ઇન્ડો –કેનેડીયન મોમ

ઇન્ડો –કેનેડીયન મોમ

હું આખી જીન્દગી એ ક્ષણ નહી ભૂલું. હું કેનેડાની ફ્લાઈટ તરફ જઈ રહી હતી અને વેઈટીંગ લોન્જમાં થી ક્રીશ એના નાના નાના હાથો થી મને બાય કહેતો હતો. એને એ પણ સમજાતું નહોતું કે એની મમ્મી એનાથી દુર જઈ રહી છે….એટલી દુર કે હવે એ સંતાકૂકડી રમવા નહી હોય, એ ચોટી નહી વાળી દે, એ રાતે કિસી કરવા નહી હોય.”

સોનલ ઠાકર, મૂળ રાજકોટની પણ એના પપ્પાની જોબને કારણે અનેક જુદા જુદા શહેરોમાં મોટી થઇ. જો કે નાનપણ થી જ એણે નક્કી કરેલું કે મોટી થઈને કેનેડા સ્થાયી થશે…કેમકે એના મામા ત્યાં રહેતા હતા. એસ.પી. યુનીવર્સીટીમાં એમ.એસ.ડબ્લ્યુ કરીને એ કેનેડા ગઈ ત્યારે એના મમ્મી પપ્પાએ એને સાસરે જતી હોય એમ ધામધૂમથી વિદાય આપેલી. ત્યાં પહોચીને મામા મામી એ ખુબ મદદ કરી, હુંફ આપી. મામાને પાર્કિન્સનની તકલીફ હોવા છતાં એ સોનલને જોબ ઈન્ટરવ્યુંમાં ડ્રાઈવ કરીને લઇ જતા. નવા વાતાવરણમાં એને અજાણ્યું ન લાગે એ માટે સતત પ્રયત્ન કરતા. સોનલે જેમ જેમ ઈન્ટરવ્યું આપ્યા એમ એમ એ વાસ્તવિકતાના ધરાતલ પર આવતી ગઈ. એની માસ્ટર્સ ડીગ્રી અહી પુરતી નહોતી, વળી માઈનસ ૩૫ ડીગ્રીમાં બરફની વચ્ચે ગાડી શીખવી પણ શક્ય નહોતી. એક નાની કોફી શોપમાં જોબ મળેલી એમાં પણ રજા પાડીને બીજે ઈન્ટરવ્યું માટે જવું પડતું.

પણ પોતાના લોકોના માળામાં થી નીકળી ને જ સોનલે નવો રસ્તો કંડારવાનો હતો. એટલે જ થોડા સમય પછી એ ટોરોન્ટો મિસીસાગામાં શિફ્ટ થઇ અને ત્યાં એક બેઝમેન્ટ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું. ભારતમાં ભણતા ભણતા જે બે વર્ષ સોશિયલ વર્ક કરેલું એના અનુભવને આધારે એને ચાઈલ્ડ વેલ્ફેર વિભાગમાં જોબ મળી. એનું કામ હતું કેટલાક ઘરોમાં , ડે કેરમાં કે શાળાઓમાં બાળકોના હિતો સચવાય છે કે નહી એનું સુપરવિઝન કરવાનું. નોકરી આર્થિક રીતે અને માનસિક રીતે સંતોષ આપે તેવી હોવાથી she started feeling settled.

વિદેશની ધરતી પર ભૌતિક સ્થિરતા પછીનો મોટો પ્રશ્ન આવે છે એકલતાનો. ભારતના બહોળા ધમધમતા સમાજ, ભરચક રસ્તાઓ, તહેવારોની ધમાલ અને પાડોશીઓની ગપસપ થી દુર ત્યાનું શાંત જીવન એક ખાલીપો લઇ આવે છે. વળી સોનલ જયારે કેનેડા ગઈ ત્યારે એક સંબંધ ની શક્યતાઓ અધુરી મુકીને ગઈ હતી. અને એટલે જ એ વર્ષ ૨૦૦૫ માં ઇન્ડિયા આવી અને વૈભવ સાથે લગ્ન કરીને પાછી ગઈ. વૈભવ ઇન્ડિયન આર્મીમાં મેજર તરીકે કાર્યરત હતો પણ લગ્ન પછી ત્રણ વર્ષે એ પણ કેનેડા શિફ્ટ થયો. એ શરૂઆતના વર્ષો ………..વૈભવને નવી કરીઅર બનાવવાની હતી, સોનલ અનિશ્ચિત શિફ્ટમાં કામ કરતી, કેટલીકવાર નવા નવા લગ્નજીવનમાં સ્વભાવ ભેદ કે દ્રષ્ટિબિંદુના પ્રશ્નો પણ ઉભા થાય છે. ઇન્ડિયામાં આવા નાજુક સમયમાં મામીઓ,કાકીઓ, દાદી, બાજુવાળા માસીઓ વગેરેની સલાહો અને બિન અંગત સમુદાય મદદરૂપ થાય છે. પણ કેનેડામાં…… જ્યાં વિકેન્ડમાં જ લોકોને મળી શકાતું હોય, જ્યાં પાડોશીને પણ લોકો ઓળખતા ન હોય ત્યાં આવી સામાજિક હેલ્પ સહેલી નથી. બે માણસે બધું જાતે જ શીખવું પડે છે….લડતા ઝગડતા અને મહેનત કરીને ઘર ચલાવતા. બની શકે કે ભારતની ક્લોઝ સોસાયટી થોડી ઇન્ટરફીઅરીંગ હોય પણ એના અનેક ફાયદા છે. એ તમને તૂટવા નથી દેતી, સંબંધો ટકી રહે છે અને મુશ્કેલ સમયમાં જીવનબળ આપે છે. પશ્ચિમના દેશોમાં સોફિસ્ટિકેટેડ જીવન પધ્ધતિ ભલે હોય પણ એમાં ક્યાંક લગાવ અને ટેકો ઓછો પડી જ જાય છે.

આવા અપ્સ એન્ડ ડાઉન્સના સમયમાં સોનલને પ્રેગ્નન્સી રહી. કેનેડામાં એક વર્ષની મેટરનીટી લીવ મંજુર થાય છે. એ ઉપરાંત સોનલે છ મહિનાની એલ.ડબ્લ્યુ.પી. મૂકી અને દોઢ વર્ષ માટે ભારત આવી. ક્રીશનો જન્મ થયો પછી સતત એ વિચારતી રહેતી કે રજાઓ પૂરી થાય પછી એ શું કરશે? એની નોકરીના અચોક્કસ કલાકો અને અવ્યવસ્થિત જીવનમાં એનું બાળક કઈરીતે સચવાશે? નોકરી પણ છોડાય એમ નહોતી , કેમકે વૈભવ હજી આર્થિક જવાબદારી ઉઠાવવા જેટલો સેટલ્ડ નહોતો. ઘણીવાર સ્ટ્રેસને કારણે ચર્ચાઓ થઇ જતી, દોડાદોડ હોય તો ખાલી બ્રેડ ખાઈ લેતા, ક્યારેક ૨૪ કલાકમાં ખાલી ફોન પર જ મળ્યા હોય એવું પણ બનતું…..આમાં બાળકને જે સેફ સુનિશ્ચિત સરાઉન્ડીંગ જોઈએ તે કઈરીતે આપી શકાય? વળી ચાઈલ્ડ વેલ્ફેરમાં કામ કરવાને લીધે ડે કેર અને ક્રશમાં બચ્ચાઓને મુકવા કેટલા યોગ્ય છે તે પણ સોનલ જાણતી હતી. અંતે એણે એક અઘરો નિર્ણય લીધો. અમદાવાદમાં ક્રીશને એના નાના-નાની પાસે જ મુકીને કેનેડા પાછા ફરવાનું નક્કી કર્યું. મન નહોતું માનતું……But a mother has to think twice….once for herself and once for her child. એરપોર્ટ પર દીકરાને બાય કહીને એ પ્લેનમાં બેઠી ત્યારે ૨૮ કલાક ની મુસાફરીમાં એના આંસુ નહોતા સુકાયા.

કેનેડા પહોચીને સોનલે ફરી જોબ જોઈન કરી અને એના ઘરને સાચવી લીધું. આખો દિવસ ફિલ્ડવર્ક કરીને એ ઘેર પહોચવાની રાહ જોતી કે જેથી સ્કાઈપ પર દીકરા સાથે ઓનલાઈન થઇ શકે. રાતે ક્રીશના ફોટોઝ જોતી. એ સમયમાં એને કેટલાક લોકોના વિચિત્ર અનુભવો પણ થયા. એના જ શબ્દોમાં મુકું. “અહી રહેતા અમારા સગાઓ મારા માટે જજમેન્ટલ બની ગયા હતા. એકવાર સાંજે હું એકલી હતી અને મેં એક રીલેટીવને મુવી જોવા માટે પૂછવા ફોન કર્યો તો મને કહે કે “દીકરાને સાથે રાખો તો એકલું ન લાગે”. હું તો સ્તબ્ધ થઇ ગઈ. આવા વાક્યો પછી પણ ઘણીવાર સાંભળ્યા “તમારે તો જલસા છે, તમારે તો જવાબદારી જ નહીં” “બાળકોની ઝંઝટમાં થી તમે તો ખરા છૂટ્યા” અને દરેક વખતે હું ઘવાઈ જતી, ખુબ રડતી…..પણ એ સમયે વૈભવે મને ખુબ સપોર્ટ કર્યો. એ કહેતો “તારે કોઈને તારી લાગણીની સાબિતી ન આપવાની હોય” પણ તોય મને લાગી આવતું. સોનલની વાત સાંભળીને લાગે છે કે કેટલાક લોકો નવી ધરતી, નવું આકાશ અને નવી ક્ષિતિજો જોયા પછી પણ મોટા મનના કે વિશાળ દ્રષ્ટિના નથી બની શકતા. બીજાનો ન્યાય તોળવા બેસી જવાની વૃતિ ગમે ત્યાં ગયા પછી પણ જીવતી જ રહે છે.

દોઢ વર્ષ પછી ક્રીશ સ્કુલમાં મુકવા જેવડો થયો પછી કેનેડા સોનલ પાસે પાછો આવ્યો. અત્યારે એ એના મમ્મી પપ્પા સાથે નવા ઘરમાં શિફ્ટ થયો છે. રજાઓમાં કેમ્પીંગ કરવા જાય છે, બર્થડે સેલીબ્રેટ કરે છે અને ખુબ તોફાન કરે છે. સોનલ કેનેડાના હાઈ સેલેરી ગ્રુપમાં આવે એટલું કમાય છે અને વૈભવ પણ પ્રોફેશનલ અને પર્સનલ બન્ને રીતે સેટલ્ડ છે. જે વાતનો સોનલને સૌથી વધુ આનંદ છે એ છે ક્રીશનું નાના નાની સાથેનું અટેચમેન્ટ. આજે પણ એને મમ્મી પપ્પા ખીજાય તો એ બા દાદાને ફોન કરીને ફરિયાદ કરે છે. સોનલ એને પાસ્તા અને પિત્ઝા ખવડાવતા ખવડાવતા રામાયણની વાર્તા કહે છે. ફ્રેન્ડસ સાથે એકસન્ટ વાળું ઈંગ્લીશ બોલતો ક્રીશ નાનીને ફોનમાં જે શ્રી કૃષ્ણ કહે છે.સોનલ સાચું કહે છે……..She is an indo-Canadian mom.

ટોરોન્ટોની ચમકતી સ્કાય લાઈન અને ઝાકઝમાળ જીવનશૈલીમાં એક સરસ વેસ્ટર્ન બંગલોમાં સોનલ દિવાળીના દિવસે રંગોળી પૂરે છે અને ઇન્ડિયન સ્ટોરમાં થી લાવેલી મીઠાઈ પ્લેટમાં સજાવે છે. ત્યાં એમના મિત્રો બન્યા છે જે વિકેન્ડ પર ભેગા થઈને ડીનર કરે છે, બાળકો સાથે રમે છે. અનેક વળાંકો અને અવરોધો પછી જીવન હવે સ્થિર વહેણ બન્યું છે. થોડા ઘણા અસંતોષ છે પણ એ છે તો જ જીવન છે ને…..કાલ વધુ સારી આવશે એવી આશા છે. Good luck sweetheart. God bless you.

Leave a Comment