થોડા દિવસ પહેલા મારા ફાધરે એક ગીત મોકલ્યુ. ખુબ જૂનું, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું ગીત છે અને બલરાજ સહાની એમાં હીરો છે. હિરોઈન ખબર નથી કોણ છે. એ ગીતના શબ્દો હતા “ હાયે રે વો દિન કયું ના આયે…જા જા કે રીતુ લોટ આયે…હાયે રે વો દિન કયું ના આયે”.
કેવી આશ્ચર્યની વાત છે કે પેઢીઓ બદલાઈ જાય છે, વિશ્વના નકશા બદલાઈ જાય છે, વિજ્ઞાન- કલા અને સાહિત્યના સત્યો બદલાઈ જાય છે….પણ કેટલીક પીડાઓ, કેટલાક ભાવો શાશ્વત છે. આવો જ એક શાશ્વત ભાવ છે કાલખંડ પ્રત્યેના જીવલેણ લગાવનો, ક્યાંક કશુક પાછળ છૂટી ગયાના અલગાવનો. ૧૮૯૦ માં જન્મેલા અગાથા ક્રિસ્ટીના મોટાભાગના પુસ્તકો ઓલ્ડ ઈંગ્લીશ એરાની અસર ધરાવે છે. પોલીશ્ડ ભાષામાં બોલતા વિવેકી જેન્ટલમેન અને હેટ પહેરેલી લેડીઝ, વિશાળ વિલાઓમાં આવેલી લાયબ્રેરીઝ, કોફી લઈને આવતા યુનિફોર્મ પહેરેલા સર્વન્ટ્સ. જાણે એક વીતેલો સમય તમારી સામે ઉભો થઇ જાય છે. આ જ રીતે ‘સાહબ બીવી ઓર ગુલામ’ પુસ્તકમાં રોશની થી ઝળહળતી જુના કલકતાની એ ગલી, રાત્રે હવેલીઓમાં વાગતા ઘૂંઘરું અને તબલા, ઘોડાના ટપ્પાના અવાજ અને પોતાના ઓરડામાં સેંથામાં સિંદૂર પૂરીને બેઠેલી નાની વહુ….આ એક આખા સમયનું ડોક્યુમેન્ટેશન છે. તમે એ પુસ્તકો દ્વારા એ વિશ્વમાં પ્રવેશી શકો છો જે તમે જોયો નથી. લેખકો પણ એ સમયને, એ સમગ્ર અનુભવવિશ્વને કાગળમાં સ્થિર કરી દેવાની ઝંખના થી જ પ્રેરાયા હશે.
૧૯૧૩ માં જન્મેલો આલ્બેર કામુ અલ્જીરિયાને તેના ભાવવિશ્વની પશ્ચાદભૂ માનતો હતો, ૧૯૩૨માં જન્મેલા ચંદ્રકાંત બક્ષી કલકતા માટે આજીવન ઈમોશનલ રહ્યા. આ બધા લેખકો હતા માટે તેમના અટેચમેન્ટ કે વિષાદભાવને શબ્દો મળ્યા. એમણે પોતાનો નોસ્ટાલ્જિઆ વ્યક્ત કર્યો. પણ જે લોકો લેખક નથી તે પણ ( આપણે બધા જ) આ અનુભવ તો કરતા જ હોય છે, હા કદાચ એની અભિવ્યક્તિ શક્ય ન બનતી હોય.
મારા ફાધર અને એમના બધા ભાઈ-બહેનો ભાવનગર પાસે આવેલી એક ગઢેચી નામની જગ્યા માટે સખત સેન્ટીમેન્ટલ છે. અમે બધા કઝીન્સ બાળપણમાં હજારો વખત ત્યાંના કિસ્સાઓ સાંભળી ચુક્યા છીએ. હું પોતે ક્યારેય ત્યાં ગઈ નથી પણ છતાં એનું વર્ણન મને ગોખાયેલું છે. હું જાણું છું કે એ લોકો જે ગઢેચી ની વાત કરે છે, એ કદાચ અત્યારે અસ્તિત્વમાં જ નથી. એમની સ્મૃતિ એ ફક્ત કોઈ ભૌગોલિક જગ્યાની નથી…કાલખંડની છે. શું હોય છે કાલખંડ? સમયનો એક ટુકડો કે જેને બધા પરિબળો સહીત તમે ચાહ્યો છે. મિત્રો, અપરિચિત લોકો, પરિચિત ગલીઓ, જેની ટેવ પડી ગઈ છે તેવી હાડમારીઓ અને એ સમયમાં રહેલા તમે પોતે. અને એટલે જ સતત બદલાતા સમયમાં એ શક્ય જ નથી કે એ કાલખંડને ફરી અનુભવી શકાય.
તમે લખનૌ દસ વર્ષ પછી જાવ ત્યારે તમે પોતે જ એ નથી હોતા. પેલી ગલીના નાકે પાનનો ગલ્લો નથી, બાજુના મકાનમાં ચાચી રહેતા તે ગુજરી ગયા છે, કેટલાક નવા લોકો રહેવા આવી ગયા છે…અને ત્યારે એક અજાણ ઉદાસી ઘેરી વળે છે. હું પોતે વિદ્યાનગર માટે સખત ઈમોશનલ હતી કે છું, પણ હું જવાનું ટાળુ છુ. એક સમયે જે હોસ્ટેલની ૨૦૦૦ છોકરીઓ ઓળખતી ત્યાંથી અજાણ્યા ની જેમ જોઇને પસાર થવામાં મજા નથી આવતી, જે હોલમાં રીહર્સલ કરેલા એ હવે નથી, સાઈતીર્થ જ્યાં હું અને કમલ જમવા જતા એ હવે નથી. અને કદાચ એ બધું એમનેમ હોય તોય હું પોતે હવે એ ક્યાં છું?
ઘડિયાલ નો સમય બધા માટે એક હોઈ શકે પણ કાલખંડો દરેકના જુદા અને આગવા હોય છે. એ સ્મૃતિઓ અને અનુભવ વિશ્વ સાથે જોડાયેલા છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ધરતીકંપ આવ્યો ત્યારે હું પ્રેગનન્સી ના છેલ્લા ફેઝમાં હતી એટલે એ દિવસ ને હું હમેશા મારી પ્રેગ્નન્સી સાથે કનેક્ટ કરીને યાદ કરું છુ. મારી પડોશણ એ દિવસને મિહિરના મૃત્યુ દિવસ તરીકે યાદ કરે છે. ( ઇન કેસ યુ ડોન્ટ નો…’ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ માં તુલસીનો પતિ મિહિર એ દિવસે સીરીઅલમાં મરી ગયેલો.) ગુજરાત સરકાર, હું અને મારી પાડોશણ એક જ ટ્રેજેડીને જુદી જુદી રીતે અનુભવતા હતા.
જોક્સ અપાર્ટ….સમયના ટુકડાની સ્મૃતિ દરેક માટે જુદી હોય છે. બસ એક બાબત સમાન છે અને એ છે અતીતની એ ક્ષણને, એ સ્થળને તેની સમગ્રતા સાથે પામવાની ઝંખના. મેં એકવાર લખેલું “ જ્યારે વ્યક્તિના દાદા-દાદી કે વડીલોનું મૃત્યુ થાય ત્યારે એનું થોડું બાળપણ પણ મરી જતું હોય છે. એના નાનપણ ની ઘટનાઓ, એને શું ભાવતું, એ કઈરીતે પડી ગયેલો…આ બધું પોતાની સાથે લઈને એ લોકો ચાલ્યા જાય છે”
નોસ્ટાલ્જિઆ વિષે બક્ષીનામામાં અદ્ભુત વાક્યો મુકાયા છે “ધુમાડાનું અને સરસિયાના તેલની વાસનું, હુગલી નદીના પાણીનું અને ગંદકીનું કલકતા હવે ક્યાં મળશે દુનિયામાં? આખિરકાર પુરુષને પણ એક પિયર હોય છે….જ્યાં ફૂટપાથ પરનો તડકો ઓળખે છે, ગલી હસે છે, દરવાજો ખબર લે છે, દીવાલો તબિયત પૂછે છે. સોફાનું ફાટેલુ કવર જોઇને આપણી આંગળીઓ પણ ખુશીની કસકમાં જરા બીડાઈ જાય છે કેમકે એ આપણું કારનામું છે. કલકતા …એક આદતનું નામ, ઝીન્દાદીલની કસકનું, દરિયાદિલની નમીનું, મારું નામ, તારું નામ, સર્વનામ.”
છેલ્લે એક નાનકડી વાત. હું બે વર્ષ પહેલા એક મેગેઝીનમાં કેટલીક સ્ત્રીઓ પર લેખ લખી રહી હતી ત્યારે એક ૯૨ વર્ષના સવીતાબા વિષે લખેલું જે ૧૯૨૫ આસપાસ કરાંચીમાં જન્મેલા. બાળપણમાં જ્યાં પાંચીકા રમતા, જ્યાં જાન આવેલી અને જ્યાં પહેલા સંતાનનો જન્મ થયેલો એ શહેર એક દિવસ વિદેશ બની ગયુ છે. સવીતાબાનું પિયર હવે પાકિસ્તાનમાં છે અથવા છે જ નહિ. એ એમની ઝાંખી આંખો થી ભૂતકાળમાં ખોવાઈ ગયેલું પિયર, શહેર અને પરિચિતો ને યાદ કરે છે. જે છે તે ફક્ત એમની આંખો માં છે, વાસ્તવ તો ક્યારનું ખોવાઈ ગયું છે.
આવા વીતેલા દિવસોને નામ, મુઠ્ઠીમાં ન બાંધી શકાયેલ સ્થળ-કાળને નામ, અનેક અજાણ્યા પરિચિતોને નામ …..નરસિંહરાવ દિવેટિયા નું એક કાવ્ય જે એમણે પાટણની પૌરાણસ્મૃતિ રૂપે લખ્યું છે…એક વિષાદયોગ સાથે.
અહિયાં સહસ્ત્રલિંગ તળાવ વિશાળ હતું, અહિયાં પાટણ જૂનું અહિં આ લાંબુ સુતું.
અહિયાં રાણીવાવ તણા આ હાડ પડેલા, મોટા આ અહિં બુરજ મળ્યા માટીના ભેળા.
એમ દઈ નામ કરવી રહી વાતો હાવાં, પાટણ પૂરી પુરાણ ,હાલ તુજ હાલ જ હાવા
ગુજરાતનો પુત રહી ઉભો આ સ્થળમાં, કોણ એહવો જેહ- નયન ભીંજ્યા નહિ જળમાં
તુંયે પાટણ દયા ધરંતી એ સૂચવતી, ભલે કાળની ગતિ મનુજ કૃતિને બુઝાવતી.
મુજ પ્રેમસરિત પુર વહ્યું જાશે વણખૂટ્યું, છો ધન વૈભવ લુંટાય , ઝરણ મુજ જાયે નાં લુંટ્યું.
-( નરસિંહરાવ દિવેટિયા)
By- Devangi Bhatt