કુવૈત ની યાદો
હું અને મારો ભાઈ કુવૈત માં શરૂઆતમાં એટલું બધું લોસ્ટ ફીલ કરતા હતા કે અમે રીતસર જીદ પકડેલી કે અમને ઇન્ડિયા પાછા જ જવું છે. ન અંગ્રેજી આવડે ન અરેબીક….એટલે ઘણા સમય સુધી અમારે મિત્રો પણ નહોતા. સ્કુલમાં કશું સમજાતું નહી અને કોઈ સાથે વાત પણ કરી ન શકીએ….it was a major struggle.”
ડીમ્પલ મૂળ મહેસાણાની પટેલ જ્ઞાતિની દીકરી છે. ઉચ્ચ મધ્યમવર્ગમાં થી આવતી ડીમ્પલ એક થી ચાર ધોરણ ગુજરાતી માધ્યમમાં જ ભણેલી. આજ થી લગભગ પાંત્રીસ વર્ષ પહેલા અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાનો આટલો ક્રેઝ નહોતો. એ પાંચમાં ધોરણમાં આવી અને એના ફાધર નારાયણભાઈ પટેલને કુવૈતના પાવર સ્ટેશનના હેડ તરીકે નિમણુક મળી. ૧૯૮૪ ના કોઈ એક મહિનામાં ડિમ્પલનું કુટુંબ કુવૈત પહોચ્યું. શરૂઆતનો ઉત્સાહ અને નવી જગ્યાનો આનંદ થોડા દિવસ રહ્યો….પણ સ્કુલમાં સત્ર શરુ થયું અને મુશ્કેલી ઉભી થઇ. કુવૈતમાં રાષ્ટ્રીય ભાષા અરેબીક છે,એટલે અરેબીક સ્કુલ અથવા ઈંગ્લીશ સ્કુલ એ બે જ વિકલ્પો હતા. એ વર્ષોમાં ભારતમાં તો અંગ્રેજી વિષય જ પાંચમાં ધોરણમાં ઈંટ્રોડયુસ થતો….એટલે બન્ને ભાઈ બહેનને તમામ વિષયો અંગ્રેજીમાં ભણવાના આવ્યા એટલે સખત ગુચવણ ઉભી થઇ. વળી અરેબીક પણ ફરજીયાત….ડીમ્પલ હસતા હસતા કહે છે “ઘણા દિવસ એ કકળાટ ચાલેલો, પણ પછી અમે સેટ થઇ ગયા. ફ્રેન્ડસ બન્યા, થોડા વિસ્તારના અને અન્ય ઇન્ડિયનસના જાણીતા થયા પછી અમે રોકકળ બંધ કરેલી”
‘ધ સ્ટેટ ઓફ કુવૈત’ પર્શિયન ગલ્ફની ચોટી પર આવેલો ઇસ્લામિક દેશ છે.તેની સરહદ ઈરાક અને સાઉદી અરેબિયાને અડે છે. વર્ષના મોટા ભાગ દરમ્યાન ગરમ તાપમાન ધરાવતા આ દેશમાં ઘણીવાર શિયાળો પણ એક્સ્ટ્રીમ હોય છે. લગભગ ૬૦% જેટલી વસ્તી અરબ (મેજોરીટી-સુન્ની મુસ્લિમ) છે અને એ પછી ભારતીય અને ઈજીપ્શીયન લોકોનું પ્રમાણ સૌથી વધુ છે. ઓઈલ આધારિત અર્થતંત્ર હોવાથી સ્વાભાવિક રીતે જ સધ્ધર દેશ છે. સમગ્ર વિશ્વમાં કુવૈતી દીનાર સૌથી મોંઘુ ચલણ છે. વર્લ્ડ બેંકના રીપોર્ટ પ્રમાણે કુવૈત દુનિયાનો ચોથા નંબરનો ઉચી માથાદીઠ આવક ધરાવતો દેશ છે. એટલું જ નહી…જેન્ડર ઇક્વાલીટીમાં પણ તમામ ઇસ્લામિક દેશો કરતા કુવૈત આગળ છે.
આ દેશમાં ડિમ્પલનું કુટુંબ ગોઠવાઈ ગયું હતું. એ લોકો સાલ્મીયા નામના શહેરમાં સ્થાયી થયા હતા જ્યાં અનેક માઈગ્રેટ થયેલા ઇન્ડિયન્સ રહેતા હતા. કદાચ ત્યાં જ કાયમી જીવન શક્ય બન્યું હોત…પણ ૧૯૮૯ ની આસપાસ કુવૈત અને ઈરાક વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો. સતત અફવાઓ, સરહદી હુમલાઓ અને ભયનું વાતાવરણ રહેવા લાગ્યું. એ જ વર્ષે ડીમ્પલ દસમું ધોરણ પૂરું કરીને જુનિયર કોલેજમાં આવી. ઉચ્ચ શિક્ષણમાં પણ અરેબીક ભાષાની તકલીફ હતી જ….એટલે એના પેરન્ટસ સ્થિરતા અને સલામતી ખાતર એને આગળ ભણવા, ઇન્ડિયા મોકલવા તૈયાર થયા .ડીમ્પલ વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલમાં રહેવા આવી એના બે-ત્રણ મહિનામાં જ સદ્દામ હુસેને હુમલો કરી દીધો. કુવૈત અને ઈરાક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું…અંધાધુંધી અને અરાજકતા ફેલાઈ. એક અંદાજ પ્રમાણે ઈરાકી હુમલામાં બે જ દિવસમાં પાચ હજાર લોકો મૃત્યું પામેલા અને બાર હજાર કુવૈતીને ઈરાકે બંદી બનાવેલા. ડિમ્પલના પેરન્ટસ ઘર,સામાન, ગાડી અનેક કીમતી વસ્તુઓ જેમ ની તેમ છોડીને ત્યાંથી ભાગ્યા અને મહામુશ્કેલી થી જોર્ડન પહોચ્યા. જોર્ડનમાં કેટલાક દિવસ પછી ઇન્ડિયન ગવર્ન્મેન્ટ દ્વારા મોકલાયેલા પ્લેનમાં ભારત આવ્યા. પણ એ સમગ્ર મહિના દરમ્યાન ડીમ્પલનો જીવ તાળવે ચોટી ગયેલો. ડિમ્પલના શબ્દોમાં મુકું તો “ એરલીફ્ટ મુવીમાં જે ત્યાં હતા એમની સ્થિતિ આબાદ ઝડપી છે, પણ અહી હતા એમની હાલત તો એથીય ખરાબ હતી.”
૧૯૯૧ માં અમેરિકન દળોએ ઈરાકને કુવૈતમાં થી પાછું હઠાવ્યું એ પછી લગભગ ત્રણેક વર્ષ પછી ડિમ્પલના પેરન્ટસ ત્યાં પાછા ફર્યા. એમનું ઘર અને ભવિષ્ય ત્યાં હતું. ત્યાની વ્યવસ્થા, જીવનશૈલીમાં એ સેટ થઇ ગયા હતા. પણ એ સમય દરમ્યાન ડીમ્પલ વિદ્યાનગરમાં ગ્રેજ્યુએશન પૂરું કરી ચુકી હતી. મેથ્સમાં એને યુનીવર્સીટીનો ગોલ્ડમેડલ મળ્યો હતો…. પ્રેમમાં હતી….પાછી જવા નહોતી ઇચ્છતી. એના પેરન્ટસ પણ એની ઇછ્છાને માન આપીને એકલા પાછા ફર્યા. ડિમ્પલે MSc માં પણ ગોલ્ડમેડલ મેળવ્યો અને એમ.ફિલ. પણ કર્યું. એ જેના પ્રેમમાં હતી એને પરણીને અત્યારે મહેસાણામાં જ સ્થાયી છે.ટીનેજર દીકરાની માં છે. અનેક વિદ્યાર્થીઓને ભણાવે છે.
છેલ્લા બાવીસ વર્ષ થી ડિમ્પલનું ફેમીલી કુવૈતમાં જ સ્થાયી છે. કુવૈતના વિઝાના નિયમો સતત કડક બનતા ગયા છે. ઘણા બધા રાષ્ટ્રો પર તો વિઝા પ્રતિબંધ છે….ઇથોપિયા, બાંગ્લાદેશ, ઈરાક,સીરિયા,યેમેન જેવા ઇસ્લામિક દેશોના નાગરિકો ના પ્રવેશ પર પણ કુવૈતે બેન મુકેલો છે.પોતાના નાગરિકો ની સલામતી અને વિકાસ માટે આવી નીતિ અમલમાં મૂકાઈ છે. કદાચ આ સખત અમલને લીધે જ યુદ્ધ પછી આ દેશે બે જ દાયકામાં વૈશ્વિક ક્ષેત્રે સ્થાન મેળવી લીધું છે. આ દેશની અથાગ મહેનત અને અપરાજિત તાકાતનો ખ્યાલ એક ઉદાહરણ થી જ આવી જાય….કુવૈતમાં કાયમી નદી છે જ નહી. આથી સમુદ્રના પાણી માટે વોટર ડીસીલેશન ના પ્લાન્ટ્સ નાખી ને સરકારે વિશાળકાય કુવૈતી ટાવર બનાવી દીધા છે જ્યાં પાણીનો સંગ્રહ થાય છે. જેને કુદરત ન હરાવી શકે તે પ્રજા કેવી બળુકી હશે?
સલ્મીયામાં વિશાળ પાર્કનું નિર્માણ ચાલુ છે, આઈ-મેક્સ થીયેટર છે, ગોલ્ડ માર્કેટ છે, વિશાળ મસ્જીદો અને ભવ્ય એક્વેરિયમ છે…….. ક્યારેક અચાનક ઉઠતા કેસરી ધુમ્મસી સેન્ડ-સ્ટોર્મ છે……..અને એ કેસરી સાંજમાં ચમકતું પિયર છે…..પણ ત્યાં જલ્દી જવાતું નથી. ડિમ્પલે સ્વીકારી લીધું છે કે એનું ઘર અહી છે અને એના મમ્મી-પપ્પાનું ત્યાં.
હવે ડીમ્પલ દિલીપ દલવાડીનો દીકરો મોટો થયો છે. ક્યારેક એને હિસ્ટ્રી ભણાવતી વખતે ડીમ્પલ વિચારે છે…..સદ્દામ હુસેન, ખાડી યુદ્ધ, વિસ્થાપિત કુટુંબો….આ બધું પુસ્તક વાંચીને સમજી શકાતું હશે? કે પછી એક આખી જીન્દગી જીવીને એ અનુભવાતું હશે ? એ સુખી છે. પતિ, સંતાનો, સ્કુલના બચ્ચાઓને ભણાવવાનું કામ, મિત્રો…..બધું જ છે. પણ એક ટુકડો ક્યાંક દુર વસેલો છે. ભૂલી ન શકાય એટલો નજીક, સ્પર્શી ન શકાય એટલો દુર.
“ At times when people say they are homesick…..it is not a land or structure they are referring to. Their longing is for people who were their home.”