‘આજ જાને કી ઝીદ ના કરો’

‘આજ જાને કી ઝીદ ના કરો’

I still remember ……૧૯૮૪ માં એર ઇન્ડિયાની ફ્લાઈટમાં હું કાયમ માટે યુ.એસ જઈ રહી હતી …..બેગમ અખ્તરના ખરજના અવાજમાં ‘કોયલિયા મત કર પુકાર, કરજવા લાગત કટાર’ સાંભળતા સાંભળતા હું ધોધમાર રડી પડેલી. મારી જમીન, આ ઘુંટાયેલો અવાજ, મારી ભાષા અને એની તળપદી મીઠાશ, મારા દેશનો વરસાદ અને હજારો જાણીતા ચહેરા……….આ બધું છોડીને જવાનું હતું. મને ડર લાગતો હતો. હું મારો સંસાર ઉભો કરી શકીશ? મારા સંતાનો મારા દેશને, એના વારસાને ક્યારેય સમજી શકશે? એમને ભૈરવીના સુર કે અજંતાના શિલ્પો સાથે કોઈ સંધાન હશે?”

કાલીન્દી ત્રિવેદી પંડ્યા છેલ્લા ત્રણ દાયકા થી અમેરિકાના સ્ટેમફોર્ડ માં સ્થાયી છે. ત્યાં સંસાર અને સંબંધ સેતુ રચ્યા છે. પણ આજથી ૩૩ વર્ષ પહેલા ભારત છોડીને જતી વખતે એમના મનમાં અસમંજસ અને અવસાદ હતો. અમદાવાદમાં મોટા થયેલા કાલિન્દીબહેનના માતા-પિતા બંન્ને ઇન્ડિયન ક્લાસિકલ વોકલના જાણકાર અને સારા ગાયક હતા. ઘરમાં સતત ઉસ્તાદ અમીરખાન સાહેબની ગાયકીના કે નીખીલ બેનર્જીની સિતારના સ્વરો ગુંજતા રહેતા. વળી કાલીન્દીબહેનની સ્કુલ શ્રી વિદ્યાનગર શાળાના પ્રિન્સીપાલ હિંમતભાઈ કપાસી પણ વિદ્યાર્થીઓને કલા અને વાંચનમાં રસ લેવા પ્રોત્સાહિત કરતા. કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ અને ટાગોરના લખાણોએ આ વિદ્યાર્થીઓની પેઢીને ઘડેલી. દર્પણ પરફોર્મિંગ આર્ટમાં ભારતનાટ્યમની તાલીમ લેનારા કાલીન્દીબહેને ૧૯૮૦ ની સાલમાં આરંગેત્રમ કરેલું. ભારતના કલાવારસા સાથે આવા પ્રગાઢ જોડાણ છતાં તેમનું ભાવી આ ભૂમિ થી જોજનો સમુદ્રો દુર નિર્માયું ત્યારે સ્વાભાવિક રીતે જ એમને આશંકાઓ થયેલી. પણ રવીન્દ્રનાથ કહે છે તેમ “ માણસે પોતાના સંજોગો કરતા મોટા થઈને સુખી થવાનું હોય છે, અને સુખના સર્જનની સૌથી મોટી કલા સ્ત્રી પાસે હોય છે.”

કાલીન્દીબહેનને અમદાવાદના પાડોશી કુટુંબના પ્રવીર પંડ્યા સાથે પહેલા મિત્રતા અને પછી અંગતતા કેળવાઈ. પ્રવીર અમેરિકામાં સ્થાયી થવા માંગતા હતા એ એમણે બહુ શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધેલું. અંતે વર્ષોનો સ્નેહ લગ્નમાં પરિણમ્યો અને ૨૧ વર્ષની ઉંમરે કાલીન્દીબહેનના લગ્ન થયા. ડેન્ટલ ઇન્ટર્નશીપ પૂરી કરીને ૧૯૮૪ માં કાલીન્દીબહેન યુ.એસ. ગયા. શરૂઆતના કેટલાક વર્ષો પછી સ્ટેમફોર્ડમાં સ્થાયી થયા. કનેક્ટીકટ સ્ટેટના ફેરફિલ્ડ કાઉન્ટીમાં આવેલ સ્ટેમફોર્ડ રાજ્યનું ત્રીજા નંબરનું શહેર છે. મેનહટન થી ૫૦ કી.મી. દુર આવેલું આ શહેર મોટા કોર્પોરેટ્સ માટેનું બીઝનેસ હબ છે. છેલ્લા સર્વે પ્રમાણે અહિની લગભગ ૪૫% વસ્તી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છે. ૮% જેટલી એશિયન વસ્તી ઉપરાંત ત્યાના સ્થાનિક અમેરિકન , આફ્રિકન, ચાઇનીઝ ,જાપાનીઝ આવા અનેક રાષ્ટ્રીયતા ધરાવતા લોકો અહીં વસે છે.

અમેરિકામાં સૌથી પહેલી ચેલેન્જ કાલીન્દીબહેન માટે એમની ડીગ્રી સંદર્ભે આવી. ત્યાં ભારતીય ડીગ્રી ને ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટીસ કરવા માટે પર્યાપ્ત માન્યતા પ્રાપ્ત નહોતી . આ ઓબસ્ટેકલ થી નિરાશ થવાને બદલે એમણે તેને સર્જનાત્મક રીતે, વિકાસની તક તરીકે સ્વીકાર્યું. બોસ્ટન યુનીવર્સીટીમાં વધારાના બે વર્ષનું શિક્ષણ લેવા કાલીન્દીબહેન જોડાયા. આ વધુ બે વર્ષના અનુભવે એમને એમના ફિલ્ડમાં સમૃદ્ધ કર્યા. એમના જ શબ્દોમાં મુકું તો “ભારતમાં પેશન્ટ જે સમસ્યા લઈને આવ્યો હોય તેનું જ સમાધાન કરાતું…પણ અમેરિકામાં કોમ્પ્રીહેન્સીવ dentistry નું વલણ શીખ્યા. પેશન્ટના ગમ્સ, ટીથ અને ઓવરઓલ હાઇજીનની તપાસ થાય અને તે માટે પેશન્ટને ટ્રેઈનીંગ અપાય. ખરેખર બોસ્ટન યુનીવર્સીટી એ મારા નોલેજ અને દ્રષ્ટિબિંદુ ને વ્યાપક બનાવ્યા.”

પરિક્ષાના દિવસો નજીક હતા અને કાલીન્દીબહેનના પ્રથમ સંતાનના જન્મની તારીખ પણ સાવ પાસે હતી. પતિનો સપોર્ટ, સહપાઠીઓનું બળ અને ભારત થી આવેલા મમ્મીની મદદ થી એમણે દીકરો સાવ બે મહિનાનો હતો એ સમયે ઉચા ગુણે પરિક્ષા પણ પાસ કરી અને પ્રેક્ટીસ માટેનું લાયસન્સ પણ મેળવ્યું. છેલ્લા ૨૦ વર્ષ થી પ્રેક્ટીસ કરતા કાલીન્દીબહેન પાસે દરેક રેસના ,દરેક ક્લાસના લોકો આવે છે. પ્રેક્ટીસ શરુ કરી ત્યારે ક્યારેક થતું કે આ નવા દેશમાં લોકો એમને એક્સેપ્ટ તો કરશે ને? પણ આજે એ જાણે છે કે સંપૂર્ણ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ડાઈવર્સિટીમાં માનતો આ દેશ તમને આવડત સિદ્ધ કરવા તક પણ આપે છે અને તેની કદર પણ કરે છે.

૧૯૯૭ માં તેમને બીજું સંતાન આવવાનું હતું એ દરમ્યાન કાલીન્દીબહેનના મમ્મી-પપ્પા અને સાસુ-સસરા બંને પી.આર લઈને તેમની પાસે શિફ્ટ થઇ ગયા. દીકરીના જન્મસમયે બન્ને દાદા-દાદી હાજર હોય અને આવા સંયુક્ત કુટુંબમાં સંતાનો મોટા થાય એનાથી મોટો આશીર્વાદ શું હોય? રામાયણની વાર્તા કે તહેવારોની સમજ કે શીરાનો સ્વાદ બાળક એમની પાસેથી જ સૌથી સારી રીતે શીખે છે. કાલીન્દીબહેનની દીકરી પૂર્વી સાવ નાનકડી હતી ત્યારે તેના નાનાજી તેને તબલાના બોલ સંભળાવતા. આજે પૂર્વી અમેરિકન બેલે અને કથકની તાલીમ પામેલ નૃત્યાંગના છે. ૨૦૧૫ માં જયારે તેણે અમેરિકા અને ભારત બન્ને જગ્યાએ રંગમંચ પ્રવેશ ઉજવ્યો ત્યારે કાલીન્દીબહેનને લાગેલું કે એમણે પોતાનું સંસ્કાર સૂત્ર પોતાના સંતાનોને સોપવાની જવાબદારી નિભાવી છે. બંને બાળકો સ્પષ્ટ ગુજરાતી બોલે છે અને ભારતીય કપડાના શોખીન છે. કોઈકે સાચું કહ્યું છે……..”આપણે ફક્ત માનવ ઈતિહાસમાં અનુસંધાનની કડી છીએ….જે આગલી પેઢી પાસેથી પામીએ, તેને આવનાર પેઢીને સોપવાનું કાર્ય આપણે કરવાનું છે. જો આપણે એ વારસો વધુ ઉજળો બનાવીને સોંપી શકીએ તો આપણું જીવનકાર્ય સિદ્ધ થાય છે.”

આજે કાલીન્દીબહેન પચાસની પાર પહોચ્યા છે. અમેરિકાની સ્વચ્છતા, જનરલ અવેરનેસ અને પ્રોગ્રેસીવ નોન-જજમેન્ટલ સમાજ એમને ગમે છે. સાથે સાથે એમના ઘરમાં પેલું ભારતીયપણું પણ જીવે છે. અંતે તો શું હોય છે તમારો દેશ? દુનિયાના કોઇપણ ખૂણે ‘વંદે માતરમ ‘ નું ગાન સાંભળીને તમારા રૂંવાડા ઉભા થાય જ છે. દુર દેશમાં જન્મેલા ,ઉછરેલા બાળકો પણ જન્મદિવસે ભગવાનને માથું નમાવે છે અને કોઈ વરસાદી સાંજે બાલ્કનીમાં ઉભા હોઈએ ત્યારે કોઈ કારણ વગર કોઈ પુરાતન, જન્મ જન્માંતરની ભૂમિ સાદ કરતી હોય તેવું લાગે છે……… બસ આ જ છે ભારતીય હોવું.

મેં એમને પ્રશ્ન કર્યો ‘ કોઈ રિગ્રેટસ છે?’ તો એમણે કહ્યું….ના, આમ જુઓ તો હું બહુ નસીબદાર છું. મારા બન્ને માતા-પિતા, પ્રવીર ,બાળકો, પ્રોફેસરો, પેશન્ટ્સ…….ખુબ પ્રેમ અને મદદ મળી છે મને. પણ ક્યારેક એવો પ્રશ્ન મનમાં આજે ય ઉગી નીકળે છે કે જો હું ઇન્ડિયામાં હોત તો જીવન કેવું ઘડાયું હોત? અને આજે ત્રણ દાયકા પછીય જયારે ભારત જઈને પાછી ફરતી હોઉં ત્યારે ફરીદા ખાનમનો વિષાદી ઘેઘુર અવાજ કાનમાં પડઘાય છે “આજ જાને કી ઝીદ ના કરો…યું હી પહેલું મેં બેઠે રહો…..”

Right કાલીન્દીબહેન……આપણી જમીન આપણી માં જેવી હોય છે. આપણે ગમે ત્યાં જઈએ…ગમે ત્યારે આવીએ….એ બારણે રાહ જોતી બેઠી જ હોય છે. અને કોઈ રાહ જોવે છે એ વિશ્વાસ કેટલો ગમતીલો છે.“

“A country is not a place on the map, but it is a land that survives in your mind. It is something you dream about and sing about. It is a story you remember till the end….and you wish to pass even after your end…..”

Thanks Kalindiben

Thanks Mari Saheli, Nandiniben Trivedi

Leave a Comment