જૈનીઝમ ઇન ચાઈના

જૈનીઝમ ઇન ચાઈના

હું તો ચુસ્ત જૈન પરંપરામાં માનનારી, અને ચાઈના તો સાપ પણ ખાનારા લોકોનો દેશ. મારે તો બટાકા, લસણ, ડુંગળી બધાનો વાંધો…..અરે પર્યુષણમાં તો અમે ઘણા શાકભાજી પણ ન ખાઈએ…..શું થશે? કઈરીતે રહીશું? આવા અનેક પ્રશ્નો હતા મનમાં. પણ આજે પાચ વર્ષે હું ગર્વ થી કહી શકું છું કે અમે અહી પણ પ્યોર જૈન જ રહ્યા છીએ. અમે દેરાસર પણ જઈએ છીએ અને ચાઈનામાં જ મારી બન્ને દીકરીઓએ સિદ્ધિતપ (૪૫ દિવસના ઉપવાસ) પણ કર્યું છે.”

ક્રિનાબેન શાહ, ચાઈનાના શાંઘહાઈ પાસે ચાન્ગ્શુંમાં છેલ્લા છ વર્ષ થી રહે છે. ૨૦૦૯માં એમના હસબંડ તુષારભાઈને કંપનીના કામ અંગે ચાઈના શિફ્ટ થવું પડ્યું. અને ૨૦૧૧ ની શરૂઆતમાં ક્રિનાબેન પણ પોતાની બન્ને દીકરીઓ સાથે ત્યાં ચાલ્યા ગયા. ધર્મ અને ભાષાની તકલીફ, બે ટીનેજર દીકરીઓ માટે નવું વાતાવરણ ……આવા અનેક પ્રશ્નો હતા મનમાં , પણ મન મજબુત કરીને એમણે આ નિર્ણય લીધો. એ લોકો એપ્રિલમાં ત્યાં પહોચેલા, પણ આપણા શિયાળા જેટલી ઠંડી હતી. ક્રિનાબેન કહે છે કે ચાઈનામાં ઓક્ટોબર થી એપ્રિલના અંત સુધી ઠંડી પડે છે. ડીસેમ્બર જાન્યુઆરીમાં તો ટેમ્પરેચર માઈનસ સાત સુધી જતું રહે, અને વરસાદ તો આખું વર્ષ ચાલુ હોય પણ ધીરે ધીરે અમે ટેવાઈ ગયા.

ચાન્ગ્શું શાંઘહાઈની પાસે આવેલું હિલસ્ટેશન જેવું સ્થળ છે. જો કે ચાઈના નું પાટનગર બીજિંગ છે, પણ શાંઘહાઈ એ ચાઈનાનું ગ્લેમર સીટી છે. આપણા મુંબઈની જેમ એ દિવસ અને રાત ધમધમતું રહે છે. વસ્તીની દ્રષ્ટીએ વિશ્વના સૌથી મોટા દેશનું આ સૌથી મોટું શહેર છે. અહીની ૧૨૦ માળ થી પણ ઉચી ઈમારતોના ટોપ ફ્લોર પર કોફી હાઉસીસ છે, ઝાકઝમાળ નાઈટલાઈફ છે અને મલ્ટીકલ્ચરલ વાતાવરણ છે. ક્રીનાબેને મહામહેનતે શોધેલા કેટલાક પ્યોર વેજીટેરીયન રેસ્ટોરન્ટસમાં હિન્દી ફિલ્મી સોંગ્સ પર લોકો મસ્તીમાં નાચી પણ લે છે.

શરૂ -શરૂમાં ભાષાની ખુબ તકલીફ થતી કેમકે ત્યાં સામાન્ય બોલચાલમાં લગભગ બધે ચાઇનીઝ બોલાય છે. અધિકૃત લેખિત ભાષા પણ વર્નાક્યુલર ચાઇનીઝ છે. સ્કુલો પણ મહદઅંશે ચાઇનીઝ મીડીયમમાં ભણાવે છે. જો કે ક્રિનાબેનની બન્ને દીકરીઓ ઇન્ટરનેશનલ સ્કુલમાં છે….પણ ફ્લુઅંટ ચાઇનીઝ બોલી અને લખી શકે છે. એમની મોટી દીકરી દેશના સ્કૂલિંગ પૂરું કરીને આગળ ભણવા આ વર્ષે અમેરિકા જઈ રહી છે , જયારે નાની વાચના દસમાં ધોરણમાં છે. નવા દેશમાં છોકરીઓ એ નવા મિત્રો બનાવ્યા છે અને તેમનું વ્યક્તિત્વ પણ ઘણું બદલાઈ ગયું છે. ક્રીનાબેને શાકાહાર, પર્યુષણના ઉપવાસો, નિયમિત દેરાસર જવું….વગેરે નિયમો જાળવી રાખ્યા છે. infact ત્યાના ઇન્ડિયન એસોસીએશનના એ સભ્ય છે જેમાં ૧૦૦૦ જેટલા ભારતીય પરિવારો જોડાયેલા છે. દિવાળી, નવરાત્રી, હોળી આવા તહેવારો આ લોકો ભેગા મળીને રંગેચંગે ઉજવે છે.

તહેવારોની વાત પરથી ક્રીનાબેને કહેલી એક મસ્ત વાત એમના જ શબ્દોમાં મુકું “ અહી દર વિવારે બધા બગીચાઓમાં ફરવા આવે ત્યારે ઘણા બધા લોકો પતંગ લઈને આવે. ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાડતા ટેણીયાઓ જોઇને મઝા પડે…..પણ મારું બેટું કોઈ એકબીજાની પતંગ કાપે જ નહી!! ખાલી આપણી પતંગ ચગાવ્યા કરવાની….એમાં શું મઝા આવે? ઉતરાયણ તો ભારતની જ. ઢીલ દે- ઢીલ દે ના બુમબરાડા, ધાબા પરના કાન ફાડી નાખે તેવા મ્યુઝીક અને ‘એ કાપ્પી’ ની ચીસો અમે બહુ મિસ કરીએ” હા …હા….હા….સાચી વાત છે. એકબીજાની પતંગો કાપવાનું આપણા જેવું કોઈને ના આવડે. ખેચાખેચ તો ભાઈ ભારતની જ. આપણી ચગે કે ના ચગે પણ બીજાની કાપવાનો જે આનંદ છે એ વિશ્વમાં આપણા સિવાય કોણ સમઝી શકે?

ચાઈનામાં વ્યક્તિ તંદુરસ્ત હોય તો ગમે તે ઉંમરે પણ પોતાને માફક આવે એવું કામ કરી શકે છે. લોકો પોતાનું શરીર કાર્યરત રહે એ હેતુ થી કામમાં જોડાયેલા રહે છે. ફક્ત કોઈ અઠ્ઠાવન વર્ષનું છે એટલે એણે ઘેર બેસીને આરામ કરવો જોઈએ એવું અહીની સરકાર નથી માનતી. સીનીયર સિટીઝન્સ પણ કામ કરે છે અને અર્થતંત્રમાં પોતાનો ફાળો આપે છે. ક્રિનાબેનને ત્યાં જે હેલ્પર બેન આવે છે, તેમને પોતાને ઘેર બે ગાડીઓ છે….પણ પ્રવૃત્તિ રહે એ માટે ક્લીનીંગનું કામ કરે છે. કોઈ કામને નાનું અથવા હીન ગણવામાં આવતું નથી. મહેનતનો અને સ્વાસ્થ્યનો મહિમા છે.

અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ચાઈનનું સ્થાન શું છે તેનો અંદાજ એ વાત થી આવી શકે કે ચાઈનાનું કુલ આંતરરાષ્ટ્રીય વેપાર મુલ્ય છે ૩.૮૭ ટ્રિલિયન અમેરિકન ડોલર(૨૦૧૨ ના આંક પ્રમાણે) જે વિશ્વમાં સૌથી વધુ છે. દવાઓના ઉત્પાદનમાં ચાઈના ત્રીજા ક્રમે આવે છે…..પણ કેટલીક હેલ્થ સંબંધિત સમસ્યાઓ અહીના નાગરિકો સામે ઉભી થઇ રહી છે. વિશાળ વસ્તી, શહેરીકરણ , વાહનોમાં વધારો…..આના લીધે એર પોલ્યુશન ખુબ વધ્યું છે. આવકની તીવ્ર અસમાનતાને કારણે કેટલીક જગ્યાએ ઓબેસિટીના તો કેટલીક જગ્યાએ કુપોષણના પ્રશ્નો છે. દરેક જગ્યા એ એક્સ્ટ્રીમ વિરોધાભાસ જોવા મળે છે.

૨૦૦૯માં PISA ( પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ) ના રીપોર્ટ પ્રમાણે ચાઈનાના વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં મેથ્સ અને સાયન્સમાં પ્રથમ આવ્યા હતા. બીજી તરફ હાયર એજ્યુકેશન મોંઘુ હોવાને લીધે અનેક લોકો તેનાથી વંચિત રહે છે. કદાચ અમુક અંશે ભારત અને ચાઈના સમાન દેશો છે. બંન્ને વિકાસની પ્રક્રિયામાં થી પસાર થઇ રહ્યા છે અને બન્ને સામે વસ્તીના ખુબ મોટા પ્રશ્નો છે. બસ એક જ તફાવત છે……..ત્યાના કડક કાયદાઓ એ એમના વિકાસને શિસ્ત અને ગતિ આપી છે જયારે આપણી લોકશાહી અને ઢીલા કાયદાઓ આપણે માટે બાધક બન્યા છે. મજબુત કાયદાઓ અને સજાના કડક ધોરણો ને લીધે જ કદાચ ત્યાં સલામતીનું ધોરણ ઉચું છે. બે યુવાન દીકરીઓ ની માં તરીકે ક્રિનાબેન માને છે કે ચાઈના ઘણો સુરક્ષિત દેશ છે. આટલી બધી વસ્તી હોવા છતાં ટ્રાફિક પણ અત્યંત વ્યવસ્થિત અને નિયમ આધીન છે. ચાઈના જગતની સૌથી મોટી આર્થિક મહાસતા બનવા તરફ તેજી થી આગળ વધી રહ્યું છે.

ચાઈનામાં મુખ્ય ખોરાક ભાત, ઘઉંની બ્રેડ, નુડલ્સ, સી ફૂડ અને મોટાભાગની નોનવેજીટેરિયન રેસીપીઝ છે. પોર્ક ત્યાં સૌથી વધુ પ્રચલિત છે. આ ઉપરાંત બીફ, ચીકન અને સી ફૂડ ની અઢળક વેરાયટીઝ તો ખરી જ. લોબસ્ટર, ઓકટોપસ, ઓઇસ્ટર્સ, ક્રેબ્સ ,પ્રોન્સ……….આ બધાની વચ્ચે ક્રિનાબેન કાચા કેળાની પેટીસ કે પાઉભાજી બનાવે છે, બાજુવાળી નેબર સાથે ચાઇનીઝમાં ગપશપ કરે છે અને સંવત્સરીને દિવસે સાડી પહેરી ચંદનનો ચાંદલો કરે છે. પોતાની યુવાન બની ગયેલી દીકરીઓની સાથે વેસ્ટર્ન વેરમાં ફોટોઝ પડાવતા ક્રિનાબેન ખાસ્સા આધુનિક છે. એટલા આધુનિક કે દીકરીઓના મિત્રો સાથે પણ ફ્રેન્ડશીપ કરી શકે……..પણ રોજ સવારે ઘરમાં નવકાર ગુંજતા રાખે છે. અમદાવાદમાં ક્રિનાબેનનું પિયર અને સાસરું છે અને અનેક બહેનપણીઓ પણ છે. દર વર્ષે એકવાર એ અહી આવીને બધાને મળી જાય છે. બન્ને સંસ્કૃતિના સારા નરસા પાસા જાણતા ક્રિનાબેન પહેલા ગુજરાતી છે, પછી ભારતીય અને અંતે વિશ્વનાગરિક…….

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી…..એ જ વાત થી ગજ ગજ ફૂલે છાતી .

નવરાત્રીનો ગર્ભ દીપ હું, હું શેત્રુંજય શૃંગ

સુર્ય મંદિરે નિત્ય શોભતો ધવલ તેજ નો ભૃંગ

હું કેવળ હું હોઉં છતાં હું હોઉં સદા મહાજાતિ …..હું એવો ગુજરાતી .

Leave a Comment