“એક દિવસ મારા પછીની સાંજ આથમશે. હું નહિ હોઉં પણ બાલ્કનીના પારદર્શી તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે. શરાબો અને વિષાદ, ઈતિહાસ અને અનુસંધાન, સમુદ્રો અને ભૂરું આકાશ મારા માટે શૂન્ય બની જશે, પણ ત્યારે યાદ રાખજે એકો અહમ, દ્વિતીયો નાસ્તિ…ન ભૂતો ન ભવિષ્યતિ..”
કેટલાક શબ્દો, લેખનશૈલી એટલા યુનિક હોય છે કે નીચે લેખકનું નામ હોય કે ન હોય તમે લખનાર હાથને પારખી લો છો. બક્ષી ગુજરાતી સાહિત્યનુ એ ઝળહળતું નામ છે, જેના શબ્દો જ એની સહી છે. “ હું ઈશ્વર પાસે ક્યારેય કશું માગવા નથી ગયો, પણ એણે મારી લાચારની ખુદ્દારીને સાચવી લીધી છે, દુનિયાની આંખમાં આંખ નાખીને જોઈ શકું એટલી પાત્રતા મને આપી દીધી છે.” આવું કોણ લખી શકે એમના સિવાય? આજે એમનો મૃત્યુદિન છે.
હું બક્ષીને કદિ મળી નથી, મેં એમને દુરથી પણ જોયા નથી અને છતાં I had a crush on him. કોઈકને વાંચીને એની બુદ્ધિમતા કે મિજાજના પ્રેમમાં પડી જાઓ એવું જ કૈક. મને લાગે છે કે મારી પેઢીના લોકો ફિલ્મસ્ટાર કરતા લેખકોના પ્રેમમાં વધુ પડ્યા હશે કેમકે એ દિવસોમાં આટલું બધું મીડિયા અને ઈન્ટરનેટનું ચલણ નહોતું. બક્ષીની વિષાદઘેરી , ડાર્ક રોમાન્સ થી છલોછલ ભાષા …. કાતિલ હ્યુમર અને પોલીટીકલી ઇન્કરેક્ટ લખવાની તાકાત … Intelligence is attractive.
પણ દરેક ક્ષણે, દરેક દિવસે આપણે બદલાતા રહીએ છીએ અને વર્ષોની જેમ વ્યક્તિ પણ ફલો કન્સેપ્ટ છે. વહેતી નદીની જેમ કાલે આપણે જે હતા એ આજે નથી હોતા. સમય સાથે મેં અનુભવ્યું કે “સતત વિદ્રોહ એ સાચી જીવનરીતિ નથી. સત્ય માટેની લડાઈ ભલે આકર્ષક છે પણ એ આદર્શ સ્થિતિ નથી. વાસ્તવમાં સનાતન સત્ય છે જ નહિ એટલે બને ત્યાં સુધી સુખી થવું અને સુખી કરવું એ વધુ સાચો રસ્તો છે.”
બક્ષીને પારાવાર વાંચ્યા છતાં મેં હમેશા ટાગોરના વિધાન પર વધુ વિશ્વાસ કર્યો છે કે “ મનુષ્યએ પોતાના ભાગ્યને અતિક્રમીને સુખી થવું પડે છે. બહારના સંજોગો તમારા લાલિત્યને ન હણે એ માટે કઠોરને કૃપામાં પરિવર્તિત કરવું પડે છે.” અને છતાં કેટલાક સંજોગોમાં આ બધું ડહાપણ નેવે મુકીને કાળઝાળ ગુસ્સો આવે ત્યારે કે અવસાદ અઘરો થઇ પડે ત્યારે પેલો કાયમી બક્ષીરોમાન્સ સપાટી પર આવી જાય છે.
બક્ષીને લીધે ગુજરાતી સાહિત્યજગતમાં બે બહુ મોટી તકલીફ ઉભી થઇ છે. પહેલી તકલીફ છે ઓરીજીનાલીટીના અભાવની. ખુબ બધા લોકો બક્ષી જેવું જ લખવા પ્રયત્નશીલ છે. બીજી તકલીફ છે એમની ઉદ્દંડતાને જ એમનું વ્યક્તિત્વ સમજી ઘણા લોકો ઉદ્દંડ બનવા પર ઉતરી આવ્યા છે. હા, બક્ષી ભયંકર ઉઘાડુ લખી શકતા પણ માત્ર એ જ નહોતા લખતા. એમણે ઇતિહાસના, પ્રવાસોના, અને ‘મહાજાતિ’ ગુજરાતી જેવા સંશોધનલક્ષી પુસ્તકો લખ્યા છે, એમણે મૃત્યુના અવસાદ અને જીવનના સેલિબ્રેશન પર લખ્યુ છે. જો તેજાબી ભાષા પાછળ અનુભૂતિની તાકાત ન હોય, જો એરોગ્ન્સ પાછળ જ્ઞાન ન હોય તો લખાણ કૃત્રિમ બની જાય છે. અત્યારે કેટલાબધા લોકો નિમ્ન કક્ષાની ભાષા વાપરીને પોતાને સત્યવકતા સાબિત કરવા પ્રયત્નશીલ છે. અહીં મધુ રાયનું એક અદ્ભૂત વાક્ય વાપરવુ છે કે “સત્ય કડવુ હોય એ સાચું પણ દરેક અતિકડવી વાત સત્ય નથી હોતી”
વાસ્તવમાં બક્ષીના તાતી તલવાર જેવા લેખો જેટલા પ્રચલિત છે એટલું એમનું અન્ય લેખન ઉજવાયું નથી. ‘પેરેલીસીસ’નો બાપ-દીકરીનો સંબંધ, ‘પડઘા ડૂબી ગયા’માં મધ્યમ વર્ગીય યુવાનનો અવસાદ, ‘મહાજાતિ ગુજરાતી’માં એમનું જુદી-જુદી જ્ઞાતિઓ વિષેનું સઘન અધ્યયન, ‘ગુઝરે થે હમ જહાં સે’ નું પાકિસ્તાની જીવનનું આલેખન ….. આ બધાને જાણે એમના પોતાના જ કેટલાક કાળઝાળ લેખોએ અન્યાય કરી દીધો છે. આ જ તકલીફ હોય છે સર્જકની ….ફક્ત સફળ થવું અગત્યનું નથી ,સાચા સર્જન માટે સફળ થવું અગત્યનું છે.
ઘણીવાર બક્ષીની ટીકા સાંભળી છે, વાંચી છે પણ હું તો એમને એમના લેખનથી વિશેષ ઓળખતી નહોતી. અને સાચું પૂછો તો લેખકોને શબ્દના માધ્યમ સિવાય શા માટે ઓળખવા જોઈએ. So for me he was great.
‘બસ એક જ જીંદગી’ માં એમણે લખેલું “શું હોય છે લેખક પાસે? બસ પસાર થઈ જવાનું હોય છે, ફૂંકાઈ જવાનું હોય છે ….આવનારી પેઢીઓને બધું સોંપીને, પણ લેખક જીવે છે એના શબ્દોમાં, પ્રજાના વેદનાબોધમાં .” સત્ય… મારા જેવો કોઈ વાચક જ્યારે જુના સેપિયા ટોનના કલક્તાનું વર્ણન વાંચીને આંખ ભીની કરશે ત્યારે, જ્યારે કોઈ લેખક લાલઘુમ આક્રોશને પાનાઓ પર ઉતારશે ત્યારે, જ્યારે ગુજરાતી ભાષા કે આ દેશની અસ્મિતા માટે કોઈ પોલીટીકલી ઇનકરેક્ટ થવાની હિંમત કરશે ત્યારે બક્ષી આકાશમાં પાઈપ પીતા-પીતા હસશે.