પૂર્વ અને પશ્ચિમ
“ હું જે ભારતને ઓળખતી હતી, જે દેશ મારી સ્મૃતિઓમાં જીવે છે……..તે હવે છે જ નહી. No, that India does not exist anymore. હવે તો ભારતમાં પણ વેસ્ટર્ન કલ્ચર છે, પ્રથમ વિશ્વના દેશોની ભાગદોડ અને મટીરીયાલિસ્ટીક લાઈફ છે…….કદાચ મારો દેશ પોતાની આગવી ઓળખ ગુમાવીને મારા માટે એક સ્વપ્ન પ્રદેશ બની ગયો છે. એને યાદ કરી શકાય છે, પણ ત્યાં જઈ શકાતું નથી.”
જાન્યુઆરી ૧૯૮૨ માં, એટલે કે આજથી લગભગ ૩૫ વર્ષ પહેલા યુ.એસ.એ.માં સ્થાયી થયેલા રુચિકા રાવલ બહુ કેઝ્યુઅલી આ વાત કહે છે. ગાયકવાડનું બરોડા છોડીને અરલી એઇટીઝમાં અમેરિકા ગયેલા રુચિકા ફક્ત એક જ સેમેસ્ટરની ફીઝ લઈને ત્યાં પહોચ્યા હતા. ભણવાની સાથે સાથે તેમણે ટીચિંગ આસિસ્ટન્ટનું કામ કર્યું, સ્કોલરશીપ માટે પુષ્કળ મહેનત કરી અને મુફલિસીના……ખિસ્સામાં કાણી કોડી ન હોય તેવા દિવસો પણ જોયા. આજે બાયોટેક કંપનીની કલીનીકલ ટ્રાયલ માટે સીનીયર કન્સલટન્ટ રુચિકાના હાથ નીચે અનેક લોકો કામ કરે છે, પણ એ દિવસોમાં સાંજના જમવાનો જુગાડ કરવાની જે મજા હતી ….તે યાદ કરીને એ આજે પણ ખુશ થઇ જાય છે.
એક સરસ વાત એમના જ શબ્દોમાં મુકું “એ વર્ષોમાં….ગુજરાતી તો દુર, બહુ ભારતીયો પણ સહેલાઇથી અહી જોવા ન મળતા. મને યાદ છે ત્યાં સુધી કેમ્પસના ૨૦૦૦ વિદ્યાર્થીઓમાં મારા સિવાય એક જ ગુજ્જુ હતો. એટલે જ મારા મિત્રવર્તુળમાં જાપાન, ઈઝરાઈલ, આર્જેન્ટીના આવા જુદા જુદા દેશોના લોકો હતા. બધા વિદ્યાર્થીઓ……બધા ગરીબ….ક્યારેક ડીનર માટે કોઈના ઇન્વીટેશનની રાહ જોતા તો ક્યારેક કોઈ મ્યુઝીક ફેસ્ટીવલમાં મફત બાલ્કની માં ઉભા રહી જતા. અમે ભાષા, વિચારો અને સંસ્કૃતીની બિયોન્ડ એક મિત્રવર્તુળ બનાવી શકેલા, જેમાં દરેક માટે આદર હતો, પરસ્પરની સ્વતંત્રતાનો સ્વીકાર હતો. આમ પણ સમગ્ર વિશ્વમાં અમેરિકા, અને એમાય કેલીફોર્નીયા… ઇન્ટલેકટ અને ઇન્ડીવિજ્યુંઆલીટીનું કેપિટલ છે.”
કેલીફોર્નીયા વસ્તીની દ્રષ્ટીએ અમેરિકાનું સૌથી મોટું અને વિસ્તારની દ્રષ્ટીએ ત્રીજા નંબરનું રાજ્ય છે. લોસએન્જલસ , સાનફ્રાન્સીસ્કો , સેન ડીઆગો , ઓકલેન્ડ, સેન જોસ વગેરે શહેરો યુ.એસ.એ. ના મોટા માં મોટા શહેરોમાં સ્થાન પામે છે. ૨૦૧૦ ના ડેમોગ્રાફિક સર્વે પ્રમાણે ૬૧% લોકો વ્હાઈટ છે, ૧૪% એશિયન અને ૭.૨% આફ્રિકન અમેરિકન છે. ૨% જેટલી વસ્તી નેટીવ અમેરિકન્સ છે. આ સિવાયના અન્ય લોકોમાં હવાઈઅન, વિયેટનામી અને લેટીનોઝ છે. મુખ્ય ભાષા ઈંગ્લીશ હોવા છતાં સ્પેનીશ, ફ્રેંચ, ચાઇનીઝ વગેરે અનેક ભાષાઓ બોલાય છે. ખરા અર્થમાં વૈશ્વિક જીવનશૈલીનો મહિમા છે. લોકો અનેક દેશોની સરહદો અને સમુદ્રો પાર કરીને અહી આવી વસ્યા છે અને આ ભૂમિ એ તેમને ખુલ્લા દિલે આવકાર્યા છે….એક વધુ સમૃદ્ધ જીવનની તક આપી છે. કદાચ એટલે જ અમેરિકાને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી કહે છે. A country that respects individuals immaterial of their race and origin.
રુચિકા એ જયારે શરૂઆતના વર્ષોમાં લેબોરેટરીમાં કામ શરુ કર્યું ત્યારે કમ્પ્યુટર હજી મોટાભાગના લોકો માટે નવું હતું. સાયન્ટીસ્ટસ રુચિકાને એના પર કઈરીતે કામ કરવું તે શીખવતા ત્યારે એમને પોતાની અણઆવડતનો સંકોચ પણ થતો. અને આજે એ વાત જાણે કોઈ જુના યુગની હોય એમ સમય આગળ વધી ગયો છે. સ્કાઈપ , ફેસબુક, વોટ્સ એપ અને ઈન્સ્ટાગ્રામના અસ્તિત્વ પહેલા વિદેશમાં જીવવું એ કેટલું જુદું હતું …એ કદાચ આજે સમજી જ ન શકાય. જો કે રુચિકા માટે આ સ્થળાંતર સાવ અજાણ્યું કે અસાહજિક નહોતું…….કેમકે તેમની ત્રણ પેઢી જુદા જુદા તબક્કે ત્યાં સ્થાયી થયેલી. રુચિકાના દાદા આજ થી લગભગ ૭૦ વર્ષ પહેલા કોલોરાડો યુનીવર્સીટીમાં પી.એચ ડી થયેલા, અને ૧૯૬૦ ના દાયકામાં રુચિકાના પપ્પા પણ ત્યાં ચાલ્યા ગયેલા. દિલ્લીમાં જન્મેલા રુચિકા જયારે અમેરિકા ગયા ત્યારે ત્રણ પેઢીનો અનુભવ લઈને ગયેલા.
કેલીફોર્નીયાની જી .એસ.પી.( ગ્રોસ સ્ટેટ પ્રોડક્ટ ) ૨.૨૦૩ ટ્રિલિયન અમેરિકન ડોલર છે, જે સમગ્ર અમેરિકામાં સૌથી વધુ છે. ત્યાના મુખ્ય ક્ષેત્રોમાં આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, ફાઈનાન્સ વગેરેનો સમાવેશ થાય છે. લોસેન્જ્લસ (હોલીવુડ) મનોરંજન અને મીડિયાનું જગવિખ્યાત કેન્દ્ર છે .સામાન્ય રીતે કેલીફોર્નિયાને બે વિભાગમાં વહેચવામાં આવે છે. સાઉથ કેલીફોર્નિયા અને નોર્થ કેલીફોર્નિયા, અને બિલકુલ વચ્ચે થી કેલીફોર્નિયન સેન્ટ્રલ વેલી પસાર થાય છે. રાજ્ય ઘણું મોટું હોવાથી ત્યાનું કલાઇમેટ જુદું જુદું છે. યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનીવર્સીટી જાણીતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ માઈગ્રેટ થઈને , સ્વપ્નો લઈને અહી આવે છે….રુચિકાની જેમ જ.
F.D.A. ને સાયન્ટીફીક ડેટા પુરા પાડવાની ગંભીર જવાબદારી ઉઠાવતા અને પચાસની પાર પહોચેલા રુચિકાને ન્યુરોપ્લાસ્ટીસીટી સંબંધિત સાહિત્યમાં ખુબ રસ છે. પણ એમને ગમતું વાંચન પૂછ્યું ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું. એમનો જવાબ હતો “માંડુંક્ય ઉપનિષદ”. દાયકાઓથી સાત સમુદ્ર પાર જઈ વસેલા રુચિકા ભગવદ ગીતાના અધ્યાય મોઢે બોલી શકે છે , છેલ્લા ૨૮ વર્ષ થી યોગ કરે છે અને પિતાના નિધન સમયે મુંડન કરાવીને અગ્નિદાહ આપવાની પવિત્ર ફરજ પણ પૂરી કરે છે. એ એકલા જ રહે છે. અપરણિત છે…..અને સમય સાથે એ પશ્ચિમ અને પોર્વીય દેશોના શુભ તત્વો ને જોઈ શક્યા છે. દરેક ભૂમિ પાસે તેનો વારસો છે, જે સચવાવો જોઈએ તેવું તે દ્રઢપણે માને છે. આજે ભારતમાં વધી રહેલી આવકો અને ટેલીવિઝન તથા ઈન્ટરનેટના આક્રમણે તેના મૂળગામી વિચારો ને હલાવી નાખ્યા છે……એ કહે છે “I feel lost and hurt in India”. પોતાના જ દેશમાં અજાણ્યા બની જવાની લાગણી કેવી હોતી હશે? પણ રુચિકા માટે નવી જમીન જ હવે ઘર છે. એમની બહેનો, એમના મિત્રો, કલીગ્સ અને જીવનના ત્રણ દાયકાની સફર……બધું જ અમેરિકામાં જ છે.
ડસ્ટીન હોફમેન નું ‘ડેથ ઓફ અ સેલ્સમેન’ અને યહૂદી મેન્હીમનું ઈમ્પૃવડ જાઝ માણી શકતા, સંસ્કૃત વાંચન કરતા અને વિશ્વના સર્વોચ્ચ અર્થતંત્રમાં એક મોટા હોદ્દા પર કામ કરતા રુચિકાને જાણવાની કે વાત કરવાની મઝા આવે એવું એમનું વર્સેટાઈલ જીવન છે. હવે એ બહુ ભારત આવતા નથી. “ now I have very few roots in india” એવું એ કહે છે. પણ એમનો આંતરપ્રદેશ , આધ્યાત્મિક વારસો તો આ જ માટીનો છે, જે કહે છે……..
‘નાન્ત્મ, ન મધ્યમ, ન પુનશ્ચવાદીમ….પશ્યામિ ત્રીશ્વેશ્વર વિશ્વરૂપ ,
અજોનીત્ય: શાશ્વતોયમ પુરાણો….ન હન્યતે હન્યમાને શરીરે……’’