ફોન

બેન્ક ઓફ બરોડાની અમદાવાદ સેટેલાઈટ બ્રાન્ચના મેનેજર નરોતમ પંડ્યાએ ઘરેથી આવેલા ટીફીનનું ઢાંકણું ખોલ્યું અને મોબાઈલ રણકી ઉઠ્યો. નરોતમભાઈએ કટાણું મોં કરીને ફોન લીધો. ફોન કરનારે જે કઈ કહ્યું એના જવાબમાં એ ખાલી બે લીટી બોલ્યા ‘ સારું છે’ અને ‘એ હા’. મોબાઈલ બાજુ પર મુકીને એમણે નિશ્વાસ મુક્યો અને જમવાનું શરુ કર્યું.

નરોતમભાઈના કંટાળાનું કારણ એ છે કે રોજ આ જ રીતે … બપોરે જમવાના સમયે, સાંજે અને રાત્રે સુવાના સમયે એમ ત્રણવાર એમના પર આ ફોન આવે છે, છેલ્લા ૨૮ વર્ષથી. આ હિસાબે એમણે ૩૦,૬૬૦ વખત આ ફોન રીસીવ કરીને એના જવાબો આપ્યા છે. કંટાળો આવે એ સાવ સાહજિક છે ને ? તોય આ બાબતમાં એ કઈ કરી શકે એમ નથી. રોજ કરોડોની લેવડ- દેવડ કરતી બેન્કના મેનેજર નરોતમભાઈ લોન સેન્કશન કરાવી શકે છે, RBI ના નિયમો સમજાવી શકે છે, વિદેશી કરન્સીની ચર્ચા કરી શકે છે … પણ આ ફોનની બાબતમાં એ સાવ લાચાર છે. એમના સત્યાસી વર્ષના મા જે આખા રાણપુરમાં ભાંકુબેન તરીકે ઓળખાય છે , એમને એમના નરુને ફોન કરતા રોકી શકે એવું આજસુધી કોઈ જન્મ્યું નથી.

નરુ યાને કે નરોતમ પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો અને તબિયતે નબળો. એટલે જ ભાંકુબેનને એની વિશેષ ચિંતા રહેતી. કુવે કપડા ધોકાવતા હોય, ચૂલો ઠારતા હોય કે ભેંશ દોતા હોય પણ એમની એક આંખ નરુ ઉપર જ રહેતી. ક્યારેક શેરીના છોકરા સાથે નરુને મારામારી થાય તો ભંકુબેન રણચંડી બનીને ધસી જતા. એમનું એક વાક્ય તો આખા રાણપૂરમાં જાણીતું હતું “ કુની મા એ હવાશેર હુંઠ ખાધી સે તે મારા નરિયાને અડે . ઈની મા આ બેઠી બાર વરહની.”

ખબર નહીં કેમ પણ ભંકુબેનને લાગતું કે નરુને એમના રક્ષણની અને સલાહોની ખુબ જરૂર હતી. નરુના લગ્ન પછી કોઈકદિવસ એને એની વહુ સાથે નાની સરખી માથાકૂટ થાય તોય ભંકુબેન નરુના બચાવમાં કુદી પડતા અને વહુનો ઉધડો લઈ નાખતા. એમનો ભાવ એવો રહેતો જાણે પોતાનો મોંઘો મહેલ કોઈ ફૂવડ ભાડુઆતને ભૂલમાં આપી દીધો હોય. ટૂંકમાં ભાંકુબેનના જીવનનો એક જ હેતુ હતો “ મારો નરિયો “. આખું ગામ પણ એમને પાંચ બાળકો હોવા છતાં ‘ નરુની મા’ એમ જ ઓળખતું.

સમય સાથે બધા ભાઈ-બહેન ઠેકાણે પડેલા અને નરોતમને ય બેંકમાં નોકરી મળેલી. બાવીસ વર્ષની ઉંમરે જયારે નરોતમ અને એની પત્ની રાણપુર છોડીને અમદાવાદ આવતા હતા ત્યારે બસસ્ટેન્ડ પર ઠુંઠવો મુકીને ભંકુબેને ગામ ભેગું કરેલું. ચાર દિવસ ચાલે એટલા થેપલા અને સુખડીનો ડબ્બો લઈને ઉભેલો નરોતમ ય એ દિવસે ઢીલો થઈ ગયેલો. ગયા વગર તો છૂટકો નહોતો પણ એણે એમ વિચારીને મન મનાવેલું કે “ ઘર રાખીને મા ને તેડાવી લઈશ “

પણ આખું રાણપુર જાણતું હતું કે ભંકુબેન ક્યાંય જાય એ વાતમાં માલ નહોતો. એ પંદર વર્ષે પરણીને આવેલા. અહીં જ એમના બાળકોનું ભણતર અને ઘડતર થયેલું, અહીં થી જ એમના પતિ અને સાસુ-સસરાને ધામ વળાવેલા. અહીં એમણે જિંદગીના કેટલાય દાયકાઓ કાઢીને સંબંધો વાવ્યા હતા. ગામમાં ગમે એને ઘેર બાળક જન્મે, ગમે એને ઘેર ભજન હોય… ભંકુમાશી તો હોય જ. શરીરે કડેધડે હતા અને એક છોકરી લલિતા બે વાર થાળી મૂકી જતી. ભંકુબેન ક્યાંય ગયા નહીં, બસ એક ફોન વસાવી લીધો જેનાથી દિવસમાં બે વાર એ બધા છોકરાને ફોન કરતા. નરુ એમને વિશેષ વ્હાલો હતો એટલે એને ત્રણવાર કરતા.

પણ આ વિશેષ વ્હાલ નરોતમભાઈ માટે સજારૂપ થઇ પડ્યું હતું. પચ્ચાસે પહોચેલા નરોતમને બેંકની, બાળકોની કઈ કેટલીયે જવાબદારી હતી. શહેરની દોડાદોડી , ટ્રાફિક, માર્ચ એન્ડીંગના હિસાબો, બાળકોનું ભણતર … ને એમાં માના આ સતત આવતા ફોન. ભંકુબેન ફોનમાં “ કેવું છે નરુ?” એમ કહીને શરુ કરતા અને પછી જાતજાતની શિખામણ દઈને ફોન મૂકી દેતા. ક્યારેક “ હાચવીને ગાડી ચલાવજે”, ક્યારેક “ઓઢીને હુજે” અને ક્યારેક “ રાતે કાકડી નો ખાતો” … આવું કઈ કેટલુય . નરોતમભાઈ ધૂંધવાતા, અકળાતા પણ મા ને એની કોઈ અસર થતી નહીં. એકવાર તો પરિવાર સાથે દુબઈ ફરવા ગયેલા… ત્યાં બેલી ડાન્સ જોતી વખતે ભંકુબેને ફોન પર વણભાસ્કર વિષે પાંચ મિનીટ સુચના આપેલી. એ સમયે એ એટલા બગડેલા મનોમન “ હું કીકલો હોઉં એમ આખો દિવસ ‘આ કરજે’ ને ‘ઓલું કરજે’ … અહીં આવીને રહેવું નથી , બસ મને ફોન ખખડાવીને હેરાન કરવો છે.” પણ એ ય જાણતા હતા કે આમાં કઈ થઇ શકે એમ નથી.


ભંકુબેનના મરણના પંદરમાં દિવસે નરોતમભાઈ પાછા ફર્યા. હજી એમને મન ભારે લાગતું હતું , આંખમાં વારેવારે પાણી આવી જતું. આખું ગામ ઉમટ્યું હતું માના મોત પર. પોતાની તાણીતુસીને ભેગી કરેલી મૂડીમાં દરેક સંતાનનું અને રોજ થાળી મૂકી જનાર લલિતાનું ય ધ્યાન રાખેલું એમણે . ગામની નિશાળમા બિસ્કીટ વહેંચવાનું લખી ગયેલા. સૌથી આશ્ચર્ય તો એ હતું કે બાજુવાળા સમજુડોશીને નામે પચાસ હજાર લખેલા. બધા ભાઈ-બહેનને મા કેટલી પરગજુ હતી એનો પરિચય થયેલો. સુનો પડેલો પેલો ફોન જોઇને નરુની પત્ની પણ રડી પડેલી.


ઘણા દિવસે બેન્ક આવેલ નરોતમભાઈએ ઝપાટાભેર પેન્ડીંગ કામો પતાવ્યા . બપોર થવા આવી હતી અને ટીફીન ખોલવા જતા હતા ત્યાં જ ફોન રણક્યો. અજાણ્યો નંબર હતો. એક હાથમાં ટીફીનનું ઢાંકણું પકડીને એમણે ફોન ઉપાડ્યો “ યસ .. નરોતમ સ્પીકિંગ” . સામેથી કહેવાયું “ નરુ બટા, સમજુમાશી બોલું. તારી બા રોજ ફોન કરવાનું કહીને ગઈ છે. હાજોહારો છું ને બટા? ગંઠોડા લેવાનું ભૂલતો નહીં.”

એક હાથમાં ઢાંકણા સાથે સ્થિર થઇ ગયેલા બેંક ઓફ બરોડાના મેનેજર શું કરે ? “

Leave a Comment