ અસુરક્ષીતતાને કારણે ત્યાં વસતા ઉચ્ચવર્ગના આપણા ભારતીયો પોતાના બાળકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લગભગ નથી મોકલતા. બીજી તરફ બાળકો માટે કિડ્સ ઝોન, સર્કસ, મેજિક પાર્ક વગેરે પણ વધુ નથી…….આનું પરિણામ એ આવે છે કે બાળકનું એક્સપોઝર ઓછું રહે છે. એનું વ્યવહારુ જ્ઞાન ઓછું હોય છે. એક માં તરીકે પ્રીયાંગીને લાગે છે કે મલાવીમાં મોટા થયેલા બાળકને ભારતમાં કોઈ સહેલાઇ થી મુર્ખ બનાવી શકે. ( જો કે મને લાગે છે કે ક્યાંય પણ મોટા થયેલા બાળકને ભારતમાં કોઈ …….i think you can hear me laughing.)

મલાવીમાં માઈગ્રેટ થયેલા ઉચ્ચશિક્ષિત લોકોને લીધે ત્યાની ખાનગી શાળાઓમાં ઈંગ્લીશનું સ્તર ખુબ ઊંચું છે. ત્યાની ઓફીશીયલ ભાષા જ ઈંગ્લીશ છે. અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. થયેલી અને ભણવામાં અત્યંત તેજસ્વી (બે ગોલ્ડમેડલ) પ્રીયાંગીને જ્યારે કે.જી. ની ટીચર તરીકે એમ કહીને રીજેક્ટ કરવામાં આવી કે તમારું english નબળું છે, અને એડમિનિસ્ટ્રેટીવ જોબ ઓફર કરવામાં આવી ત્યારે તેનું મન ભાંગી ગયેલું. થોડા સમય માટે તો તે આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી. પણ આપણી ભારતીય દીકરીઓને કોઈ પણ સ્થિતિમાં કેડી કંડારવાનું, અંધકારમાં રસ્તો શોધી લેવાનું ગળથૂથીમાં જ શીખવાડાય છે. પ્રીયાંગી એ તેને ઓફર થયેલી નોકરી સ્વીકારી લીધી અને મહેનત ચાલુ રાખી. ક્યારેક એને પ્રશ્ન થતો કે એની તેજસ્વી શિક્ષણયાત્રાનું કોઈ મહત્વ હતું ખરું? જોકે આજે એ પ્રશ્નનો જવાબ પ્રીયાંગી જાણે છે. આજે એ એક ઇન્ટરનેશનલ સ્કુલની હેડ છે. તદન અજાણ્યા લોકોની વચ્ચે ટકી રહેવાનો સ્પીરીટ એને ભારતના શિક્ષણે આપ્યો છે. શિક્ષણ એ કોઈ ભાષા પરનું પ્રભુત્વ નહી પણ વ્યક્તિની આંતરશક્તિનો વિજય છે એ તેને સમજાયું છે.

વર્ષો વીત્યા છે અને આજે પ્રીયાંગીનું જીવન શાંત અને સુખી છે. જીવનનું ઝરણું અનેક અવરોધો પાર કરીને હવે સમથળ રસ્તા પર શાંત ગતિથી વહી રહ્યું છે. એના પોતાના શબ્દોમાં મુકું તો “આ દેશમાં આટલા વર્ષ રહ્યા પછી મને લાગે છે કે બહુ વિકાસ, ટેકનોલોજીનો અતિરેક , સતત ક્યાંક પહોચવા માટેની દોડ …..એના કરતા આ મોટા મેદાનો અને સાદા લોકો વાળો પ્રદેશ વધુ સારો છે. હા અહીં 6-D થીયેટર નથી, શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી પણ હું બારી પાસે બેસીને મારા છોડ જોઈ શકું એટલો સમય જરૂર છે.“

Our own Malawi, this land so fair.

Fertile, brave and free

With its lakes, refreshing mountain air

How greatly blessed are we.

Recent Comments

Leave a Comment