હું હળદરનો પીળચટ્ટો ચોંટીયો ભરીશ,
ભલે ગામ તને રંગે ગુલાલમાં
નેહભર્યા વેણ મને હોરવશે નહીં,
હું તો ગાળ્યું દઈશ તને વ્હાલમાં
ગામની વહુવારું બધી લાજ્યું કાઢે,
ને ઈને માથે મર્યાદાનો ભાર
ખુલ્લાફટાક મારા મોઢા પર ઝીલ્યા
મેં તગતગતી આંખ્યુંના વાર
જાતીલા ઘઉંની ભોમકા ભલે,
તીખા મરચા ય ઉગે સે મારા ભાલમાં
નેહભર્યા વેણ મને હોરવશે નહીં,
હું તો ગાળ્યું દઈશ તને વ્હાલમાં
હુંવાળું લોક, ઇમના હુંવાળા ભાયગ
ને હુંવાળું વાત્યુંનું પોત
ચૈતરની કાળઝાળ લુ એ ધગેલી
મારી બોલીની લાલચોળ જ્યોત
વેણથી મપાય કદિ માણહના મન?
ઓરડો પરખાય પરહાળમાં ?
નેહભર્યા વેણ મને હોરવશે નહીં,
હું તો ગાળ્યું દઈશ તને વ્હાલમાં