જેન્ડર

“ જેન્ડર- ડીસક્રીમીનેશન”

દિવસોનુ પણ માણસોની જેવુ જ હોય છે. જેમ કેટલાક માણસોને જોતા જ તમને ખ્યાલ આવી જાય કે ‘આ માણસ તમારા માટે પનોતી છે’, એમ કેટલાક દિવસો બુંદીયાળ જ ઉગતા હોય છે. એ દિવસે તમે ગેસની સામે ઉભા હો અને ચા ઉભરાઈ જાય છે, બાથરૂમમાં હો અને નળમાં પાણી આવતું બંધ થઇ જાય છે અને કાંસકો કોઈ અગમ્ય જગ્યાએ મુકાઈ ગયો હોવાથી જડતો નથી.

સમીર માટે એ મંગળવારની સવાર બિલકુલ એવી જ પડેલી. એને એ દિવસે યુનિવર્સીટીમાં એક જેન્ડર- ડીસક્રીમીનેશનના સેમિનારમાં પેપર પ્રેઝન્ટ કરવાનુ હતુ. એણે સાત વાગ્યાનું એલાર્મ મુકેલું પણ વાગ્યુ નહિ અને એ સીધો પોણા આઠે ઉઠ્યો. પથારીમાં થી સફાળો ઉભો થઈને તીરની જેમ છૂટેલો સમીર અડધી કલાક પછી રઘવાયો થઈને દાઢીનું બ્રશ શોધતો હતો. રસોડાની છાજલી પર, ગોદડા નીચે, લેપટોપ પાસે ક્યાંય બ્રશ ન મળ્યુ અને અંતે સમીરે એમનેમ સાબુ ચોપડીને દાઢી કરી. એને ગામડે રહેતી માં નો લગ્ન કરી લેવાનો આગ્રહ યાદ આવ્યો પણ ફક્ત દાઢીના બ્રશ માટે લગ્ન કરવા એ એને યોગ્ય લાગ્યુ નહિ.

બાઈક કાઢીને એણે યુનિવર્સિટી તરફ મારી મૂકી. એ મનમાં પોતાની સ્પીચના મુદ્દાઓ યાદ કરી રહ્યો હતો. આમ તો કોઈ ખાસ તૈયારીની જરૂર નહોતી કેમકે છેલ્લા બે વર્ષથી એ કોલેજમાં ભણાવતો હતો અને વળી આજનો વિષય એવો હતો કે જેમાં તૈયારી વિના પણ બોલી શકાય. ‘સ્ત્રીઓ પ્રત્યેનો અન્યાય’ આમા તો કેટલુ બધુ કહી શકાય. લગભગ દસ વાગવા આવ્યા હતા અને ચાર રસ્તા પર સિગ્નલ ક્રોસ કરીને સમીર નીકળ્યો ત્યાજ એક હવાલદારે એને લાકડી દેખાડીને રોક્યો. ઓલરેડી લેટ થઇ ગયેલો સમીર અકળાયો પણ એણે બાઈક સાઈડ પર લીધી. ત્રણેક પોલીસવાળા એને ઘેરી વળ્યા “હેલ્મેટ કેમ નથી પહેરી?”. સમીરને ખ્યાલ આવ્યો કે ભૂલ પોતાની જ હતી…આજે ઉતાવળમાં હેલ્મેટ ભુલાઈ ગયેલી. એણે માફી માગી અને ફાઈન ભરવાની તૈયારી દેખાડી. એ પૈસા કાઢતો હતો અને એક હવાલદારે કહ્યુ “આ નંબરપ્લેટ ય ઘસાઈ ગઈ છે, ભણેલા થઈને કાયદા તોડો છો…હજાર રૂપિયા ભરવા પડશે.” સમીરને ખ્યાલ આવ્યો કે એ લોકો બહાના કાઢીને વધુ પૈસા પડાવવાની ટ્રાય કરતા હતા. એનુ આદર્શવાદી મગજ બળવો પોકારી ઉઠ્યુ. પોતે અધ્યાપક હતો, પોતે જ જો ચુપચાપ ખોટું સહન કરી લે અને લાંચ આપે તો આ દેશના ભવિષ્યને શું શીખવાડશે?

પહેલા તાર્કિક સમજાવટ, પછી જીભાજોડી અને અંતે ઉશ્કેરાટમાં એણે એક પોલીસવાળાને કીધુ “કાયદા મને ય ખબર છે, ભણેલા માણસ સાથે વાત કરો છો તમે” ટ્રાફિકપોલીસ આવા નિશ્ચિત વીસ વાક્યો રોજ સાંભળતી હોય છે અને એમના ફિક્સ જવાબો છે. સમીરને ખૂણામાં બેસાડી દેવામાં આવ્યો અને રસીદ બનાવવાને બહાને ટાઈમપાસ શરુ થયો. ભરચક રસ્તા પર વાહનોની ભીડમાં અને અવાજોમાં એક પાળી પર બેઠેલો સમીર મનમાં ધૂંધવાતો હતો પણ અત્યારે એને આનાથી વધુ માથાકુટમાં પડવું પોસાય તેમ નહોતુ. અગિયાર વાગે સેમીનાર શરુ થતો હતો. મનોમન સિસ્ટમને ગાળો દેતો અને હવાલદારની સાત પેઢીનુ નામકરણ કરતો એ બેસી રહ્યો.

બરાબર દસને ત્રેવીસ મીનીટે એણે જોયું કે એક બહેન રોંગસાઈડમાં સ્કુટી લઈને નીકળ્યા, એમણે હેલ્મેટ પહેરેલી નહોતી અને ટ્રાફિક પોલીસે એમને અટકાવ્યા. સાડી પહેરેલી પાંત્રીસ આસપાસની એ સ્ત્રી સ્કુટી અટકાવીને બગડી “ આમ વચ્ચે ઉભા છો…બ્રેક ન વાગે તો તમારા ઉપર સ્કુટી ના ચડી જાય? સાઈડ પર ઉભા રેવાનુ” હજી પોલીસ કઈ બોલે એ પહેલા એણે કાંડામાં ભરવેલી શાકની થેલી એને આપીને કીધુ “પકડો આ, પાર્ક તો કરુ”. શાકની થેલી લઈને ઉભેલો હવાલદાર જરા ડઘાયો….એણે બાકીના ત્રણ જણને નજીક બોલાવ્યા. બહેન સાઈડમાં સ્કુટી પાર્ક કરીને આવ્યા એટલે એમનામાં એક જરા રુઆબદાર માણસ હતો એણે કડક અવાજે પૂછ્યુ “લાઈસન્સ છે સાથે?” બહેને છાશિયુ કર્યું “ અરે સાથે ક્યાંથી હોય? મારી પાસે તો લાઈસન્સ છે જ નહિ. બે વાર આર.ટી.ઓ. જવાનો ટાઈમ લીધો પણ કોઈકને કોઈક કામ આવી જાય કે પ્રસંગ હોય.”

સમીરને હસવુ આવ્યુ … એ સ્ત્રીને અંદાજો જ નહોતો કે એ કેવી ફસાઈ હતી. ચારેય ટ્રાફિકવાળા એકબીજા સામે જોઈ રહ્યા હતા. અંતે એક જણે કીધુ “બહેન આમાં તો મોટો પ્રોબ્લેમ થાય…ના ચાલે. એક કામ કરો અત્યારે પાંચસો રૂપિયા આપો અને તરત લાઈસન્સ કઢાવી લેજો. સમીરને હાડોહાડ લાગી આવ્યુ “પોતાની પાસે બધા ડોક્યુમેન્ટ હતા અને હજાર ફાઈન, આ સ્ત્રી પાસે લાઈસન્સ જ નથી અને પાંચસો?” એ વિરોધ નોંધાવવા જતો હતો પણ ત્યાં જ પેલા બહેનનો સ્પષ્ટ અને મોટો અવાજ સંભળાયો “જુઓ…હું દરજીને ત્યાં બ્લાઉઝની સિલાઈના પૈસા દેવા જાઉ છુ. તમને આપુ તો એને કઈરીતે આપું? કાલે મારે લગનમાં એ સાડી પેરવાની છે…એટલે મેળ નહિ પડે.” હવે પેલા લોકો ગૂંચવાયા કેમકે આ વાક્ય એમના અનુભવક્ષેત્રની બહારનુ હતુ. તર્કબદ્ધ દલીલ, દાદાગીરી આ બધાનો જવાબ દેવો સહેલો છે પણ તદન એબ્સર્ડ વાતમાં ઘણીવાર માણસ મૂંઝાઈ જાય છે. બીજુ કશુ ન સુઝતા હવાલદારે સહેજ અવાજ ઉંચો કર્યો “ એ બધું અમે ના જાણીએ બહેન, પૈસા આપો નહીતર વાહન જપ્ત થશે”. હવે બહેન બગડ્યા “ ઓ…ઘાંટા તો પાડવાના જ નહિ સમજ્યો..હુ પાડુ ઘાંટો? આ આટલા વરસ થી હું વાહન ફેરવું છું ને તમે પૂછતાં ય નથી એટલે મેં લાઈસન્સ ની ઉતાવળ ના કરી. આજે તમને તમારું કામ યાદ આવ્યું તે મારે બધા કામ પડતા મેલીને લાઈસન્સ હાટુ દોડવાનું? હું નવરી છુ? અત્યારે ઓળો બનાવવાને બદલે ધડ કરવા ઉભી છું તે શરમ નથી આવતી તમને? લે …જા રાખ સ્કુટી…હું તો રિક્ષામાં જતી રહીશ”

આટલુ કહીને બહેન ચાવી મુકીને ચાલવા માંડ્યા.પેલા ચારેય ખખડી ગયેલા સ્કૂટીને ત્યાં જ પડેલું જોઇને સખત કંટાળ્યા. એક જણ બહેનની પાછળ દોડ્યો “ઓ બહેન, લઇ જાઓ આ, અહીં મુકીને ના જવાય” બહેન પાછા ફર્યા પણ એમનો બબડાટ ચાલુ હતો “ સવારમાં દાડો બગાડે છે. પોતે પરવારીને અહી આવીને ઉભા રહી ગ્યા એટલે બીજાને ય કામધંધો ના હોય? દરજી બંધ થઇ જશે તો કોણ મારું કામ પતાવશે?” ચારેય પોલીસવાળા આઘાપાછા થઇ ગયા અને બહેન ગયા.


સેમિનારમાં સ્ત્રીઓના શોષણ, તેમનુ ઉતરતુ સ્થાન, પુરુષનો ખોટો અભિગમ …આ બધુ ચર્ચાયુ. કોણજાણે કેમ પણ સમીરને પોતે ભરેલા હજાર રૂપિયા અને પેલા બહેનનો બિન્દાસ ચહેરો જ દેખાયા કર્યા. એને આ સેમિનારમાં પૂછવું હતુ કે “એ બહેનની જગ્યાએ હું હોત તો શું થાત?”. જો કે આવો અનુચિત પ્રશ્ન ન પૂછવામાં જ સાર રહેલો હોય છે.

Leave a Comment