ચાલને સખા સુખને શોધીએ,
શિયાળાની રાતે થોડી ટૂંકી રજાઈને સાથે મળીને ચાલ ઓઢીએ
ચાલને સખા સુખને શોધીએ.
ગરમ-ગરમ ચા અને અડધી સિગરેટ , એથી વધુ હોય શું મહોલાત ?
જ્યાં સુધી સુરજ ન ભૂલે ઉગવાનું , ત્યાં સુધી વળી શાનો વલોપાત ?
પામીએ પણ પામવાનું વળગણ ન રાખીએ ,
કોઈ પકડ્યું પકડાય? ચાલ છોડીએ…
આંખોથી ટપ-ટપ-ટપ વહેતા આંસુડા , એ માણસની મોટી મિરાત
દિવસનો ગણ કોઈ માનત નહિ ભેરુ મારા , પડતી ન હોત જો આ રાત
આંગણે ઉગાડવું છે સુખને જો છોડ જેમ
દુઃખનું ખાતર તો થોડું જોઈએ…