‘મલેશિયા’

‘મલેશિયા’

ઘર સે નીકલે તો હો સોચો કી કિધર જાઓગે….હર તરફ તેઝ હવાએ હે, બિખર જાઓગે…..

હર નયે શહેર મેં કુછ રાત કડી હોતી હે, છત સે દીવાર જુદા હોગી તો ડર જાઓગે………

જાવેદ અખ્તર

આજ જે વાત કરવાની છે એ જરા જુદી છે. આમ જુઓ તો આજે પણ એક નવા દેશની જ વાત કરવી છે પણ આજે અનુભવનો પ્રકાર સહેજ ડિફરન્ટ છે. આ પહેલા જે અનુભવો શેર કર્યા એ પરણીને વિદેશમાં સ્થાયી થયેલી યુવતીઓના હતા, પણ આજે પોતાનો રસ્તો શોધવા, કમાવા… એકલી નવા દેશમાં જઈ પહોચેલી એક છોકરીની વાત કરવી છે. દેવાંગી પંડ્યા કાઠીયાવાડના એક સાવ નાના ગામની છોકરી છે. એ સતર વર્ષની હતી અને એના પિતા મૃત્યુ પામ્યા. કોઇપણ સ્થાવર સંપતિ કે બચત વિના એ અને એની સાવ ઓછું ભણેલી મમ્મી જાણે એક દિશાહીન અંધકારમાં સ્થિર થઇ ગયા. એક રૂપિયાની પણ આવક ન હોય અને કાલ મોઢું ફાડીને ઉભી હોય ત્યારે કઈ પરિસ્થિતિ થાય?. હજી તો દેવાંગીને કોલેજ કરવાની હતી, કરીઅર બનાવવી હતી, મમ્મીને એક સુરક્ષીત ઘડપણ આપવું હતું………પણ સ્કુલ પૂરી કરી ત્યાં તો એને કમાવાની ચિંતા કરવી પડે એવી સ્થિતિ થઇ.

૨૦ વર્ષની ઉંમરે માં ને ગામડે દાદી પાસે મૂકી અને દેવાંગી અમદાવાદ કામ શોધવા આવી. એક નાનકડી રૂમ રાખી અને કોલસેન્ટરમાં નોકરી શરુ કરી. એ પછીનો સાત વર્ષનો ઈતિહાસ નરી મહેનત અને સંઘર્ષનો છે. દિવસે નોકરી કરવી, સાંજે કાચું પાકું રાંધીને ખાઈ લેવું અને રાતે કપડા ધોઈને સૂકવવા. મહિનાના અંતે ગામડે પૈસા મોકલવા. વર્ષ ૨૦૧૨ માં એણે એક મલેશિયન કંપનીની જાહેરાત જોઈ, અને ઓનલાઈન એપ્લાય કર્યું. અનુભવના આધારે એ સિલેક્ટ થઇ અને ૨૦૧૩ ની શરૂઆતમાં એ એકલી એક નવા સાહસ માટે મલેશિયા જતા પ્લેનમાં બેઠી…..ત્યારે એ શું અનુભવતી હતી એ શબ્દોમાં ન સમાવી શકાય તેવું છે. પતિ સાથે, ઘરવખરી અને મૂડી લઈને જતી છોકરીઓને આખું કુટુંબ વળાવવા આવે છે, સામાન સગાવ્હાલાની ભેટો થી ભરાઈ જાય છે, ત્યાં પહોચી ને ખાવાના ચટણી-અથાણા પણ સાથે હોય છે. દેવાંગી એરપોર્ટની વેઈટીંગ લોન્જમાં પોતાની એક બેગ સાથે એકલી બેસીને વિચારતી હતી કે ત્યાં પહોચીને મહિનો ચાલે એટલા જ પૈસા છે.

મલેશિયામાં પીન્હાંગમાં દેવાંગી કંપનીમાં હાજર થઇ અને એક ઇન્ડિયન ફેમીલી સાથે રહેવાની વ્યવસ્થા કરી. પંદર દિવસ તો બધું બરાબર ચાલ્યું. પણ એક રાત્રે એ પતિ-પત્ની આવીને એની પાસે બે મહિનાનું એડ્વાન્સ ભાડું માંગવા લાગ્યા. બંને ચિક્કાર નશામાં હતા. દેવાંગી એ ખુબ સમજાવ્યું કે એની પાસે પૈસા નથી. એમ પણ કહ્યું કે શરત પ્રમાણે આવતા મહીને આપી દેશે….પણ એ લોકો અભાન જેવી અવસ્થામાં હતા. રાત્રે ત્રણ વાગે એમણે દેવાંગીની બેગ અને લટકતા કપડા રસ્તા પર ફેકી દીધા. સુન્ન થઇ ગયેલી દેવાંગી અડધી રાત્રે પોતાની પંદર દિવસની ઓળખાણવાળી કલીગને ત્યાં ગઈ અને ખુબ રડી. આ અનુભવ જ ગાત્રો થીજાવી દે અને માણસનું મોરલ તોડી નાખે……પણ જે વ્યક્તિ પાસે વિકલ્પો ન હોય તેણે મજબુત થવું જ પડે છે.

બીજા દિવસે પોતાની કલીગની જ મદદ થી એણે ત્યાંના એક સ્થાનિક ફેમીલી સાથે રહેવાની વ્યવસ્થા કરી…અને એ ફેમીલી સાથે એ સરસ સેટ થઇ ગઈ. મલેશિયામાં અનેક કુટુંબો આવા કામ કરવા આવતા યુવાન, યુવતીઓને પોતાના ઘરમાં એક રૂમ આપે છે. પેઈંગગેસ્ટ જેવી જ આ વ્યવસ્થા છે, જો કે આમાં જમવાનો સમાવેશ નથી થતો. મોટા ભાગે એ પોતાનું જાતે રાંધી લેતી કે પછી રસ્તા પર મળતું ફાસ્ટ ફૂડ ખાઈ લેતી. પૈસાની તંગીને કારણે મહદઅંશે ભાત કે ખાલી રોટલી શાક જ બનાવતી. કંપનીમાં એને ૧૨૦૦ રીંગીટનો પગાર મળતો જે એક સારું જીવનધોરણ મેઈન્ટેન કરવા ઓછો ગણાય. ઘણા દિવસો એવું પણ બન્યું કે મહિનાના અંતમાં એની પાસે જમવાના કે ઘરે ફોન કરવાના પણ પૈસા ન રહ્યા હોય. આવા સમયે એને સૌથી વધુ મદદ કરી એક પાકિસ્તાની રેસ્ટોરન્ટ ‘અલ શમીમ’ ના સ્ટાફે. એક પાઈ પણ ન હોય અને આખા દિવસની ભૂખી હોય ત્યારે અલ શમીમે એને ઉધાર જમાડી છે, કેટલીકવાર મફત ફોન કરવા દીધો છે. ખરાબ દિવસોમાં પોતાને ટકાવી રાખનાર એ લોકોને દેવાંગી હજી આજે પણ કૃતજ્ઞતા થી યાદ કરે છે. એ દ્રઠપણે માને છે કે પોતાના અને પારકા એ બહુ સાપેક્ષ શબ્દો છે.

મલેશિયામાં લગભગ ૬૦% જેટલી વસ્તી મુસ્લિમ છે, જે સુન્ની ઇસ્લામ પંથના લોકો છે. આથી જ ત્યાં ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-અદા, મોહમ્મદ પેગંબરની સાલગિરાહ …..વગેરે તહેવારો મોટા પાયે ઉજવવામાં આવે છે. જો કે દેવાંગી કહે છે કે પીન્હાંગની પાસે જ એક લીટલ ઇન્ડીયા નામનો વિસ્તાર છે, જ્યાં દીપાવલી ખુબ ધામધૂમ થી મનાવાય છે. લીટલ ઇન્ડીયામાં ભારતીય મસાલાઓની દુકાનો, ભારતીય રેસ્ટોરાં, મંદિરો વગેરે આવેલું છે. મલેશિયામાં ભારતીય લોકો ને કેરાલિયન તરીકે ઘણીવાર સંબોધવામાં આવે છે, કેમકે કેરાલિયન કમ્યુનીટી ત્યાં સૌથી વધારે છે. મલેશિયાના સ્થાનિક લોકો પછી ત્યાં સૌથી વધુ ચીની અને ભારતીયો જ છે. બોદ્ધ સંપ્રદાય પણ ત્યાં ઘણા લોકો પાળે છે.

દેવાંગી એ ત્યાની ભાષા વિષે સરસ વાત કરી. ત્યાની મૂળભૂત ભાષા મલય છે જેના ઘણા બધા શબ્દો તમિલ અથવા સંસ્કૃત જેવા લાગે છે. ઓફિશિઅલ ભાષા ઈંગ્લીશ છે……પણ સામાન્ય વ્યવહારમાં ઈંગ્લીશ જે રીતે બોલાય છે, તે જ રીતે લખાય છે. જેમકે બસ નો સ્પેલિંગ ‘ bus’ ને બદલે ‘bas’ લખાય છે. આ પ્રકારની ભાષાને manglish તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મલય ઇન્ફ્લુંસ વધુ છે. બાકી ફોર્મલ વ્યવહારોમાં બ્રિટીશ ઈંગ્લીશનો ઉપયોગ થાય છે.

ઓફિસમાં દેવાન્ગીને એક પાયાનો પ્રશ્ન એ નડતો કે મલેશિયામાં કોઈ ફોન પર કામ સંદર્ભિત વાત કરતુ નથી, બધ્ધે ઈમેઈલનું જ ચલણ છે. દેવાંગીનું કામ એચ.આર.નું હોવાથી એ રોજ સંપર્ક કરવા પ્રયત્ન કરતી. પણ ફોન પર સામાન્ય વેપારી કે ક્લાર્ક સુધ્ધા વાત ન કરે અને ઈમેઈલનો ઝડપી જવાબ ન મોકલે. આમ જુઓ તો આ સાહજિક છે કે ઓફીશીયલ વાત ફોન પર ન જ થાય પણ ભારતમાં હજી આટલું પ્યોર પ્રોફેશનાલિઝમ નથી. રજા મુકવા, મોડા આવવા, ભલામણો કરવા, ચર્ચા કરવા અને ક્યારેક અગત્યના નિર્ણય લેવા પણ ફોન વપરાય છે. એ રીતે મલેશિયાનું વર્ક કલ્ચર વિકસિત દેશો જેવું છે.

૧૯૫૭ માં આઝાદી મળ્યા પછી……દર વર્ષે લગભગ ૬.૫% વિકાસદર મેળવનાર મલેશિયા વૃદ્ધિદરની દ્રષ્ટીએ સમગ્ર એશિયામાં બીજા ક્રમે અને વિશ્વમાં ૨૦ માં ક્રમે આવે છે. I.M.R. ( બાળ મૃત્યુ દર) દર હજારે ફક્ત છ, અને અપેક્ષિત આયુષ્ય ૭૫ વર્ષનું છે. infact, મલેશિયન ગવર્મેન્ટ મેડીકલ ટુરીઝમના વિકાસ માટે પુષ્કળ પ્રયત્ન કરી રહી છે. આટલા વિકાસમાન અર્થતંત્રમાં પણ પાયાની ચીજવસ્તુના ભાવ તદન નીચા છે. ‘સત્તુ મલેશિયા ‘ નામના સ્થાનિક સ્ટોર્સની ચેઈન છે , જ્યાં બેસિક ખાદ્યસામગ્રી સાવ સસ્તી મળે છે.

મલેશિયામાં ‘ઇસ્લામિક બેન્કિંગ’ નો કન્સેપ્ટ છે….જેમાં મુસ્લિમોને વ્યાજ વિના ધિરાણ અપાય છે. સમગ્ર દેશમાં આ ક્ષેત્રમાં સૌથી વધુ મહિલાઓ કામ કરે છે. ન્યાયતંત્ર બે વિભાગમાં વહેચાયેલું છે. એક શરિયા પ્રમાણેની મુસ્લિમ કોર્ટસ અને બીજી ન્યાયિક અદાલતો. શરિયા કોર્ટસ નિકાહ, તલ્લાક, બાળકની કસ્ટડી , વારસાહક વગેરે જેવા પ્રશ્નોમાં મુસ્લિમ નાગરિકો માટે ચુકાદો આપે છે. જયારે ન્યાયિક અદાલતો ક્રિમીનલ અને સિવિલ કેસ હેન્ડલ કરે છે. અત્યંત આશ્ચર્યની વાત એ છે કે દેશની સુપ્રીમ કોર્ટ પણ ઇસ્લામિક બાબતોમાં કોઈ દખલગીરી કરી શકતી નથી.

બે વર્ષ દેવાંગી એ ત્યાં નોકરી કરી, સંઘર્ષ કર્યો. પણ પછી એને અપેક્ષા પ્રમાણે વળતર મળ્યું નહી. આર્થિક તંગી, એકલતા અને દુર રહેલી માં ની ચિંતા…..અંતે અઢી વર્ષ પછી એ ભારત પાછી ફરી. અત્યારે દેવાંગી અમદાવાદમાં એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં કામ કરે છે અને ડીગ્રીનો અભ્યાસ પૂરો કરી રહી છે. એ કહે છે “હું ભણી લઉં પછી જો વધુ સારી નોકરી મળે તો હું ફરી મલેશિયા કે બીજા કોઈ દેશમાં જઈશ. ત્યાં જે ડીસીપ્લીન છે, ચોખ્ખાઈ છે…..એ મને ગમે છે. ત્યાં તો ખુબ ટ્રાફિક વાળા રસ્તા પર પણ જો કોઈ પ્રેગનન્ટ સ્ત્રી દેખાય તો તમામ વાહનો ઉભા રહીને એને પસાર થવાનો સમય આપે છે. મારે આવા જ કોઈ દેશમાં જવું છે ,બસ મારે થોડા વધુ તૈયાર થવું પડશે.”

એક તદન અંતરિયાળ વિસ્તારની, ગુજરાતી માધ્યમમાં ભણેલી આ નાનકડી છોકરી જાતે ઉભી થઇ છે. એ કમાય છે, ભણે છે, માં ને મદદ કરે છે……એક અજાણ્યા દેશમાં બે વર્ષ રહી ને અનુભવો લઇ આવી છે અને હજી નવું નવું એક્સપ્લોર કરવા માંગે છે. કદાચ એ ત્યાં જઈને બહુ કમાઈ નથી શકી પણ નવી જગ્યાના નવા લોકોને મળવું, સર્વાઈવ થવું અને થોડી સારી, ખરાબ,ક્રેઝી સ્મૃતિઓ કમાવી…….એ પણ એક અચીવમેંટ છે ને….. I am so proud of you darling. Keep it up.

Leave a Comment