શરદબાબુની નવલકથા ‘ચરિત્રહીન’ મારી પ્રિય કૃતિઓમાંની એક છે. એના એક રસપ્રદ પાત્ર વિષે વાત કરવી છે. એ પાત્રનું નામ ‘પશુરાજ’. પશુરાજ ઉર્ફે પશુ એક બંગાળી ગૃહિણી છે. એને ળપણમાં આવું નામ એટલે અપાયેલું કેમકે આખી શેરીના પશુઓનું પાલન કરવાની જવાબદારી એણે કોઈ અકળ કારણસર પોતાની સમજી લીધેલી. પક્ષીઓના ચણ અને માંદા પશુઓની સારવારનું દાયિત્વ આખા ગામમાં એણે જ કેમ લઇ લીધું એનો કોઈ ઉતર એના પિતા પાસે નહોતો. અંતે થાકીને બીજું કઈ ન થઇ શક્યું એટલે એમણે એને નામ આપ્યું ‘પશુરાજ’.

પશુ આસ્તિક છે જ્યારે એના પતિ, દિયર વગેરે તર્કમાર્ગી વિદ્વાનો છે. ભાભી કિરણમયી પણ વિદુષી છે. એમને પશુની વાતો હાસ્યાસ્પદ લાગે છે. એકદિવસ પશુના પતિ અને આ બીજા બે-ત્રણ વિદ્વાનો નક્કી કરે છે કે પશુ સાથે ઈશ્વરના અસ્તિત્વ વિષે ચર્ચા કરવી. 

એ લોકો અનેક તાર્કિક દલીલો વિચારીને પશુની આસપાસ ગોઠવાય છે. કિરણમયી ધીરે રહીને કહે છે “આપણા ધર્મગ્રંથોની કથાઓ તો જુઓ. ભીષ્મની બાણશૈયા પાસે અર્જુને ભૂમિમાં તીર માર્યું અને પાણીની ધાર થઇ…. આવું ધડમાથા વિનાનું લેખન ? “.

 ચર્ચા કરવા બેઠેલા તમામ લોકો માને છે કે પશુ ધર્મગ્રંથોના લેખનના પુરાવા આપશે, કથાઓના સિમ્બોલિક મુલ્ય વિષે દલીલ કરશે. એમણે પ્રતિદલીલો પણ વિચારી છે.  

પણ પશુ હસી પડે છે અને કહે છે “ જો અર્જુને તીર ન માર્યું અને પાણીની ધાર ન થઇ તો ભીષ્મ પિતામહને પાણી કોણે પાયું ? અને કૃષ્ણ ઈશારો કરે પછી અર્જુન તીર ન મારે એવું કઈરીતે બને? તમને લોકોને કોઈ સમજણ જ નથી.” 

આ અકાટય તર્કનો શું જવાબ આપવો? જે સ્ત્રી પોતાના સમગ્ર કન્વિકશનથી એ કથાઓને , હાજરાહજૂર ઈશ્વરને માને છે, આંખ બંધ કરીને દેવને જોઈ શકે છે … એની સાથે શું દલીલ કરવી? 

શરદબાબુએ પશુના પાત્રમાં શ્રધ્ધાનું સૌન્દર્ય અપ્રતિમ રીતે આલેખ્યું છે. 

જ્ઞાન અને તર્ક અત્યંત મોંઘી જણસ છે, પણ એક સુખી જીવન માટે એ પર્યાપ્ત નથી. ગીરીશ કર્નાડ રેશનલિસ્ટ હતા અને છતાં ‘નાગમંડલ’માં એમણે નાયિકા પાસે કહેવડાવ્યું છે “ જબ હમ કહેતે હૈ કી હમ હમેશા હમેશા કે લીએ સુખી રહે તો બહોત સારી બાતો કો માનકર ચલના પડતા હૈ. મન મેં ઉઠનેવાલી શંકાઓ કો તકિયે કે નીચે દબાકર સો જાના પડતા હૈ. ક્યુંકી હર પ્રશ્ન કા ઉતર આવશ્યક નહીં હોતા.”

એલડસ હક્સલે જેવા અસ્તિત્વવાદી અને રેશનલિસ્ટ પણ જીવનના અંત તરફ જતા શ્રધ્ધાના શરણે આવ્યા હતા. ‘આઈલેસ ઇન ગાઝા’માં તેઓ કહે છે “ આ ભૌતિક વિશ્વ પુરતું નથી. કશુક ઓછું માનવીય, કશુક દૈવીય હોવું જોઈએ.” વાસ્તવમાં જીવનના અંત તરફ જતા અનેક વિદ્વાનો અનએક્સપ્લેઇન્ડ ટ્રુથમાં  અને ઈશ્વરીય વિભાવના માનવા લાગે છે. જીવાયેલો દીર્ઘ જીવનપટ એમને ‘અજ્ઞાતનો સ્વીકાર એ જ જ્ઞાન છે’ એ સત્ય તરફ લઇ જાય છે. 

‘આ વિશાળ બ્રહ્માંડનો નિયંતા તમારી પીડાઓને જાણે છે’ એ વિશ્વાસ જો અબજો લોકોને જીવનબળ આપે છે તો એ વિશ્વાસ પોતે જ એક મિરેકલ છે. જેને જોયું જાણ્યું નથી એવા તત્વમાં અચલ શ્રધ્ધા એ જ ગુઢ બાબત નથી ? તો ગુઢનો નકાર કઈરીતે થઇ શકે ? 

અને જો આ વિશ્વ સંપૂર્ણ તાર્કિક બની જાય તો એ કેવું શુષ્ક અને નિરાશાજનક હશે ? મંદિરમાં થતી આરતી અને ચોગાનમા કબૂતરને જાર નાખતા વૃધ્ધો , પરોઢની અઝાન , ધર્મગ્રંથો, પરીકથાઓ , ક્રિસમસ અને સાંતાક્લોઝ , વિશ ફાઉન્ટેઈનમાં નખાતો સિક્કો , શણગાર કરીને વ્રતમાં જવારા વાવતી ઢીંગલીઓ, માથેથી રાઈ-મીઠું ઉતારતી માતાઓ , સીમંતમાં ગાલ પર થાપો મારતો દિયર, ગળામાં પહેરાવાતું મંગળસૂત્ર, દિવાળી પર પ્રગટાવાતા દીપ, ઘરના ઉંબરે સાથીયો દોરીને લખાતું લાભ-શુભ, આવેલી જાનને માથે કળશ લઈને વધાવતી કુમારિકા, ક્રિકેટમેચની કટોકટીની પળોમાં મનાતા દીવા, મૃત્યુશૈયા પર પોઢેલા પિતાને મોઢામાં તુલસીપાન મુકતો પુત્ર  …. આ બધા વિનાનું વિશ્વ કેવું હશે ? 

એવા વિશ્વની કલ્પના કરવા કરતા હાથમાં શંખની ચૂડી પહેરેલી પશુરાજ કૃષ્ણગીત ગાતા ગાતા ગાયનું મસ્તક પસવારતી હોય એ વિશ્વ મને વધુ જીવવા જેવું લાગે છે. સૌથી મોટી સમઝણ એ છે કે એક લાંબી ઉત્ક્રાંતિ પછી જે માનવસભ્યતા વિકસી છે એનું શુભ મરવા ન દેવું. 

રેશનલિસ્ટસ પણ અંતે તો શ્રધ્ધાવાદીઓ જ છે. એમની શ્રધ્ધા પોતાની બુદ્ધિ અને ઇન્દ્રિયગત જ્ઞાન પર છે. તો જો અન્યની શ્રધ્ધા ઇન્દ્રિય જગતથી પરેના સંવેદન પર હોય તો એનો વિરોધ શા માટે ? અંતમાં a quote given by a man of science ..

There is a philosophy that says that if something is unobservable in principle, it is not part of science. If there is no way to falsify or confirm a hypothesis, it belongs to the realm of metaphysical speculation. But by that standard most of the universe has no scientific reality. It’s just a fragment of our imagination. The truth of the cosmos is not only queerer than we suppose, but queerer than we CAN suppose. ( Leonard susskind- ‘Quantum physics’)

Dear retionalist friends …. આ વિશ્વને પશુરાજની જરૂર છે, Because blessed are those who believe without seeing.