ઓ રે ચીરૈયા

ઓ રે ચીરૈયા

શરૂઆતમાં હું રોજ આકાશમાં ઉચે ઉડતા વિમાન દુર-દુર જઈને ટપકું થઇ જાય ત્યાં સુધી જોયા કરતી અને વિચારતી કે આ વિમાન ઇન્ડિયા જતા હશે……પછી હસી પડતી….બધા વિમાન કઈ ઇન્ડિયા થોડા જાય? “ આ વાક્યો છે બિનીતા પંડ્યાના જે કેનેડાના ટોરોન્ટોમાં છેલ્લા દસ વર્ષથી રહે છે.

કાઠીયાવાડના બરવાળા ગામની બિનીતા વિદ્યાનગરમાં ભણી. બી.એ. અને એમ.એ.માં ઈંગ્લીશ લીટરેચરમાં ગોલ્ડ મેડાલીસ્ટ બિનીતાને એમ.ફિલ.માં ડીસટીંકશન છે. ૨૬ જાન્યુઆરીના દિલ્લીની રિપબ્લિક ડે પરેડમાં એના રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચુકેલી બીનીતાને એની થીયેટર પ્રવૃત્તિ માટે પણ અનેક અવોર્ડસ મળ્યા છે. એને એમ.એ.નું રીઝલ્ટ આવ્યું એના અઠવાડિયામાં સાણંદ કોલેજમાં પ્રાધ્યાપકની જોબ મળી ગયેલી. આ વર્ણન વાંચીને કોઈ સ્કોલર જેવું લાગે છે પણ આ મહાઉત્સાહી છોકરી થોડી ચક્રમ પણ ખરી. જેણે ‘Myths of Mahabharata’ જેવા વિષય પર થીસીસ લખ્યો હોય એ બિનીતા ‘કસોટી ઝીંદગી કી’ સીરીયલના મી.બજાજ જીવે એ માટે ઘી ના દીવા માનતી એ વાત કોણ માને? પણ હોય….. કેટલાક લોકો મેન્યુફેક્ચરિંગ ડીફેકટ થી ધૂની હોય છે. 

બીનીતાએ અમદાવાદ રહીને નોકરીની સાથે પોતાની થીયેટર પ્રવૃત્તિ પણ ચાલુ રાખી. સ્ટેજનો પિળો પ્રકાશ, સાહિત્ય, કેટલાક ઝગડાળું મિત્રો અને વરસાદમાં વડાપાંઉની લારી…..સુખી થવા આનાથી વધુ શું જોઈએ? પોતાનું એકટીવા લઈને એ આખા અમદાવાદમાં ફરી વળતી. એના જેવા જ માથાફરેલા એના મિત્રો (પૂજા,ચકી, ચીટી, કમલ, જયવીર,વિશાલ….ને બહુ બધા) એને બિન્ની કહીને બોલાવતા. બટાકા-ભૂંગળાની અને માણેકચોકની ખરીદીની શોખીન આ પ્યોર દેશી બિન્ની ક્યારેય ભારત ન છોડત જો એના લવમેરેજ ન હોત. 

તો એની પસંદ થી જ એના લગ્ન થયા અને ૨૦૦૮ ની એક મોડી સાંજે એ દેશ, નોકરી, થીયેટર, મિત્રો, કુટુંબ બધું છોડીને કઠણ કાળજે ફક્ત બે બેગ સાથે એરપોર્ટમાં અંદર ચાલી ગઈ. જ્યાં તમે ૨૮ વર્ષ જીવ્યા હો ત્યાંથી બે બેગમાં કેટલું લઇ જઈ શકો? ઠાંસી-ઠાંસીને મમ્મી પપ્પા એ ભરેલી બેગોમાં થી કેટલુંય કાઢી નાખવું પડેલું. અઢાર કલાકની મુસાફરી પછી એ ટોરોન્ટોમાં ઉતરી અને પીન્કેશને જોયો ત્યારે એને હાંશ થયેલી “ભલે અજાણી જમીન હતી પણ આ નવું જીવન એના જુના મિત્ર સાથે શરુ કરવાનું હતું.”

ઓગસ્ટ મહિનાની બપોરે આવેલી બીનીતાને લેવા પીન્કેશ આવ્યો ત્યારે એણે કહેલું “વેધર સરસ છે…ઠંડી બિલકુલ નથી” પણ એરપોર્ટની બહાર નીકળીને બીનીતાએ બે જેકેટ ચડાવી લીધેલા. આપણે ૪૫ ડીગ્રી વાળા લોકો ૧૫ ડીગ્રીને સરસ વેધર કઈરીતે કહી શકીએ? વાસ્તવમાં જુદા દેશમાં ફક્ત ઋતુઓ અને ભાષા જ જુદા નથી હોતા……જુદું હોય છે પરિપ્રેક્ષ્ય. જેમકે બિન્નીના પોતાના જ શબ્દોમાં મુકું તો “ અહીં આવીને જોયું કે બધા એકબીજાને નામ થી જ બોલાવે. દસ વર્ષની ટેણી પચાસ વર્ષના વ્યક્તિને ટોમ કહેં. આપણને તો બહુ ઉછાંછળું લાગે. કાકા, મામા, ફઇ, ભાભી આવા હજારો સંબોધનોની દુનિયામાંથી આવતા હો અને અહીં ફક્ત નામનું જ જગત જુઓ તો આઘાત લાગી જાય. વિચાર તો કરો ભારતમાં હું બાજુવાળા માજીને “કાન્તા..કેમ છે?” આવું પૂછું તો લાફો જ મારી દે. શરૂઆતમાં મને ઓક્વડ લાગતું પણ પછી ફાવી ગયું.”

અહીં ચાર વર્ષ શેક્સપીઅર અને વર્ડ્સવર્થ ભણાવીને ગયેલી બીનીતાને ત્યાં રોજબરોજની સામાન્ય વાતમાં એક-બે વાર પૂછવું પડતું….કારણ હતું એક્સન્ટ. શરૂઆતનો તબક્કો મુશ્કેલ હતો. એનું અહીનું ભણતર ત્યાં ટીચિંગ જોબ માટે પુરતું નહોતું. કેટલાક ઇન્ટરવ્યુંમાં ફ્રેંચ ન આવડવાથી રીજેક્ટ થઇ તો ક્યારેક ડ્રાઈવિંગ લાયસન્સ વિના દુરના સ્થળે નોકરીની ઓફર ન સ્વીકારી શકાઈ. પોતાની આવડત અને ક્વોલીફીકેશન કરતા ઉતરતા કામમાં રીજેક્ટ થવું તમને તોડી નાખે છે. આજે એક રીઅલ એસ્ટેટ કંપનીમાં મહત્વના હોદ્દા પર ધરખમ પગારે કામ કરતી બિનીતા એ રિજેકશનની સાંજો ભૂલી નથી. એ સંઘર્ષના દિવસો એ એને ઘડી છે ….સાવકી માં ની જેમ. 

કેનેડા એક મલ્ટીકલ્ચરલ દેશ છે કેમકે ત્યાં વિશ્વના અનેક દેશોના લોકો માઈગ્રેટ થઈને આવ્યા છે. યુરોપિયન, એશિયન, આફ્રિકન પ્રજાઓનો વસવાટ બનેલો આ દેશ અમેરિકન કલ્ચરનો સર્વાધિક પ્રભાવ ધરાવે છે. લગભગ ૪૦૦૦૦ ડોલર ની G.D.P. PER CAPITA અને માનવ વિકાસમાં આખી દુનિયામાં દસમું સ્થાન ધરાવતો આ દેશ જગતના સૌથી વિકસિત રાષ્ટ્રોમાં નો એક છે. આઈમેક્સ ટેકનોલોજી, વોકી ટોકી અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડરડ ટાઇમની શોધ કરનાર કેનેડા ભૌગોલિક રીતે ભારત કરતા ખુબ મોટો દેશ છે (પાંચ ટાઈમઝોન) પણ વસ્તી માંડ ચાર કરોડ છે. અફાટ ખુલ્લા મેદાનો અને રૂપકડા છુટાછવાયા ઘરો ઉડીને આંખે વળગે છે. તો બીજી તરફ ડાઉનટાઉનના કાફે, બીચ પરની ચહેલપહેલ, ભીડભાડ વાળા પબ્સ, કેબ્રે શોઝ તથા ડિસ્કોથેકની નાઈટલાઈફમાં શહેર ધમધમે છે. બીચ પર સનબાથ લેતી સુંદરીઓ કે જાહેર માર્ગ પર કિસ કરતુ કપલ જોઇને આપણી ન ટેવાયેલી આંખો જરા ચકળવકળ થઇ જાય છે. શરૂઆતના વર્ષોમાં આવું જોઇને બિનીતા મોઢું મચકોડતી અને મનોમન ‘મેરા ભારત મહાન’ ની ધૂન બોલાવતી.

પણ આજે એ નવા દેશની સંસ્કૃતિને, ત્યાની વિચારધારાને આદર આપતી થઇ છે. એ કહે છે “અહીં વ્યક્તિની સ્વતંત્રતાનો આદર છે. કોઈ તમારો ન્યાય તોળવા નથી બેસી જતું. કેનેડામાં એટલી બધી જુદી રાષ્ટ્રીયતાના લોકો જીવે છે કે અહીં વૈવિધ્ય પોતે જ એક સંસ્કૃતિ છે. નાયગ્રા પર ઓપન સ્ટેજ પર રોકબેન્ડ કોઈ પણ ભાષામાં ગાતું હોય આસપાસ લોકો તાલબધ્ધ નાચવા લાગે છે. રાત્રે જયારે ધોધ પર ફાયરવર્કસ થાય ત્યારે ઝળહળતા આકાશ નીચે ઉભેલા હજારો લોકો એને આનંદની ચિચિયારી થી વધાવી લે છે….. સીમાઓની પેલે પાર ફક્ત માણસ બનીને.“ પણ સ્વતંત્રતા અને વ્યક્તિવાદની મર્યાદા પણ બીનીતાએ અનુભવી છે.

દીકરીના જન્મ પછી એને ડે કેરમાં ન મુકવી પડે એ માટે એ ચાર વર્ષ સુધી એ ગૃહિણી બની રહી. એ નહોતી ઇચ્છતી કે એના બાળપણની ક્ષણોની સાક્ષી બનવાનુ એ ચુકી જાય. પીન્કેશને આઠ થી દસ કલાકની નોકરી…..ઘરમાં પોતે અને છ મહિનાનું બાળક …ઘણીવાર એકલતા લાગતી, ગભરામણ થતી. ત્યાં પાડોશીઓ વચ્ચે પણ બહુ વાતચીત ન થાય. વિકેન્ડ સિવાય સામાજિક મેળાવડા કે મુલાકાત ન થાય. નાનું બાળક કકળાટે ચડ્યું હોય તો કોઈ બાજુવાળા માસી આવીને તેડી લે એવી સગવડ પણ ન હોય…its difficult. આપણે ભારતમાં રહેતા લોકો અહીંની ઓટલા પરિષદો અને વાટકી વ્યવહારોને ભાંડીએ છીએ પણ આ સામાજિક જીવન કેટલું જરૂરી છે એ સાત સમુદ્ર પાર જઈને જ સમજાય છે. બાજુવાળા ઘરડા બા હરડે ચટાડીને બાળકને શાંત કરી શકે છે એ આશ્વાસનની કિંમત અહીં બેઠા બેઠા થતી નથી.

આજે દસ વર્ષ પછી કેનેડીયન સીટીઝન બિનીતા સેલ્ફ ડ્રાઈવ કરીને ઓફીસ જાય છે, વેકેશનમાં ગ્રાન્ડ કેન્યન જવાના પ્લાન બનાવે છે અને ત્યાના એક થીયેટર ગ્રુપ સાથે પણ જોડાઈ છે. રીયલ એસ્ટેટમાં કામ કરતી બિનીતા રોજ મીલીયન્સના ઘરો અને પ્રોપર્ટી વેચે છે…..પણ હજી એને બરવાળા નામના નાનકડા ગામની સાંકડી શેરીઓ અને મોટા ચોક્વાળા ઘરમાં ઉડીને પહોંચી જવાની ઈચ્છા થાય છે. વિશ્વના બીજા ખૂણે ગયા પછી હવે નાના-નાના પ્રસંગોમાં આવી શકાતું નથી, રસ્તા પર મળતી પાણીપુરી નથી, ઉતરાયણમાં આકાશ ખાલી જોવું પડે છે….પણ નવા અનુભવોની, નવી દ્રષ્ટિની, ખુલ્લા વિશાળ મેદાનોની અને બાગમાં રમતા અનેક સંસ્કૃતિના બાળકોની ખુશી પણ છે.

બીનીતાની દીકરી આઠ વર્ષની થઇ ગઈ છે. એ નાનકડી દીકરી જયારે પોતાની કેનેડીયન અને આફ્રિકન ફ્રેન્ડસને રામાયણની ડીવીડી બતાવે છે ત્યારે, કે જયારે એ પોતાના દાદીને કહે છે “બા …યુ ડોન્ટ સ્પીક ઈંગ્લીશ પ્રોપરલી “ ત્યારે બિનીતા જોરથી હસી પડે છે. સ્વામીનારાયણ મંદિરમાં નવરાત્રીમાં જોશથી ગરબા ગાય છે, ગુજરાતી સ્નેહમિલનમાં સાડી પહેરીને જાય છે અને ઘેર ગોળના લાડુ પણ બનાવે છે. જીવન સરસ સેટલ્ડ છે. ચક્રમ બિન્નીની સામે જો કોઈ ભારત વિષે કઈ બોલે તો આજેય એ રણચંડી બનીને કુદી પડે છે…જાણે આ દેશને ડીફેન્ડ કરવાની જવાબદારી એની ન હોય. એને ખબર નથી કે એ પોતે જ આ દેશની ક્ષમતાની સૌથી મોટી દલીલ છે. 

Recent Comments

  • Sweta mehta
    October 30, 2020 - 8:33 pm · Reply

    બીનીતા ની સ્ટોરી વાંચીને મજા આવી
    સાત સમંદર પાર પણ દરેક ભારતીય ના દિલ માં એક ધબકતું ભારત ..
    પોતાના ગામની સાંકડી શેરીઓમાં જ્યાં બાળપણ વિતાવ્યું એ મિસ કરવું

    ને કેનેડા વર્તમાન જીવન ને ખુબ સરસ રીતે વણી ને રજુ કર્યો છે

  • શચી પંડ્યા
    November 27, 2021 - 4:15 am · Reply

    બીનિતા દી ની સ્ટોરી ❤️ સાવ સાચું કહ્યું સંઘર્ષ ના દિવસો જ ઘડે છે”સાવકી મા” ની જેમ! પણ હા જન્મભૂમિ અને કર્મ ભૂમિ વચ્ચે સંતુલન જાળવવું અને પોતાના મૂળિયાં હજુ જીવંત રાખવા એ માટે તેમને ❤️

Leave a Comment