મ્હાય્લે ધગે સે મારે ચૂલો , ને દાઝ મને એવી ચડે સે મારા રોયા
ઓલી રવલીને જોઈ તારી આંખ્યુંમાં ઉગેલા ઓરતા મેં આઘે થી જોયા.
તું કાગડાની જાત, મારા દહીંથરા શા મૂલ, તોય હાચવ્યા મેં તારા ઘરબાર
ધગધગતા ખેતરમાં વાઢ્યા મેં ધાન અને રોટલામાં કાઢ્યો અવતાર
તોય હાળા ભમરાળા તેં તારા સાનભાન, ઈ રમલીની પસવાડે ખોયા ?
મ્હાય્લે ધગે સે મારે ચૂલો ને દાઝ મને એવી ચડે સે મારા રોયા
આજથી નહિ છાણા નહિ બેડાનો ભાર, વાસીદા હોત નહિ વાળું
વડ્કું કરું તારી વાંકદેખી મા ને , ને કહી દઉં હું તારું ભોપાળું
બાઈ તારા કુંવરને મલમલ ગમ્યું નહિ , ઈ કોથળાના કપડામાં મોહ્યા
મ્હાય્લે ધગે સે મારે ચૂલો ને દાઝ મને એવી ચડે સે મારા રોયા