‘મારુ પિયર પાકિસ્તાન…..’
હું ભારતમાં જ જન્મેલી પણ આજે એ શહેર પાકિસ્તાનનો ભાગ બની ગયું છે. કરાંચીમાં અમે ઈશ્વરદાસની ગલીમાં રહેતા. ત્યાં હું અને મારી બહેનપણી સરસ્વતી ઓટલા પર પાંચીકા રમતા અને જોર જોર થી ગીતો ગાતા….હજી આજે ય આંખ બંધ કરુ તો એ ઓટલાનો પથ્થર અને તડકામાં ચમકતા પાંચીકા જોઈ શકું છું….”
૯૧ વર્ષના સવીતાબાની ઊંડી ઉતરી ગયેલી ઝાંખી આંખોમાં જુના દિવસો ચમકતા દેખાય છે. એમને ઘણું આજકાલમાં બન્યું હોય એ પણ યાદ નથી રહેતું પણ દાયકાઓ જુના દિવસો એમની સ્મૃતિમાં અકબંધ છે….કદાચ જે ખોવાઈ જાય છે એને માણસ પોતાની ભીતર જોરથી સાચવી રાખતો હશે…
૧૯૨૫ માં કરાંચીના એક મહોલ્લામાં સવિતાબાનો જન્મ થયેલો. સાત ભાઈ-બહેનના બહોળા પરિવારમાં જન્મેલા સવીતાબાના પિતાજી કરાંચી મ્યુંન્સીપાલીટીમાં ક્લાર્ક હતા. આજથી 100 વર્ષ પહેલા એમણે બધી દીકરીઓને સ્કુલમાં ભણાવેલી એ નાગર સમાજની પ્રોગ્રેસીવ વિચારધારા સૂચવે છે. એ જમાનામાં સવીતાબા જે સ્કુલમાં ભણતા ત્યાં કો-એજ્યુકેશન હતું અને પારસી શિક્ષિકાઓ ભણાવવા આવતી. પાંચ ધોરણ પછી ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકોને અંગ્રેજી શીખવવામાં આવતું. આ એ સમયની વાત છે જયારે મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક ટ્રામો અને ઘોડાગાડીઓ દોડતી, લોકો થાળીવાજા (ગ્રામોફોન) પર ગીતો સાંભળતા અને સ્ટેશનો પર હિંદુ પાણી અને મુસ્લિમ પાણી જુદુ વેચાતું.
મેં સવીતાબાને પૂછ્યું કે એમને ભારતીયોની આઝાદીની ચળવળ કે બ્રિટીશ સતા વિષે એ દિવસોમાં ખબર હતી? તો એમણે જવાબ આપ્યો…… “એ સમયમાં ટેલીવિઝન નહી, પ્રચાર પ્રસારના માધ્યમ નહી, ફોન પણ ખુબ શ્રીમંતોના ઘરમાં જ હોય…એટલે અમારું નાનપણ બહુ લાંબુ ચાલતું. થોડીઘણી ખબર હતી….પણ આજના લોકો જેટલા વેલ- ઇન્ફોર્મડ અમે નહોતા. અમે તો રવિવારે ઘર થી થોડે દુર શક્કરબાગ ફરવા જતા, ગોરોમાં પંચદેવના મંદિરે જતા અને રજાઓમાં સિંધમાં જ મલીર નામના ગામે અમારું મોસાળ હતું…ત્યાં રહેવા જતા. સાવ સાદું, સરળ જીવન હતું અમારું…..હા ક્યારેક યુવાનોની સભાઓ જોતા કે સ્કુલમાં ગાંધીજી નું નામ સાંભળેલું પણ એથી વધુ કાઈ જ નહી.”
આજનું કરાંચી પાકિસ્તાનનું સૌથી મોટું અને વિશ્વનું સાતમાં નંબરનું શહેર છે.સિંધ પ્રોવિનન્સમાં આવેલું આ શહેર અરબ સમુદ્રના કાંઠે વસેલું છે. સમગ્ર પાકિસ્તાનની ૨૦% જી.ડી.પી. આ શહેર આપે છે અને તેને દેશના સૌથી સેક્યુલર અને લિબ્રલ સીટી તરીકે ઓળખવામાં આવે છે.વાસ્તવમાં ૧૭૩૦ ની આસપાસ કોલાચી નામનું એક ગામ સિંધમાં હતું જે આગળ જતા આજનું મેટ્રો સીટી કરાંચી બની ગયું. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે કરાચીની વસ્તી ચાર લાખ હતી જે આજે લગભગ અઢી કરોડ જેટલી છે. પાર્ટીશન વખતે અને અન્ય ઇસ્લામિક દેશોના યુધ્ધો વખતે લાખો લોકો હિજરત કરીને આ શહેરમાં આવી વસ્યા છે……પણ આ બધી તો બહુ પછીની વાતો છે. સવીતાબા જે કરાચીને ઓળખતા એ જુદું જ હતું.
એ સમયમાં સદર , રતન તળાવ અને ગાડીખાતા નામે વિસ્તારો હતા…જ્યાં હિંદુ વસ્તી સૌથી વધુ હતી. દિવાળીમાં દારૂખાનું ફોડવા કે બળેવમાં જનોઈ અને લાડુ જમણ માટે ચોકમાં બધા ભેગા થતા. ઇન ફેક્ટ……સવીતાબાના લગ્ન પણ એમની બે બહેનોના લગ્ન સાથે જ કરાયેલા, જેથી એક સાથે પ્રસંગ ઉજવી શકાય. ત્રણ જાન આવેલી અને મહિનો રોકાયેલી ..(ઓહ માય ગોડ) પણ એ સમયમાં જાનમાં મર્યાદિત લોકો જ આવતા. છેક સાવરકુંડલા થી જાન ગયેલી એટલે કરાચી ફરવા માટે મહિનો રોકાઈ ગયેલા.આપણા આજના બે દિવસની ધામધૂમ કરતા તે સમયના લગ્ન જુદા હતા. સવીતાબા કહે છે “ મહિના પહેલાથી રોજ રાતે બૈરા ભેગા થઈને લગનગીતો ગાતા, આંગણામાં વડી,પાપડ મુકાતા અને પુરુષો લાડુ બનાવતા. આનંદ ખરો પણ ખોટો દેખાડો નહી.સમુહમાં ગાદલા પાથરીને બધા સુઈ જાય ને પડિયામાં ફળફળતી દાળ સાથે ભાત ખાઈને ય ચલાવી લે.”
તો ૧૯૪૩ માં ૧૮ વર્ષની ઉમ્મરે લગ્ન કરીને સવીતાબા સાવરકુંડલા આવ્યા. પહેલા આણે સીમંત કરીને પાછા કરાંચી ગયા. દીકરી જન્મી…એનું નામ પાડ્યું ઉષા…કરાચીમાં સૂર્યોદય ખુબ વહેલો થાય. એ જ સમયે જન્મેલી દીકરીનું નામ ઉષા. એ પછી એમનું બીજું સંતાન પણ કરાંચીમાં જ જન્મ્યું. છેલ્લે ૧૯૪૬ માં પિયર જઈને સવીતાબા પાછા આવેલા. ૧૯૪૭ માં ભારત આઝાદ થયું અને પાકિસ્તાનને જુદું અસ્તિત્વ અપાયું….કોમી રમખાણો ફાટી નીકળ્યા અને લાખો લોકો પોતાનું વતન,ઘર છોડીને હિજરત કરી ગયા. સવીતાબાના પિતા રણછોડલાલ ભટ્ટ પણ રાતોરાત બધું છોડીને કુટુંબ સાથે ભારત ચાલ્યા આવ્યા. એ ઘર, નોકરી,સામાન…કશું જ ન રહ્યું.પહેલા વઢવાણ રહ્યા અને પછી ભાવનગરમાં જ્યાં એમના નાતીલા ઘરો હતા ત્યાં સ્થાયી થયા. કેટલાક વર્ષો પછી એ કુટુંબનું જીવન સ્થિર થયું પણ મૂળમાં થી ઉખડીને ફરી બીજી જમીનમાં રોપાવું સહેલું નથી હોતું. થોડા વર્ષો પછી સવીતાબાના પિતાએ સન્યાસ લઇ લીધો અને જીવનના અંત સુધી એ આધ્યાત્મ માર્ગ પર જ રહ્યા.
એ પછી સવીતાબા ક્યારેય કરાંચી ગયા નથી. જ્યાં બહેનપણી સાથે રમતો રમેલા, જે સ્કુલમાં ભણેલા, જે આંગણામાં એમની વિદાય થયેલી અને જે ઘેર એમના બાળકો જન્મેલા….એ અચાનક એક દિવસ કોઈ બીજો દેશ બની જશે…એવું તો એમણે ક્યારેય નહી વિચારેલું. ઘણા વર્ષો સુધી એ પાડોશીઓને,સંબંધીઓને અને નામ વિનાના જાણીતા ચહેરાઓને સંભારતા રહેલા. ક્યાં ગયા હશે એ બધા? શું હજી એ મહોલ્લામાં કોઈ એમને ઓળખતું હશે?શું એ પારસી બાનુઓ વાળી સ્કુલના કોઈ જુના મસ્ટરમાં એમનું નામ હશે? પણ એ બધા પ્રશ્નોના જવાબો સમયની ધૂળમાં ક્યાંક દટાઈ ગયા છે. એ શહેર,એ પિયર ખોવાઈ ગયું છે.
આજે જયારે ન્યુઝમાં પાકિસ્તાન સાથેના યુધ્ધના સમાચાર આવે છે કે યુવાન વયના લોકો પોલીટીકલ ચર્ચાઓમાં ઉશ્કેરાઈ જાય છે……..ત્યારે સવીતાબાની જૂની આંખોમાં એક દુર દેશમાં સંતાયેલું ઘર દેખાય છે અને એ હસીને કહે છે “ એય છોકરાઓ…પાકિસ્તાન તો મારું પિયર છે.” એ જાણે છે કે બાળકોને એ નહી સમજાય કે આ બન્ને દેશોની આગલી પેઢીઓનો ઈતિહાસ અને વેદનાબોધ એક જ છે. એમના ગીતો, રમતો અને વહેવારો એક જ જમીનમાં થી જન્મ્યા છે. એમને નહી સમજાય કે એવો પણ એક ઈતિહાસ છે, જે આ બન્ને દેશના બાળકો પાઠ્યપુસ્તકમાં નથી ભણ્યા….
ઉસ ઘર કી ખિડકી સે સુનેહરી ધૂપ આતી થી,આંગન મેં સારી ઓરતે સરસો સુખાતી થી…
સરહદ કે ઉસ પાર હમને બચપન બિતાયા થા, લોઢી કે ત્યોહાર પે ઢોલ બજાયા થા….
ઉસી પુરાને ઘરમેં જાને કા અરમાન હેં…
પર લોગ કહેતે હેં, કી અબ વો પાકિસ્તાન હેં….
Deepak Shah
October 30, 2020 - 10:25 pm ·“બન્ને દેશોની આગલી પેઢીઓનો ઈતિહાસ અને વેદનાબોધ એક જ છે.”….સ્પર્શી ગયું! ખુબ સરસ..
Dina Raichura
May 15, 2021 - 5:29 pm ·બહુ જ સરસ લખ્યું… મારું નનિહાલ પણ કરાચીમાં જ કહેવાય. નાની પાસેથી સાંભળેલી ઘણી વાતો સ્મૃતિમાં અકબંધ છે. આ વાંચીને થાય છે કે મમ્મી જે 80 વર્ષના છે એમની પાસેથી બધું જાણીને લખી લઉં.. હવે આ પેઢી ઇતિહાસ બનવાને આરે છે.
આ વાંચીને મારી જાતને રોકી ન શકી એટલે લખ્યું.