ગુડ મોર્નિંગ મેમ

” શિક્ષણ “

લેકચર પૂરું થવાનો બેલ વાગ્યો અને આખા બિલ્ડીંગમાં પળવારમાં ધમાલ મચી ગઈ. પ્રોફેસર્સ પોતાની ફાઈલ્સ લઈને સ્ટાફરૂમ તરફ જવા રવાના થયા અને વિદ્યાર્થીઓએ કેન્ટીન બાજુ ગતિ કરી. ક્લાસરૂમની બહારના પેસેજમાં ભીડ થઇ ગઈ. કોઈકને નોટ્સ એક્સચેન્જ કરવાની હતી, કોઈકને ફ્રેશર્સ પાર્ટીના પાસ લેવાના હતા, કોઈ પોતાના નવા સ્કર્ટને ફ્લોન્ટ કરી રહ્યું હતું અને યુથ ફેસ્ટીવલના વિદ્યાર્થીઓ રીહર્સલની જગ્યા શોધી રહ્યા હતા. એ જ રોજનો ઘોંઘાટ અને કલબલાટ. જોર થી હસવાના અવાજો, દેવાતી તાળીઓ, ધબ્બા અને કોઈક ખુણામાં શરુ થઇ રહેલી પ્રેમકથાઓ…

મીરા પોતાની બુક્સ સમેટીને ક્લાસમાં થી નીકળી. આજે લેકચર પતાવતા પાંચેક મિનીટ મોડું થઇ ગયેલું, એક અગત્યનો કોન્સેપ્ટ સમજાવતી હતી. પણ એ પાંચ મીનીટમાં તો ક્લાસમાં છોકરાઓનું મોઢું એવું થઇ ગયેલું જાણે હિરોશીમા નાગાસાકી ને બદલે બોમ્બ એમની ઉપર પડ્યો હોય. મીરાના ભયે કોઈ કઈ બોલ્યું નહિ પણ એમનું મોઢું તો “આઝાદી અમર રહો” ના સુત્રો પોકારવા જેવું જ બની ગયેલું.

મીરાને મનોમન હસવું આવ્યું. પ્રિન્સીપલ ઇચ્છતા કે વિદ્યાર્થીઓને કોલેજ અવર્સ પછી પણ એક્સ્ટ્રા ક્લાસ લઈને ભણાવવા જોઈએ. વિદ્યાર્થીઓ પેંતરામાં રહેતા કે એક જ લેકચર ભણવું પડે અને એમાય પ્રોફેસરને હાર્ટએટેક આવી જાય તો સારું. આ બે તદન વિરોધાભાસી આઈડીઓલોજી ની વચ્ચે સંતુલન અઘરું હતું.

સ્ટાફરૂમ પાસે પહોંચેલી મીરાં કેબીનનું ડોર ખોલે એ પહેલા જોર થી બુમ સંભળાઈ “મીરાં મેમ, ગુડ ડે”. મીરાએ પાછળ ફરીને જોયું નહિ પણ એનું મોઢું કટાણું થઇ ગયું. કેબીનમાં આવીને એણે ચોપડા ટેબલ પર પછાડ્યા અને કહ્યું “ આઈ એમ સીક ઓફ ધીસ બોય કાબરા”. પછી તો તમામ સ્ટાફ મેમ્બર્સ કાબરાની ચર્ચાએ ચડી ગયા. જેમ વિદ્યાર્થીઓના ટોળા પ્રોફેસર્સને ડિસ્કસ કરતા એ જ રીતે સ્ટાફ રૂમમાં કેટલાક બદમાશ બાળકો કાયમી ચર્ચાનો વિષય રહેતા. કાબરા માટે બદમાશ શબ્દ થોડો નાનો પડે એમ હતું પણ શિક્ષકોના આ વીશ્વમાં અસભ્ય શબ્દો વપરાતા નહિ.

કાબરા રાજસ્થાન થી અમદાવાદ ભણવા આવ્યો હતો. અહીં “ભણવા આવ્યો હતો” એ શબ્દોને લીટરલ મિનીંગમાં લેવા વ્યર્થ હતા. એ ભાગ્યે જ કોઈ લેકચર ભરતો કે કોઈ એકેડમિક પ્રવૃતિમાં રસ લેતો. આખો દિવસ સ્ટુડન્ટ યુનિયનની સભાઓમાં જવું અને બાકીનો સમય કોલેજ કેમ્પસમાં દાદાગીરી અને મારામારી કરવી એ એની મુખ્ય પ્રવૃત્તિ હતી. એકાદ-બે વાર એ કોઈના લેકચરમાં આવ્યો ત્યારે એણે એટલું તોફાન કરેલું કે બધા એ ન આવે એમ જ ઇચ્છતા. આ આખીયે વાતમાં આમ તો મીરાને કોઈ લેવાદેવા નહોતી. એ સામાન્ય રીતે પોતાના સિલેબસ સિવાયની વાતોમાં રસ લેતી નહિ, વળી એની છાપ પણ સ્ટ્રીકટ ટીચરની હતી એટલે ભાગ્યે જ શિસ્તના પ્રશ્નો ઉભા થતા…પણ ચારેક મહિના પહેલા એક લોચો વાગેલો.

એ સમયે અસાઈન્મેન્ટસનું સબમીશન ચાલતું હતું. સ્ટુડન્ટસના ટોળાઓ ઉભરાતા હતા અને મીરાં બે કલાક થી એમના પ્રોજેક્ટ્સ લઇ રહી હતી. દરેક વિદ્યાર્થી “ લો એન્ડ ઇટ્સ ઈમ્પ્લીમેન્ટેશન” પર પોતાનું કામ સબમિટ કરતો, એકાદ-બે સવાલના જવાબ આપતો અને મીરાં એને માર્ક્સ આપીને રવાના કરતી. ભીડ થી ઘેરાયેલી મીરાં પાકી ગઈ હતી અને બરાબર એ સમયે કાબરા પોતાના હાથમાં એક ફાઈલ લઈને પ્રગટ થયો હતો. એણે ફાઈલ આપી અને મીરાએ જોયું કે એના પર લખેલું હતું “ઈંગ્લીશ લિટરેચર”. ગરમીના લીધે હોય કે પછી કાબરાની ખરાબ ઈમેજને લીધે હોય પણ મીરાને ગુસ્સો આવી ગયો.

એણે એની સામે જોઇને ધારદાર અવાજે પૂછ્યું “ તમને ખબર છે કે હું કયો સબ્જેક્ટ લઉં છું?”

કાબરા એ મુર્ખની માફક પૂછ્યું “ આ ફાઈલમાં લખ્યો છે એ નથી લેતા?”

અને બસ…મીરાએ પીતો ગુમાવ્યો. “ કઈ ફાઈલ છે, કોણ ટીચર છે, શું ભણાવે છે કશી જ ખબર નથી તમને અને દાદાગીરી કરી ખાવી છે આખો દિવસ. આ માટે રાજસ્થાન થી અહીં આવ્યા છો તમે? માં-બાપના પૈસા બગાડીને ગુંડા બનવાનું છે? એક માર્ક નહિ આપું અસાઈન્મેન્ટમાં. ફેઈલ થશો ત્યારે ભાન થશે તમને. પોતાની જાતને બહુ હોંશિયાર સમજો છો?”

કાબરા સીધી આંખે જોતો રહ્યો. ન એણે નીચું જોયું કે ન સોરી કહ્યું. હવે મીરાં ખરેખર ઉકળી “ જાઓ નીચે જઈને બીજા વિદ્યાર્થીઓને પૂછી આવો કે હું કયો વિષય ભણાવું છું અને મારું નામ શું છે. સાચી ફાઈલ લઈને આવો ,ત્યાં સુધી તમને કોઈ માર્ક્સ નહિ મળે.”

એ ગયો અને કલાક રહીને સાચી ફાઈલ લઈને પાછો આવ્યો. આવીને એણે ફાઈલ મુક્તા કહ્યું “લો એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન”. મીરાએ કશું પૂછ્યા વિના એ ફાઈલ લઇ લીધી અને એને હાથ થી જવાનો ઈશારો કર્યો. એ જતો જ હતો અને અચાનક એને શું સુઝ્યું કે પાછળ જોઇને એણે મીરાને કહ્યું “નામ પૂછી લીધું મીરાંમેમ, ગુડ ડે”.

બસ એ દિવસ થી એ નઘરોળ છોકરો કોલેજમાં રોજ એને “મીરામેમ ગુડ ડે” કહેતો. ક્લાસમાં તો એ આવતો નહિ પણ ક્યારેક પેસેજમાં તો ક્યારેક પાર્કિંગમાં, ક્યારેક કેન્ટીન પાસે તો ક્યારેક લાયબ્રેરીની બહાર એ વિશ કરવા ભટકાઈ જતો. મીરાને ભયંકર ચીડ ચડતી કેમકે એ જાણતી હતી કે આ આદર થી નહિ, દુષ્ટતાના ભાગરૂપે કહેવાતું હતું. પણ આ વાતની ફરિયાદ પ્રિન્સીપાલને કઈરીતે કરવી? એવું તો ન જ કહેવાય કે “આ છોકરો ‘ગુડ ડે’ કહીને તોફાન કરે છે”.
ખાલી એક માનવાચક શબ્દ બોલીને કોઈને કઈરીતે ઈરીટેટ કરી શકાય એનું આ ઉદાહરણ હતું.

પછી તો મીરાએ ય ગણકારવાનું બંધ કર્યું. એને માટે આવા નંગ બાળકો રોજની વાત હતી. જાતજાતના નમૂનાઓ આવતા અને દરરોજ કોઈને કોઈ ધમાલ ચાલ્યા કરતી. પણ કાબરાએ પોતાનો ક્રમ ત્રણ વર્ષ જાળવી રાખ્યો. જાણે “મીરામેમ ગુડ ડે” કહીને એ વ્યંગમાં હસે નહિ તો યુનીવર્સીટીમાં કુકડો નહિ બોલે એવી નિષ્ઠા થી એ પોતાના રૂટીનને વળગી રહેલો. ટી.વાય. ની પરીક્ષા પછી એ બધાને મળવા આવેલો ત્યારે મીરાએ કડક શબ્દોમાં એને કહેલું “ ગુડલક…આશા રાખીએ કે તમે પાસ થશો અને જીવનમાં કૈક કામ કરશો. થોડી શિસ્ત શીખજો અને નિયમોમાં રહેજો. આડા રસ્તે ચાલીને ક્યાંય પહોંચાતુ નથી એ વાત યાદ રાખજો.”. એ સાંભળી ને ચાલ્યો ગયેલો.


હવે એ દિવસોની વાત જ્યારે એક બીજી ઘટના બની. મીરાની કમ્પાઉન્ડ વોલનું કામ ચાલતું હતું એ દરમ્યાન પાડોશી સાથે માથાકૂટ થઇ કે “અમારી બે ઇંચ જમીન પર દબાણ થયું છે”. આ નજીવી વાતમાં બે ઘર વચ્ચે બોલાચાલી થઇ અને બાજુવાળાએ કોર્ટની નોટીસ ફટકારી. ઝગડો થયો ત્યારે મીરાં હાજર પણ નહોતી અને એ દીવાલ તોડાવી નાખવા પણ તૈયાર થઇ ગઈ પણ વાત બે ઘરના સભ્યો માટે વટની બની ગઈ હતી. એ મુદ્દો એટલો ચગ્યો કે એક વર્ષથી લગલગાટ કોર્ટમાં મુદ્દત પડતી રહી અને મીરાં ધક્કા ખાતી રહી.

દૂર આવેલી કોર્ટમાં જવું, ગમેતેવા લોકો સાથે પાટલી પર બેસવું, ધડમાથા વિનાની દલીલો સાંભળવી અને કોઈ જ નિકાલ વિના પાછા ફરવું…ત્રાસી જતી એ. એને ત્યાં બેસવું જ એટલું એમ્બેરેસિંગ લાગતું કે આખા શરીરે પરસેવો વળી જતો. દરેક સમસ્યાને કેસ સમજતા કાળા કોટ, રીઢા ગુનેગારો, પાન ચાવતા એજન્ટસ અને આવનજાવન કરતી પોલીસ…ક્યાં ફસાઈ ગઈ હતી એ? કોણ હતી એ? કંઈ કેટલીય પેઢીઓને ભણાવી હતી એણે, એથીક્સ અને કાયદા શીખવ્યા હતા. પણ કાયદાનું અને વ્યવસ્થાનું આ સ્વરૂપ એણે જોયું નહોતું. આ પાકીટમારો અને જોર-જોર થી ઝગડતા લોકો વચ્ચે શું કરવું એ એને ખબર નહોતી.આવી જ એક અકળાવનારી બપોરે એ કોર્ટરૂમની બહાર બેંચ પર આંખો બંધ કરીને બેઠી હતી અને એણે અવાજ સાંભળ્યો “મેમ”. સામે એ જ …કાબરા ઉભો હતો. ચારેક વર્ષ પહેલા દેખાતો એવો જ લાગતો હતો, પણ એના કાંડા પર સોનાનું ભારે કડું હતું. આંખોમાં એ જ દુષ્ટતા હતી પણ કપડા અને દેખાવ સમૃદ્ધિની ચાડી ખાતા હતા. ખબર નહિ કેમ પણ એના “શું થયું ?” પ્રશ્નના જવાબમાં મીરાએ બધું કહી નાખ્યું. વાસ્તવમાં આ સાવ અપરિચિત વાતાવરણમાં એ એટલી ત્રાસી ગઈ હતી કે એનાથી કહેવાઈ ગયું. એ કઈ બોલ્યો નહિ ખાલી ફ્લેટ ચહેરે “આવું” એમ કહીને ચાલ્યો ગયો.

પાંચેક મીનીટમાં એ પાછો આવ્યો અને કહ્યું “ પતી ગયું મેમ…હવે હેરાનગતિ નહિ થાય. કેસ નીકળી ગયો”. મીરા સ્તબ્ધ બની ગઈ “એટલે? કેવીરીતે? શું?” કાબરાએ સહજતા થી કહ્યું “ તમને નહિ ખ્યાલ આવે મેમ…પણ પતી ગયું. કદાચ એકાદ સહી કરવાની હશે તો બોલાવશે”. અસમંજસમાં જ મીરાએ પૂછ્યું “ આર યુ અ લોયર?” કાબરા જોરથી હસ્યો અને પછી જવાબ આપ્યા વિના જ જતો રહ્યો.

થોડી મૂંઝવણ અને થોડા હાંશકારા સાથે મીરાએ પર્સ લઈને ચાલવા માંડ્યું અને એ દાદર પાસે પહોંચે એ પહેલા એને પેસેજના છેક બીજે છેડે થી બુમ સંભળાઈ “મીરામેમ ગુડ મોર્નિંગ”

Leave a Comment