કંકોત્રી ગીત

     “આવકાર”

અજબ ઘડ્યો કિરતારે અવસર મીઠા ઝુરાપાનો ,
પા-પા પગલી ભરનારીના કંકુના થાપાનો
દીકરીને આશિષ આપવા, અમને ટેકો દેવા,
તમે આવજો ,મૌન રહીને “સાથે છું” એ કહેવા.

રામણદીવડો, મોતીભરેલા શ્રીફળ ને ઈંઢોણી,
પાનેતર ને કૈક પથારા ,વસ્તુ ઝીણી ઝીણી
એને દેવા તમામ વસ્તુ ઘરમાં આવી ગઈ છે,
દીકરી દેવાની હિંમત ઉંબર પર રહી ગઈ છે.
એ હિંમતને હાથ દઈને ઘરની અંદર લેવા,
તમે આવજો “મૌન રહીને” સાથે છું એ કહેવા

અમ ઘરનું અજવાળું, નિજ ઘર જ્યારે જાશે,
પોતીકાની હૂંફની ત્યારે અમને જરૂર જણાશે
પ્રસંગનો કોલાહલ ને શણગાર બનીને આવો,
દીકરી માટે લાભ-શુભ, દરકાર બનીને આવો.
જાન ઉઘલ્યા પછી અમોને પળભર ટેકો દેવા,
તમે આવજો મૌન રહીને “ સાથે છું” એ કહેવા.

દેવાંગી ભટ્ટ –

Leave a Comment