ઝુરાપાનો દરિયો, ને ઈ દરિયે આવ્યા પુર.
વાંભ સરીખા મોજા ઉછળે , હૈયુ ગાંડુતુર
થડ્કારાની વીજ ઝબૂકી, કાળુઘોર અંધારુ
ઝંઝાવાતે માઝા મૂકી, નભ ભાસે ગોઝારુ
થાય લબાકા છાતીમાં ને થર-થર કાંપે ઉર
વાંભ સરીખા મોજા ઉછળે , હૈયુ ગાંડુતુર
ડૂબી દિશાઓ,દ્રશ્યો ડૂબ્યા,જગ જળબંબાકાર
ઝંઝાના વિકરાળ વેશમાં ધૂણે જેમ મહાકાળ
થૈ- થૈ નાચે ભૈરવ, ઉમટ્યું જુગજુનું કોઈ ઝૂર
વાંભ સરીખા મોજા ઉછળે , હૈયું ગાંડુતુર.