નાયકલક્ષી કાવ્ય – ૪

જો,મને ઢોલવાળો મનીયો ય ગમે સે,
એટલે ટણીયુ તો કરવાની નઈ જ.
માપમાં રેવાનું, ‘કેમ સો’ કેવાનું ,
મોટાઈની ડંફાશયુ કરવાની નઈ જ
જો, મને ઢોલવાળો…

આ હું સીધી લીટીની બળી સું ને ભાઈબંધ,
ઈમાં હંધોય તારો વટ સે
બાકી વાંકા થવામાં કોઈ બાયુંને પુગે
એવી ખાંડયુ ખાનારાને ફટ સે
આ ફેરા હામેથી આવજે મનાવવા ,
હું ગરજ્યું દેખાડવાની નઈ જ.
જો, મને ઢોલવાળો…

કોક-કોક દિ તો દાઝ એવી ચડે સે,
તને ગામની વચાળે બે આલું
પણ ડોહાઓ જોઇને ફાટી પડે તો ?
ઈની સરમેં બેહી રહું સુ સાલું
બાઝણા બે ઘડી હોય બળ્યા-મોં ના,
રોજ દોન્ગાઈયુ કરવાની નઈ જ.
જો મને ઢોલવાળો….

Leave a Comment