સાલુ સંબંધોમા પણ પત્તાની રમત જેવુ છે, આપણા હાથમાં જે પત્તા આવે એનાથી જ ચલાવવુ પડે. રાણી આવી તોય તમારા નસીબ અને દૂડી આવી તોય તમારા નસીબ” સુકેતુ એ વિચાર્યું. આજે ડીસેમ્બરની ઠંડી બપ્પોરે આરામખુરશીમાં લાંબો થયેલો સુકેતુ દુખી દેખાતો હતો. દેખાતો શું હતો…હતો જ. આખી દુનિયા જાણતી હતી કે સુકેતુને દુખી હોવાનું વાજબી કારણ પણ હતુ.
સુકેતુ મહેતા કવિ હતો. શહેરના લગભગ તમામ કલારસિકોનો માનીતો, મુશાયરાઓ ગજવતો કવિ. એને ફક્ત કવિ હોવું પોસાતુ કેમકે એના પિતા કરોડપતિ હતા. પિતાના ગયા પછી વિશાળ હવેલીમાં સુકેતુ, માં અને જમના ત્રણ જ જણ રહેતા. જમનાનુ નામ વિચારતા સુકેતુને કમકમા આવ્યા. લીલો,મેલખાઉં સાડલો પહેરેલી, પરસેવાવાળી, મોટા ઓડકાર ખાતી જમના. ક્યારેક સુકેતુને થતુ કે ભગવાનમાં પણ કલાદ્રષ્ટિનો અભાવ હોવો જોઈએ, નહીતર કવિ સુકેતુ મહેતાની પત્ની જમના? બાર વર્ષના લગ્નજીવનમાં ક્યારેય પોતાની એકપણ કવિતા ન સાંભળનાર જમના ફક્ત ગમાર જ નહિ, નીરસ પણ હતી. જ્યારે જ્યારે સુકેતુએ એને સમજ કે સંવેદનામાં સહભાગી બનાવવા પ્રયત્ન કર્યો ત્યારે એ બગાસા ખાવા લાગતી કે પગના વાઢીયા ખંજવાળતી. થાકીને સુકેતુએ પ્રયત્ન જ છોડી દીધો.
એ દિવસનો મોટાભાગનો સમય કવિતાઓ લખતો, અનુવાદો કરતો અને મેઈલ કરતો. સાંજના કોઈ સભામાં પઠન કરતો કે સંગીત સાંભળવા જતો. ક્યારેક બહાર જ મિત્રો સાથે જમી લેતો. ઘેર જમનાના ગંદા હાથે પીરસાયેલો ખોરાક જમતા એને સૂગ ચડતી. એક સાંજે એણે લખ્યું “ હિમાલયના ધવલ શિખર પર સૂર્યોદય જેવી, શાશ્વત સવાર મળશે મને?” લખ્યા પછી એણે એની સ્વપ્નીલ આંખે બારીની બહાર જોયું તો જમના અગાશીમાં કઢંગી બેસીને કેળુ ખાતી હતી. આટલે દુરથી પણ સુકેતુને ફિલ થયુ કે એના શરીરમાં થી દિવેલની વાસ આવતી હશે. કોણજાણે કેમ પણ એ બાઈ હંમેશા દિવેલ વાપરતી. અરે એકવાર તો સાહિત્ય પરિષદ ની બેઠકમાં થી ઘેર આવ્યો ત્યારે એ પહોળા પગ કરીને એક એઠી ડીશમાં થી શીતોપલાદી ચાટતી હતી.
ધ વર્ડ ઈઝ ‘સ્મશાન વૈરાગ્ય’. બસ આ જ શબ્દ સુકેતુના જમના પ્રત્યેના ભાવ માટે વાપરી શકાય…અને તોય લગ્ન ચાલી ગયેલા. એમાં ટકાવવાની ઈચ્છા કરતા તોડવાનો કંટાળો વધુ જવાબદાર હતો એ જુદી વાત છે. સુકેતુ જીવનને માણનારો, રુજુદીલ માણસ હતો. અભણ જમના સાથે કોર્ટમાં સાંસારિક કજીયો કરવા કરતા એને અવગણીને જીવવાનું એને સહેલુ લાગેલુ. મપણ સંવેદનાઓ સમજનારી સ્ત્રીઓ વિશ્વમાં ક્યાં ઓછી હતી? કોઈને કવિતા સંભળાવી દીધી તો કોઈને પોતાની એકલતા કહી…લાગણી મળી રહેતી. એથી વિશેષ કોઈ અપેક્ષા પણ નહોતી. “સાલા ગયા જનમના પાપ…બાકી લોકોને ત્રણ પાનામાં ત્રણ રાણી ય આવી છે. છટ્ટ…આ વલોપાત જ બોગસ છે” વિચારો ખંખેરીને સુકેતુએ પાનનો ચાંદીનો ડબ્બો ઉઠાવ્યો અને રેશમી શાલ ઓઢી. મોગરાનુ અતર છાંટીને નીકળતા એણે નોંધ્યું કે જમનાએ બે દિવસ થી એકની એક સાડી પહેરી હતી.
તળાવની પાળી પર મિત્રો સાથે બેઠક જામી અને બધાએ કવિતાની ફરમાઈશ કરી. એણે ધીમા અવાજે પઠન શરુ કર્યું “મને ચાહતા ને પાછું ન માંગતા શીખવ, મને લોકોની પીડાને ભાંગતા શીખવ”
જ્યારે સંદેશો આવ્યો ત્યારે કવિતાનો છેલ્લો અંતરો ચાલતો હતો અને બે જણ તો રડી પડેલા. આવનારે કહ્યું કે ‘માં ગુજરી ગઈ હતી’. સુકેતુ દોડ્યો, હાંફળો ફાંફળો ઘરમાં પ્રવેશ્યો અને બારણામાં જ અટકી ગયો. દસ વર્ષથી પથારીવશ માં નો ઓરડો કયો હતો? માં હવેલીના કયા ભાગમાં રહેતી હતી? ઉપ્પર થી અવાજ સાંભળીને એ ઉપ્પર ધસી ગયો. ત્રીજા રૂમમાં માં ને જમીન પર સુવાડી હતી. વર્ષોથી બીમાર હોવા છતાં એનું શરીર ભરેલુ, તેજોમય હતુ. ચોખ્ખા રૂમમાં, અગરબતીની સુવાસમાં માં જાણે હમણા હસી પડશે એમ સુતી હતી. એનો હાથ પકડીને જમના શૂન્યભાવે બેઠી હતી ને નોકરાણી લોકોને રડતા રડતા કહેતી હતી “પેટની જણીની જેમ મળમુતર ઉપડ્યા વહુએ. રોજ દિવેલની માલીશ કરે, નવરાવે, દવા દે…આખો જીવ રેડી દીધો ડોસી હાટુ. ત્રણ દાડા થી તો જમવા ય નવરી નથી થઇ.”
સુકેતુ થી વધુ વાર ઉભા ન રહેવાયુ. એમપણ સુકેતુ પહેલેથી જ ખુબ સંવેદનશીલ છે.
Devangi bhatt
July 22, 2023 - 9:03 pm ·‘નવજીવન ટ્રસ્ટ ‘મા તમારું વક્તવ્ય સાંભળ્યા પછી મેં ‘વાસાસિ જીર્ણાનિ’ વાંચી.ખુબ ગ જઈમી. થોડીક હટકે કહી શકાય તેવી અલગ અંદાજમાં.કંઇક નવું શોધતી હતી અને ગમતું જડી ગયું.આ બ્લોગમાં મુકેલા ગીતો અને વાર્તાઓ સાથે આપણી સફર જારી રહેશે. બેન.ખુબ ખુબ ધન્યવાદ…
Kamal Joshi
July 27, 2023 - 1:18 am ·આભાર