મિર્ઝા હાદી રુસ્વાએ 1899માં એક ઉર્દુ ઉપન્યાસ લોકો સમક્ષ મુક્યું જેનું નામ ‘ઉમરાઓ જાન અદા’. રુસ્વાસાહેબના સમયમાં લખનૌમાં રહેતી એક તવાયફ ‘અદા’ ના જીવન પરથી આ ઉપન્યાસ રચાયું છે. ઓગણીસમી સદીના અંતભાગમાં ફૈઝાબાદમાં રહેતી દસ-અગિયાર વર્ષની અમીરન નામની બાળકીનું એક માણસ અપહરણ કરે છે અને લખનૌમાં ‘ખાનમજાન’ નામની એક તવાયફના કોઠા પર એને વેચી દે છે. ‘ઉમરાઓ જાન’ એ અમીરનને અપાયેલુ નામ છે ,અને આ પુસ્તક એક તવાયફની જીવનકથા છે.
આર્થર ગોલ્ડનની નવલકથા ‘ મેમોઈર્સ ઓફ અ ગેઈશા’ ફિક્શન છે, પણ એની પ્રેરણા જાપાનની એક પ્રખ્યાત ગેઈશા સાથેની વાતચીત પરથી લેવાઈ છે એવું માનવામાં આવે છે. 1929 માં જાપાનના એક કોસ્ટલ ટાઉનમાં રહેતી નવ વર્ષની ચિયો નામની બાળકીને વેચી દેવાય છે. ક્યોટોમાં ગેઈશાના વ્યવસાયમાં પડેલી એક સ્ત્રીને ત્યાં એ ખરીદાય છે. ‘સયુરી સાન’ ના નામે ચીઓ પોતાનું ગેઈશા જીવન જીવે છે એની આ પુસ્તકમાં કથા છે.
સોમાલી મામ દ્વારા વર્ષ 2008-09 માં આત્મકથાના સ્વરૂપે એક પુસ્તક આવ્યું જેનું નામ ‘ ધ રોડ ઓફ લોસ્ટ ઇનોસન્સ’. કેમ્બોડિયાના એક ગામડામાં રહેતી અગિયાર વર્ષની સોમાલીને એક વ્યક્તિ ખરીદીને શહેરના બ્રોથેલમાં વેચી દે છે. અનેક બ્રોથેલ્સ અને સેક્સ ટ્રેડમાં પસાર થઈને સોમાલી કઈરીતે ઉગરે છે એનું આ પુસ્તકમાં આત્મકથન છે.
ત્રણ જુદી સદી, ત્રણ જુદા દેશ અને ત્રણ જુદી સ્ત્રીઓ …. પણ ત્રણેયનું મૂળભૂત કથાનક એક જ છે. ત્રણેય સાવ કુમળી વયે કોઈ સમજણ વિના એક નિશ્ચિત પ્રકારના વિશ્વમાં ધકેલાય છે અને ત્રણેયનું કથાનક એક અઘરા જીવનનો દસ્તાવેજ છે.
પણ એક તફાવત છે… A striking difference which you will see if you will think about it.
ઉમરાઓ જાન અને સયુરી સાન ક્રમશ; તવાયફ અને ગેઈશા છે. એ લોકો પોતાના કાર્યને ફક્ત દેહવ્યવસાય તરીકે જોતા નથી. અને એ સાચું પણ છે.
એ સમયના લખનૌમાં તવાયફો સંગીત અને નૃત્ય પરંપરાની જાણકાર સ્ત્રીઓ હતી. બકાયદા શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ અપાતું આ બાળકીઓને. એમની ઉઠક-બેઠક એલીટવર્ગમાં થતી. મુજરાના ભાવ બોલાતા અને તવાયફોની ગાયકીની ખ્યાતી તથા પ્રતિષ્ઠા હતી. એમનું જીવન પણ આર્થિક સમૃદ્ધિમાં વીતતું.
આવું જ ગેઈશા પરંપરાનું છે. ગેઈશાનું કામ કરતી સ્ત્રીઓ વર્ષોની તાલીમ લે છે. એમની વેશભૂષા, વાળનું ગુંથણ, ગુરુ-શિષ્ય પરંપરા અને અનેક કલાઓની જાણકારી એમને જાપાની સભ્યતાની એક આગવી ઓળખ સમાન વર્ગ બનાવે છે.
આથી જ ઉમરાઓ જાન અને સયુરી સાનની કથા ફક્ત ટ્રેજેડી નથી. એ બન્ને જે વિશ્વમાં પ્રવેશે છે ત્યાંની ખૂબીઓનું પણ એમાં વર્ણન છે. ઉમરાઓના વાક્ય મુકાયા છે એ જુઓ
“ ખાનમ કા મકાન થા કી એક પરિસ્તાન થા. હર કમરે મેં ધૂપ-લોબાન જલતે રહેતે ઓર સજાવટ માશાઅલ્લાહ ..!! ખાનમને કભી અપની બેટી ઓર બાકી લડકિયોં મેં ફર્ક નહીં કિયા . અચ્છે સે અચ્છા ખાના ઓર ખેલના . મેરી ગાને કી તાલીમ ઉસ્તાદજી કે પાસ બડે ઉસુલ સે કરવાઈ ગઈ … મજાલ હૈ કી સુર કોમલ સે અતકોમલ હો જાએ ? મૌલવી સાહબને ફારસી પઢાઈ , અલીફ-બે સે શુરુ કરકે ખત ઓર શેરો-શાયરી સિખાયા . ઉન્હીકે પાંવ કી બદોલત જહાં ગઈ વહાં હેસિયત સે જ્યાદા ઇઝ્ઝત મિલી. બુઆ હુસૈની ભી બહોત ચાહતી થી મુઝે. કભી મેં રો પડી તો ઉસકી આંખો સે આંસુ નીકલ આતે.”
ઉપરનું લખાણ એ કોઈ અબ્યુઝીવ એજન્સી કે દલાલનું ચિત્રણ નથી માત્ર. એ વિશ્વના સૌથી પૌરાણિક વ્યવસાયની આસપાસ ઉભી કરાયેલ તહેઝીબનું વર્ણન છે. આ જ બાબત ‘મેમોઈર્સ ઓફ ગેઈશા’ માં પણ છે.
સયુરી બનવા માટે ચિયોને ફ્લાવર અરેંજમેન્ટ શીખવાય છે, ટી સેરેમની શીખવાય છે. એને ગેઈશાની તાલીમ આપતી સ્કુલમાં વર્ષો સુધી મોકલાય છે જ્યાં એ અનેક વાજિંત્ર વગાડતા શીખે છે, ભાષાઓ શીખે છે, વાળમાં મીણ લગાવીને બાંધતા શીખે છે. અંતે એને ‘ એલ્ડર સિસ્ટર’( ગુરુ) ગેઈશા-વ્યવસાયમાં પવિત્ર રિચ્યુઅલ કરીને પ્રવેશ કરાવે છે. ચિયોનું ગેઈશા બનવાનું ઓલમોસ્ટ એમ્બીશન આકાર લે છે અને એમાં એ અન્ય કરતા વધુ બહેતર બનવા કોમ્પીટીટીવ પણ હોય છે.
અને આ છતાં સત્ય એ છે કે તવાયફ અને ગેઈશાનું કામ દેહવ્યવસાય છે. ફક્ત એની આસપાસ ઉભી કરાયેલી કલાની, તહેઝીબની દીવાલ એમને થોડું જુદું સ્ટેટ્સ આપે છે … એમની પોતાની અને અન્યની દ્રષ્ટિમાં એમનું સ્થાન થોડું જુદું બની રહે છે. Art can make an ugly truth bearable … આ વાક્ય જો વિશ્વમાં ક્યાંય લાગુ પડતું હોય તો અહીં પડે છે.
હવે ત્રીજી કથા … ‘ ધ રોડ ઓફ લોસ્ટ ઇનોસન્સ’ એ કમ્બોડિયાના બ્રોથેલ્સની બ્રુટલ સ્ટોરી છે. અહીં કોઈ આવરણ નથી, કોઈ સંવેદના નથી …. ફક્ત ‘ફ્લેશ ટ્રેડ ફોર મની’ નું કુરૂપ વાસ્તવ છે. કોઈ નાનકડી છોકરી વિરોધ કરે તો એના મોઢામાં ખોબો ભરીને ઈયળ નાખી દેવાય છે, હાથ-પગ તૂટી જાય એટલો માર મારવામાં આવે છે. બ્રોથેલ્સ પાસે કમીશન લેતા ડોક્ટર્સ અને પોલીસ છે . આ એવો અંધકાર છે જ્યાં માણસાઈ નામનું તત્ત્વ પ્રવેશ કરતા કંપી ઉઠે. એ વાતાવરણમાં થી બહાર આવતી સ્ત્રીની એ સ્ટ્રગલ સ્ટોરી છે.
પહેલી બન્ને નવલકથામાં એ જ કાર્ય હોવા છતાં એમાં મોટાભાગની વ્યથા માનસિક છે, જેમકે પ્રેમભંગ, દગો, સામાજિક નિરાદર કે નૈતિક ગીલ્ટ. ત્રીજી નવલકથા શારીરિક હિંસા અને ક્રુરતા દ્વારા થતા સફરિંગની છે. અને આથી જ કદાચ ત્રણેયનું કથાઓનો અંત જુદો છે.
ઉપરના બન્ને કથન ભયાનક પીડાના નથી… નોસ્ટાલ્જિયાના છે. આનાથી વિપરીત ત્રીજી સ્ત્રી જૂની સ્મૃતિઓની ભૂતાવળ કયારેય ભૂલતી નથી.
ત્રણ પ્રશ્ન થાય છે …
1 – ઉમરાઓ અને સયુરીની વ્યક્તિગત કથા લખાઈ અને એમની વ્યથા અનેક સુધી પહોંચી. સોમાલીએ પોતાની પીડાને તમામ બાળકીઓની સલામતી માટેની લડતમાં બદલી નાખી. કયું વધુ પરિણામગામી હોઈ શકે ? વ્યક્તિગત આલેખન કે સમષ્ટિ માટેની લડત ?
2 – સમય સાથે આપણે આધુનિક બન્યા છીએ. વૈચારિક ઉત્ક્રાંતિના આગળના સ્ટેજ પર છીએ. પણ ઓગણીસમી અને વીસમી સદીની કથાનો અપ્રોચ વધુ માનવીય લાગે છે … એનાથી વિપરીત એકવીસમી સદીની વાર્તામાં બર્બરતા વધુ છે. Do you think civilization has taken a U turn?
3 – What is unbearable for women involved in this? What they do? Or how others treat them?