“ભારત એટલે હું”
“ મને લાગે છે કે પરદેશ સાવકી મા જેવો હોય છે. ભલે ને એવી માન્યતા હોય કે સાવકી મા તો ભૂંડી જ હોય…….પણ મને આ જન્મભૂમી થી દુરના દેશે, સાવકી મા એ જ મજબુત બનતા, સક્ષમ બનતા શીખવ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, જે સંઘર્ષમાં દરેકે ઉતરવાનું હોય છે એનું ઘડતર મારી સાવકી મા એ કર્યું છે.”
હલક નાણાવટી મૂળ ભરૂચની છે. લગભગ આઠ વર્ષ પહેલા એ પોતાના પતિ અને ૧૧ મહિનાના દીકરા સાથે આયર્લેન્ડમાં વસવાટ માટે જતી હતી ત્યારે ઘરમાં મેળા જેવું વાતાવરણ થઇ ગયેલું. દીકરી પરદેશ જાય એટલે આપણે ત્યાં તો સગા સંબંધીઓનો (મામીજી, માશીજી,મિત્રો, કાકાઓ,પાડોશી ની નણંદ વગેરે વગેરે….) ધસારો થઇ જાય. સલાહો, સૂચનાઓ , બંધાતો સામાન, મોડે સુધી ચાલતા ગામગપાટા, નવી નવી વાનગીઓ ……….જાણે કોલાહલનું ધુમ્મસ જ છવાઈ જાય. અને આ બધી દોડાદોડીમાં જવાનો દિવસ આવી પહોચે ત્યારે જ સમજાય કે……….આ જ બધું અહી છોડીને જવાનું છે. આયર્લેન્ડની જમીન પર હલક પહેલીવાર ઉતરી ત્યારે સૌથી પહેલા જે વસ્તુ એને ઘેરી વળેલી એ હતી ત્યાની શાંતિ. અવાજો વિનાના વિશ્વમાં જાણે તમને કોઈએ અચાનક મૂકી દીધા હોય. આપણા ભીડભાડ થી, અવાજો થી ઉભરાતા બજારો થી, જાત જાતના તારસપ્તક સુરો થી ટેવાયેલા કાનને પહેલા તો સારું લાગે….પણ સમય જતા આ શાંતિ ….સુનકાર બનીને ઘેરી વળે છે. હલકે પણ શરૂઆતના વર્ષોમાં આ એકલતા અને સુનકારનો અનુભવ કર્યો છે. પણ એ સમયે જો કોઈ બાબત એને સૌથી વધુ આશીર્વાદરૂપ લાગી હોય…… તો એ હતો એનો નાનકડો ૧ વર્ષનો દીકરો. સહજ રીતે જ નાનું બાળક કમ્યુનીકેશનની જરૂરિયાત વધારી દે છે. પાર્ક માં, સ્ટોર્સ માં, રસ્તા પર પસાર થતા…..એ અન્ય લોકો સાથે (સ્પેશીઅલી લેડીઝ સાથે) વાતચીતની કડી બની જાય છે. શરૂઆતમાં જુદા એક્સન્ટને લીધે મૂંઝાતી હલક પણ દીકરાના માધ્યમ થી ત્યાના લોકલ ગ્રુપમાં ભળતી ગઈ. વર્ષો પસાર થયા તેમ તે ત્યાના ઘણા બધા હકારાત્મક પાસાઓ ને એપ્રીશીએટ કરતી થઇ છે.
રિપબ્લિક ઓફ આયર્લેન્ડ યુ.કે. અને યુરોપ ની વચ્ચે કહી શકાય એવો દેશ છે. તે યુરોપિયન યુનિયનનો ભાગ છે અને ત્યાની રાજધાની ડબલીન છે. આપણા કરતા ત્યાની વસ્તી કેટલી ઓછી છે એ સમજવા માટે એટલું પુરતું છે કે ૨૦૧૪ ના આંકડા પ્રમાણે ત્યાં એક સ્ક્વેર કિલોમીટરમાં ૬૫ લોકો વસતા હતા જયારે આપણે ત્યાં આ પ્રમાણ ૪૦૦ લોકોનું છે. વર્ષ ૨૦૧૧ ના આંકડા પ્રમાણે માનવ વિકાસ ઇન્ડેક્સમાં સમગ્ર વિશ્વમાં આ દેશ સાતમું સ્થાન ધરાવતો હતો. વસ્તીની ઓછી ગીચતા, હરિયાળા મેદાનો , ઉડીને આખે વળગે તેવી સફાઈ અને ચોખ્ખી હવા……જીવનને વધુ ગુણવતા પ્રદાન કરે છે. અહીનું હવામાન પણ એક્સ્ટ્રીમ નથી. મહદઅંશે વાદળછાયું વાતાવરણ રહે છે અને સામાન્ય રીતે વેધર ખુશનુમા હોય છે.
હલકને અહી જે વસ્તુ સૌથી વધુ અપીલ કરે છે એ છે લોકોનો જીવન પ્રત્યેનો , એકબીજા પ્રત્યેનો આદર…….નાની નાની બાબતોમાં પ્રગટ થતું પરસ્પર માટેનું સન્માન. એના જ શબ્દોમાં કહું તો “ મેં અહી આવીને જ જોયું કે એરપોર્ટનો ટોયલેટ ક્લીનર પણ તમને ખુશનુમા સ્માઈલ આપીને ‘હેલ્લો’ કહી શકે છે. રસ્તે પસાર થતા તદન અજાણ્યા લોકો પણ મારા નાનકડા બાળકને વેવ કરી શકે છે. લગભગ દરેક સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો એકબીજાનું હુફાળું અભિવાદન કરે છે. કોઈ એકબીજાને ધક્કા મારીને નિયમો તોડતું નથી……ઉલટા ‘ યુ ફર્સ્ટ ‘ કહીને જગ્યા કરી આપે છે. કદાચ વિકસિત દેશ એટલે વધુ વિકસિત લોકો એ અહી સમજી શકાય છે.” સાચી વાત છે. વિકાસનો માપદંડ ભૌતિક જ નહી, માંનુંષિક પણ હોય છે. આયરલેન્ડે ઓસ્કાર વાઇલ્ડ અને સેમ્યુઅલ બેકેટ જેવા માંધાતાઓ જગતને આપ્યા છે.
જો કે હલકની આ જર્ની ફક્ત સારા જ નહી સંઘર્ષના દિવસોની પણ છે. લોકો સાથે હળવા મળવાની, કમ્યુનીકેશનની સમસ્યાનું સમાધાન થયું પછી સૌથી મોટો પ્રશ્ન હતો ગ્રોસરીનો, એટલે કે રોજબરોજ ની ખરીદીનો. ઇન્ડિયામાં તો ઘર બહાર જ શાકભાજી વાળા લારી લઈને આવી જતા, એક ફોન કરો તો કરીયાણા વાળો છોકરો સમાન મૂકી જતો…. દૂધવાળો ભૈયો આવતો….પણ અહી? આ ઈંગ્લીશ કન્ટ્રીસાઈડ વિસ્તારમાં તો જરા દુર એક જ સુપરસ્ટોર હતો. દર અઠવાડિયે હલક પુશટ્રોલી લઈને જતી અને આખા અઠવાડિયાનો સામાન ભરી લાવતી. કેટલાય દિવસો જયારે એ ૨૦ કિલો જેટલો સામાન અને દીકરાને લઈને પુશ ટ્રોલીને ધક્કા મારતી આવતી ત્યારે ઠંડા પવનમાં એના હાથ જ નહી……મન પણ થીજી જતું. ભારતની કમ્ફર્ટેબલ જીંદગી થી દુર કમાવા માટે અને સેટ થવા માટેનો આ રસ્તો કેટલો અઘરો છે, કેટલું મનોબળ માંગી લે છે એ અનુભવે જ સમજી શકાય છે. ડોલર અને પાઉન્ડના નામે ચકાચોંધ થઇ જતા લોકો એની પાછળની અથાક મહેનત અને એડજેસ્ટમેન્ટ જાણતા નથી. ઘણીવાર ભારતના જીવનધોરણ ને ત્યાં ટકાવી રાખવું અતીકઠીન હોય છે.
હલકને પક્ષે એ સારું રહ્યું કે એ લોકો ત્યાં ગયા ત્યારે ૧ દીકરો સાવ નાનો હતો અને બીજું બેબી તો ત્યાં ગયા પછી જ જનમ્યું છે. બાળકો અત્યંત નાના હોય તો ત્યાંના શિક્ષણ, સંસ્કૃતિને તરત અપનાવી લે છે. આજે ઘણીવાર હલક બાળકોને પૂછે કે “આપણે ઇન્ડિયા જવું છે?” તો દીકરો ના પાડે છે. એને ઇન્ડીયા નોઈઝી અને લોકો ઇન્ટરફીઅરીંગ લાગે છે. એ કહે છે “મારે તો અહી જ રહેવું છે.” કદાચ મનના કોઈ અજાણ ખૂણે સહેજ દુખ હશે એ વાત નું…….પણ હલક આ વાતને , આ તર્કને સ્વીકારે છે. એના બાળકો ત્યાં જ મોટા થયા છે. એમના મિત્રો, સ્કુલ, ઘર બધું જ ત્યાં છે. ભારત એમના માટે એક દૂરનું , અજાણ્યું સ્થળ છે. સ્વાભાવિક જ છે કે એ લોકો પોતાના વાતાવરણને વધુ ચાહતા હોય. પણ છ્તા માં તરીકે એ ઇચ્છે છે કે મોટા થઈને બાળકો ભારત વિષે જાણતા હોય. અને એટલે જ એની જવાબદારી વધી જાય છે. હલક માટે ભારત એટલે પિયર, ભારત એટલે ઘર, તહેવારો, સગા સંબંધી , રીવાજો, રોટલો ને ઓળો, ચણીયા ચોળી , કોલેજ મિત્રો, વરસાદમાં કાળી માટી ની સુગંધ , પાણીપુરી ………ને બધું કેટલું બધું. પણ એના દીકરા માટે તો ભારત એટલે એની મમ્મી. માં જ એને બે સંસ્કૃતિ નો સુમેળ શીખવવાની છે. માં જ એને મૂળ સાથે બાંધી રાખી ને ઉગતા શીખવવાની છે. આથી જ તો હલક કહે છે કે “ભારત એટલે હું.”
આયર્લેન્ડમાં મહદઅંશે ક્રિશ્ચ્યાનીટીનો પ્રભાવ છે અને ક્રિસમસ સૌથી અગત્યનું ફેસ્ટીવલ છે. આપણા ભારતીય લોકો આપણા જાત જાતના તહેવારો ની કમી ક્રિસમસ માં જ વસુલ કરે છે. ત્યાની કુલ વસ્તીમાં નોન વ્હાઈટ લોકોનો સૌથી મોટો સમૂહ ભારતીય અને ચાઇનીઝ લોકોનો છે. આફ્રિકંસ છે પણ એની ટકાવારી સાવ નહીવત છે. મુખ્ય ભાષા ઈંગ્લીશ અને આઈરીશ છે.૨૦૦૧ સુધી ઉદ્યોગ પ્રધાન રહેલું અર્થતંત્ર ધીરે ધીરે સેવાક્ષેત્ર પ્રધાન થઇ રહ્યું છે. ટુરીઝમનો વ્યાપ પણ વધ્યો છે.કરવેરા ઉચા છે પણ સામે સરકાર દ્વારા પૂરી પડાતી જાહેર સુવિધાઓ પણ ગુણવતાવાળી છે. બહાર થી આવતા શિક્ષિત ,ટ્રેઈન્ડ લોકો ને ત્યાની સરકાર આવકારે છે કેમકે એ અર્થતંત્ર ને મજબુત બનાવે છે.
અત્યારે બર્કશાયર ઇંગ્લેન્ડમાં સ્થાયી હલક લોકલ ગવર્ન્મેન્ટ કાઉન્સિલમાં કામ કરે છે. બાળકો મોટા થયા છે અને મિત્રવર્તુળ પણ બન્યું છે. એ જાતે ડ્રાઈવ કરીને બર્થડે પાર્ટીમાં બચ્ચાઓ ને લઇ જાય છે, નેબરહુડમાં એકબીજા સાથે સબંધો વિકસ્યા છે અને જીવન સરસ પસાર થઇ રહ્યું છે. એને પોતે લીધેલા દુર આવવાના નિર્ણયનો કોઈ અફસોસ નથી. કદાચ દુર હોવાના કારણે જ એનું ચાર લોકોનું કુટુંબ એકબીજાની ખુબ નજીક છે. ભારતની અતિ સામાજિકતા કે બાહ્ય દખલગીરી વિના એણે પોતાના હુફાળા માળાનું નિર્માણ કર્યું છે. અંતમાં એનું જ વાક્ય મુકીશ.
“ જરૂરી નથી કે મારા બાળકો મારા જ મૂળ ને વળગી રહે. આપણે માં બાપ છીએ. અને આપણી જવાબદારી છે આપણા સંતાનોને વધુ સારું , વધુ સક્ષમ જીવન આપવાની. મેં એ આપ્યું છે…….એન્ડ આઈ વિશ કે…….આવનારી દરેક પેઢી વધુ મજબુત વધુ સુખી હોય. Home is not where i come from…..its where i am today…….”