એન્ડ્યોરન્સ
“ હું ફક્ત દોઢ વર્ષ પહેલા અહી આવી છું, પણ ભારતમાં જે હું અઢાર વર્ષમાં નહોતી શીખી…..એ અહી છેલ્લા દોઢ વર્ષમાં શીખી ગઈ છું. એ સારું કહેવાય કે ખરાબ…મને નથી ખબર, પણ હવે હું લોકો પર આંધળો વિશ્વાસ નથી મુકતી. I have learnt the ways of the world.”
ગુજરાતના નાનકડા ગામ મહુધાના એક મધ્યમવર્ગીય વ્યવસાયિકની દીકરી ધ્રુવી દવે બારમાં ધોરણમાં બાયોલોજી સાથે સારા ટકા એ પાસ થઇ ત્યારે તેનું એક સપનું હતું. એ હેલ્થ કેરનો કોર્સ કરીને વિદેશમાં સેટલ થવા માગતી હતી. એના ઘણા બધા સગા સંબંધી અને મિત્રો જુદા જુદા દેશોમાં સ્થાયી થયેલા હતા.એને પણ મુક્ત અને પ્રોગ્રેસીવ વાતાવરણમાં શ્વાસ લેવો હતો. અને એટલે જ , જયારે એના પપ્પાએ તમામ મુશ્કેલીઓ સાથે લડીને એને વિદેશ ભણવા મોકલવાનું નક્કી કર્યું, ત્યારે એ ઉત્સાહમાં ઘેલી થઇ ગયેલી. જો કે એની મમ્મીને એ આટલે દુર જવા હજી થોડી નાની લાગતી હતી….પણ મમ્મીઓને તો દીકરી ગમે તે ઉમ્મરે ય મોટી નથી જ લાગતી.
એજન્ટની સલાહ થી ન્યુઝીલેન્ડની એક કોલેજમાં હેલ્થકેરના બે વર્ષના કોર્સમાં એડમિશન લીધું અને વિઝા આવતા જ જોરશોર થી જવાની તૈયારી શરુ થઇ ગઈ. ગરમ કપડા, નવા શુઝ, નાસ્તા, દવાઓ ….સામાનનો જાણે ખડકલો થઇ ગયો. પણ પ્રશ્ન એ હતો કે જતાની સાથે જ ધ્રુવીને એરપોર્ટ પર રીસીવ કરવાવાળું કોઈ નહોતું. તદન નવા દેશમાં એનું કોઈ સગું નહોતું જે એને નક્કી થયેલા રહેવાના સ્થળ સુધી પહોચાડે. એજન્ટે ન્યુઝીલેન્ડના કોઈ વ્યક્તિને આ જવાબદારી સોપી. હવે જવાના બે દિવસ પહેલા ધ્રુવીના કોઈ દુરના સંબંધી મળી આવ્યા, જે ન્યુઝીલેન્ડમાં જ રહેતા હતા…એટલે નક્કી થયું કે એ જ એરપોર્ટ થી એને પીક કરી લેશે. આ નવા ડેવલપમેન્ટને લીધે પેલા એજન્ટે નક્કી કરેલા ભાઈને એરપોર્ટ આવવાની ના પાડવામાં આવી…..તો એમણે મદદ કરવાની તૈયારી દેખાડેલી એના પણ ડોલર્સ માંગ્યા. હજી તો પ્લેન પર પગ પણ નહોતો મુક્યો ત્યાં ધ્રુવીને દુરના દેશમાં જીવન સહેલું નહી હોય એ સમજાઈ ગયેલું.
૬ ફેબ્રુવારી ૨૦૧૫ ના રોજ અઢાર વર્ષની ધ્રુવી ન્યુઝીલેન્ડ પહોચી. ત્યાના છ સૌથી મોટા શહેરોમાં નું એક Dunedin ત્યારે સખત ઠંડુ હતું. આમ પણ આ મહિનાઓમાં ત્યાં ૧૧ થી ૧૯ ડીગ્રી જેટલું તાપમાન હોય છે. ઓકલેન્ડ ,વેલિંગ્ટન, હેમિલ્ટન વગેરે ની જેમ જ ડ્યુન્ડેન પણ વિશાળ વસ્તી વાળો એરિયા છે. ન્યુઝીલેન્ડ વિશ્વના વિકસિત દેશોમાં નો એક છે. જી.ડી.પી. પ્રમાણે માથાદીઠ આવક ૪૭૦૦૦ કીવી ડોલર છે, એડલ્ટ લીટ્રસી રેટ ૯૮% છે અને માનવીય વિકાસ આંક પ્રમાણે સમગ્ર વિશ્વમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. કારમાં થી ધ્રુવી કીવી-ડોલરના આ વિકસિત દેશને જોતી રહી. ઉચા બીલ્ડીન્ગ્સ, વિશાળ રસ્તાઓ અને આંખો ચકાચોંધ થઇ જાય તેવી સ્વચ્છતા. અંકલને ત્યાં જઈને એણે પહેલા મમ્મી પપ્પાને ફોન કર્યો કે હું પહોંચી ગઈ છું. આખી રાતના ઉજાગરા વાળા માં બાપે શાંતિનો શ્વાસ લીધો. અઢળક પૈસા ખર્ચીને, દોડાદોડી કરીને, કઈ કેટલીયે ઓફીશીયલ માથાકૂટ કરીને…..અંતે દીકરી પહોંચી ગઈ હતી. હવે એને જે ભણવું છે, જે બનવું છે…એ થઇ શકશે. એક મધ્યમવર્ગીય પરિવાર માટે સંતાનને, એમાય દીકરીને આમ મોકલવી અને ખર્ચ ઉપાડવો કેટલો અઘરો છે એ સમજી શકાય તેવું છે.
બીજા દિવસે વહેલી સવારે ઉઠીને ધ્રુવી તૈયાર થઇ ગઈ. કોલેજનો વિસ્તાર દુર હતો, લગભગ દોઢ કલાકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરીને પહોંચી. ઘણું ફરી પણ ક્યાંય કેમ્પસ મળ્યો જ નહી. મોબાઈલ પણ નહોતો કે જેનાથી કોઈનો સંપર્ક થઇ શકે. અંતે ખુબ રખડ્યા પછી ખૂણામાં આવેલા એક નાનકડા જર્જરિત બિલ્ડીંગના પહેલા માળે એણે કોલેજના નામનું ઘસાયેલું બોર્ડ જોયું. ન હતો વિશાળ લશગ્રીન કેમ્પસ, ન આધુનિક ક્લાસરૂમસ કે ન હતી લાઈબ્રેરી……બસ ત્રણ ચાર નાની-નાની રૂમો અને એક ખખડધજ ઓફીસ એટલું જ હતું. આઘાતમાં જ ધ્રુવી ઓફીસમાં ગઈ. તપાસ કરી તો જાણવા મળ્યું કે કોલેજના નામે બસ આટલું જ છે. વળી હેલ્થકેરનો કોર્સ તો આ વર્ષે બંધ થઇ ગયો છે, અને એના બદલે આ ખખડધજ સંસ્થાએ એને જાતે નિર્ણય લઈને બીઝનેસ મેનેજમેન્ટમાં એનરોલ કરી છે. એને જણાવવામાં આવ્યું કે જો આ કોર્સમાં ભણવું હોય તો ભણો નહીતર એડમીશન કેન્સલ કરી દો.
સાયન્સમાં ભણીને, લાખો રૂપિયા ખર્ચીને, હજારો કિલોમીટર દુર વધુ સારું ભણવા આવેલી ધ્રુવી સ્તબ્ધ થઇ ગઈ. એ શું કરશે? માબાપને કઈ રીતે કહેશે? આ અજાણ્યા દેશમાં લીગલ ફાઈટ પણ ન થઇ શકે. એ તો બીઝનેસ મેનેજમેન્ટ ભણી જ નથી…અને જો આ કોર્સ ન કરે તો એના સ્ટુડન્ટ વિઝા રદ થાય…એણે પાછા જવું પડે. કેડ ભાંગી જાય એવો ખર્ચ કરીને એને અહીં મોકલનારા પપ્પા પોતે બે દિવસમાં પાછી જાય તો શું કરશે? અઢાર વર્ષની ધ્રુવી આઘાતમાં જ અજાણ્યા રસ્તા પર ચાલતી રહી. એનું મન મગજ જાણે સુન્ન થઇ ગયું હતું. એની સાથે ફ્રોડ થયું હતું, અને હવે ન આગળ વધાય કે ન પાછા જવાય એવી સ્થિતિ હતી.
લગભગ એક અઠવાડિયું જાત સાથે લડ્યા પછી, અનેક લોકો સાથે વાત કર્યા પછી એણે નિર્ણય લીધો કે એ પાછી નહી જાય. અહી જ ભણશે અને સ્થિર થશે. આ સહેલું નહોતું. બિલકુલ ન ભણી હોય એવા વિષયના ચાર સેમેસ્ટર ધ્રુવી એ અથાગ મહેનત થી પુરા કર્યા છે. એ જોબ કરે છે. બે વર્ષ પછી એને ત્યાં રેસીડન્સી મળી જાય ત્યારબાદ એ નવેસર થી મેડીકલનો અભ્યાસ કરવા માંગે છે. હા, આ બે વર્ષ બગડ્યા….પણ એ ઓછું નથી શીખી. ત્યાં ટકવા માટે એણે વેઈટ્રેસ તરીકેનું, વાસણો ધોવાનું, બાથરૂમ- ટોયલેટ ક્લીન કરવાનું અને ડોર ટુ ડોર માર્કેટિંગનું કામ કર્યું છે. શરૂઆતના દિવસોમાં ચુસ્ત શાકાહારી ધ્રુવી એક રેસ્ટોરાંમાં નોનવેજ ફૂડનું કટિંગ કરતી અને ઘેર આવીને ઉબકા લેતી લેતી ભૂખી સુઈ જતી. એ કહે છે “ યુ નો વોટ દીદી..કલાકો ઉભા ઉભા પગ દુખી જાય એવું કામ કર્યું છે, ઓછા પૈસામાં પણ કર્યું છે અને બુમો પણ સાંભળી છે…..but I didn’t give up. મેં નક્કી જ કરેલું કે i will survive. ‘પલ્સ એનર્જી’ નામની ઈલેક્ટ્રોનિક કંપનીમાં હું ટોયલેટ ક્લીન કરતી હતી, ત્યાં જ આજે હું સેલ્સ વિભાગની ટીમ લીડર છું. કદાચ આ દેશે સંઘર્ષ કરાવ્યો છે, પણ મહેનતની કદર પણ કરી છે.”
આજે ધ્રુવી આર્થિક અને માનસિક બંને રીતે આ દેશમાં સ્થિર છે. એના ઘણા બધા મિત્રો છે. એ સાઉથ આઈલેન્ડના ક્વીન્સ ટાઉનમાં જઈને સ્નો ગેમ્સ રમે છે તો ક્યારેક રગ્બીની સુપર એક્સાઈટીંગ મેચ જોવા સ્ટેડીયમમાં પહોંચી જાય છે. વિશ્વની સૌથી વધુ ઢાળ ધરાવતી બાલ્ડવિન સ્ટ્રીટના પગથીયા પર બેસીને જયારે એ ફ્રેન્ડસ સાથે કોફી પીવે છે ત્યારે એને લાગે છે કે she survived. જેવા સંજોગો આવ્યા…એ પ્રમાણે નિર્ણય લીધો. શક્ય હતી એટલી મહેનત કરી….And life is good.
એના શબ્દોમાં “ જે બન્યું એ મારી ચોઈસ નહોતી. મેં સંઘર્ષ કર્યો કેમકે વિકલ્પ નહોતો. પણ બીજા લોકોને આમાંથી એ સમજાશે કે ફોરેન એજ્યુકેશન માટે અનેક તકો વધી છે, તેની સાથે ફ્રોડની શક્યતા પણ વધી છે. મને મુર્ખ બનાવનાર એજન્ટ જેવા કેટલાય લોકો આજે પણ હશે. I wish this does not happen to anyone. આવું બને ત્યારે આપણે હેરાન થઈએ અને દૂર બેઠેલા માં-બાપને ચિંતાનો પાર ન રહે.“
Yes Dhruvi your experience can be an example for others. I hope you will achieve your goal, till than more power to you.